ગ્રામ પંચાયતની ચૂંટણી:ગાંધીનગરની 156 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 539 સરપંચો અને 1323 વોર્ડ સભ્યોનું આવતીકાલે ભાવિ મતપેટીમાં કેદ થશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ ભરાઇ ગયા પછી જિલ્લાની કુલ 22 જેટલી ગ્રામપંચાયતો સંપુર્ણ સમરસ થઇ હતી

ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર એમ ચારેય તાલુકાની 156 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 539 સરપંચ અને 1323 વોર્ડ સભ્યો વચ્ચે આવતીકાલે ચૂંટણી યોજાશે. શરૂઆતમાં 179 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયા પછી 22 જેટલી ગ્રામ પંચાયત સમરસ બનતા હવે આવતીકાલે રવિવારે ચારેય તાલુકાના 4 લાખ 10 હજાર 117 મતદારો મતાધિકારનો ઉપયોગ કરીને ભાવિ સરપંચ - વોર્ડ સભ્યોની વરણી માટે મતદાન કરશે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર એમ ચારેય તાલુકાની મળીને કુલ 179 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરાઇ ગયા પછી જિલ્લાની કુલ 22 જેટલી ગ્રામપંચાયતો સંપુર્ણ સમરસ થઇ હતી . એટલે કે, આ ગ્રામપંચાયતોમાં એક જ ઉમેદવાર સરપંચ તરીકે રહ્યા છે. સાથે સાથે વોર્ડ બેઠકોમાં પણ એક-એક ઉમેદવારો જ રહ્યા છે.

ગાંધીનગર તાલુકાની 54 પૈકી બે ગ્રામપંચાયતો, દહેગામની 84 પૈકી નવ, કલોલની 11 માંથી એક પણ નહીં. જ્યારે માણસાની 30 ગ્રામપંચાયતોમાંથી 11 ગ્રામપંચાયતો સંપુર્ણ સમરસ થઇ ગઇ છે. જ્યારે દહેગામ અને માણસાની બે-બે તથા કલોલની એક ગ્રામપંચાયતમાં સરપંચની બેઠક તો બિનહરિફ થઇ છે પરંતું ત્યાં વોર્ડની બેઠકો માટે એક કરતા વધુ ઉમેદવારો છે જેથી ત્યાં આવતીકાલે રવિવારે મતદાન કરાવવામાં આવશે.

આ પાંચ ગ્રામપંચાયતોમાં સરપંચની નહીં પણ વોર્ડ બેઠક માટે મતદાન થશે એટલે કે, આ પાંચ અંસતઃ સંપુર્ણ બેઠકોની ચૂંટણી યોજાશે.જિલ્લામાં કુલ 156 ગ્રામપંચાયતો માટે કાલે ચૂંટણી યોજાવાની છે ત્યારે જિલ્લાના ચારેય તાલુકા ખાતે અલગ-અલગ રીસીવીંગ અને ડીસ્પેચીંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં સેક્ટર-15 ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ સંકુલમાં આ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાં ગાંધીનગર તાલુકાની 52 ગ્રામપંચાયતો માટે રીસીવીંગ અને ડીસ્પેચીંગની કામગીરી કરાશે. આવી જ રીતે દહેગામ તાલુકાની 75 ગ્રામપંચાયતો માટે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દહેગામ જ્યારે કલોલ તાલુકાની ફક્ત 11 ગ્રામપંચાયત માટે ટેકનીકલ સંસ્થા કલોલ ખાતે રીસીવીંગ અને ડીસ્પેચીંગ સેન્ટર રાખવામાં આવ્યા છે. જ્યારે માણસામાં એસડી આર્ડ્સ એન્ડ બીઆર કોમર્સ કોલેજ ખાતે આ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાંથી માણસા તાલુકાની 18 ગ્રામપંચાયતો માટે ડીસ્પેચીંગની કામગીરી કરવામાં આવશે.

ગાંધીનગરમાં આવતીકાલે યોજાનાર 156 ગ્રામ પંચાયતની ઓવરઓલ સ્થિતિની વાત કરીએ તો દહેગામમાં 75 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 244 સરપંચ અને 241 વોર્ડ માટે 536 ઉમેદવારોની ચૂંટણી થશે. જે માટે 223 મતદાન મથકો, 228 મતપેટી ઉપલબ્ધ તેમજ 223 મતપેટીનો ઉપયોગ કરાશે.

આ ઉપરાંત 14-14 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી, 1338 પોલીંગ સ્ટાફ, 545 પોલીસ તૈનાત રહેશે. દહેગામમાં 75 ગ્રામ પંચાયતોમાં 83 હજાર 464 પુરુષ અને 79 હજાર 957 સ્ત્રી એમ કુલ. 1 લાખ 63 હજાર 416 મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી સરપંચ - સભ્યોની વરણી કરશે.

એજ રીતે ગાંધીનગરમાં 52 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 193 સરપંચ અને 223 વોર્ડ માટે 511 ઉમેદવારોની ચૂંટણી થશે. જે માટે 192 મતદાન મથકો, 350 મતપેટી ઉપલબ્ધ તેમજ 223 મતપેટીનો ઉપયોગ કરાશે. તો 1540 પોલીંગ સ્ટાફ, 419 પોલીસ તૈનાત રહેશે. ગાંધીનગર તાલુકા માટે કુલ 1 લાખ 75 હજાર 009 મતદારો મતદાન કરશે.

માણસામાં 18 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 70 સરપંચ અને 56 વોર્ડ માટે 126 ઉમેદવારોની ચૂંટણી થશે. જે માટે 51 મતદાન મથકો, 105 મતપેટી ઉપલબ્ધ તેમજ 61 મતપેટીનો ઉપયોગ કરાશે. તો 300 પોલીંગ સ્ટાફ, 153 પોલીસ તૈનાત રહેશે. માણસા તાલુકા માટે કુલ 42 હજાર 943 મતદારો મતદાન કરશે. એજ રીતે કલોલ તાલુકાની 11 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 32 સરપંચ અને 58 વોર્ડ માટે 150 ઉમેદવારોની ચૂંટણી થશે. જે માટે 31 મતદાન મથકો, 175 મતપેટી ઉપલબ્ધ તેમજ 50 મતપેટીનો ઉપયોગ કરાશે. તો 155 પોલીંગ સ્ટાફ, 65 પોલીસ તૈનાત રહેશે. કલોલ તાલુકા માટે કુલ 28 હજાર 749 મતદારો મતદાન કરશે

અન્ય સમાચારો પણ છે...