ગાંધીનગર જિલ્લામાં સરકારી યોજનાઓનો લાભ તેમજ આધારકાર્ડ, રાશન કાર્ડ, હેલ્થ કાર્ડ વગેરે દસ્તાવેજો સામાન્ય નાગરિકને સરળતાથી ઘર આંગણે મળી રહે તે માટેનો કાર્યક્રમ એટલે ‘સેવાસેતુ’ જેમાં સરકાર નાગરિકોને તેમના ઘર આંગણે કે તેમના વિસ્તારમાં જઈ યોજનાકીય લાભ અને અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. 15મી વિધાનસભાના બીજા સત્રમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલેના ગાંધીનગર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ હેઠળ શહેરી વિસ્તારમાં થયેલા કાર્યક્રમો તથા સેવાસેતુ દ્વારા અપાતી સેવાઓની માહિતી અને શહેરી વિસ્તારમાંથી મળેલ અરજીઓ અંગે લેખિતમાં પ્રશ્ન રજૂ કરાયો હતો. જેનો મંત્રી દ્વારા લેખિતમાં પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો હતો.
તદ્અનુસાર ગત વર્ષ 2022 ની સ્થિતિએ ગાંધીનગર શહેરી વિસ્તારમાં 19 સેવાસેતુ કાર્યક્રમ યોજાયા છે. જેમાં કુલ 56 યોજનાઓને આવરી લેવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર શહેરી વિસ્તાર થકી કુલ 23045 અરજીઓ મળી હતી. અને તે તમામનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમ અશક્ત, વૃદ્ધ, દિવ્યાંગ અને જરૂરતમંદ લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ હોવાની સાથે સાથે નાગરિકોને કચેરીની લાંબી કતારોમાં ઊભા રહ્યા વગર તેમના વિસ્તારમાં થતા સેવાસેતુ કાર્યક્રમ થકી જરૂરી માર્ગદર્શન અને સેવા મળી રહે છે જેનાથી ઘણી રાહત મળી છે. મહત્વની વાત એ છે કે, સેવાસેતુમાં આવરી લેવાયેલ સેવાઓની અરજીનો તાત્કાલિક જે તે સ્થળે જ નિકાલ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.