કોરોના અપડેટ:ગાંધીનગરમાં એક જ દિવસમાં કોરોના 10 કેસ નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતા વધી, 70 વર્ષીય વૃધ્ધનું સારવાર દરમિયાન મોત

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવ દિવસ અગાઉ કોરોના સંક્રમિત વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. આજે કોર્પોરેશન વિસ્તારમાં જ એકસાથે દસ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે એક દર્દીનું કોરોનાના કારણે ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. આમ છેલ્લા એક અઠવાડિયામાં કોર્પોરેશન વિસ્તારમાં કોરોના નો આંકડો 30 સુધી પહોંચી જવા પામતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.

એક દિવસમાં 10 કેસ અને 1 મોત નોંધાયું

રાજયમાં કોરોનાના આંકડામાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. એજ રીતે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. જો કે આજે એકસાથે 10 કોરોનાના કેસોની સાથે એક 70 વર્ષીય વૃદ્ધ નું કોરોનાની સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલમાં અવસાન થતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. ત્યારે છેલ્લા અઠવાડિયામાં કોર્પોરેશન વિસ્તારમાં 30 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં એક વૃધ્ધનું અવસાન થયું છે.

છેલ્લા અઠવાડિયા દરમિયાન નોંધાયેલા કેસ

કોર્પોરેશન વિસ્તારના છેલ્લા અઠવાડિયાના કોરોનાના દર્દીઓની વાત કરીએ તો ગત તા. 31 મી મેનાં રોજ 33 વર્ષીય યુવાન અને 26 વર્ષીય વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તો તા. 2 જુનના રોજ ઈન્ફોસિટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. જેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તો તા. 3 જૂને 32 વર્ષીય યુવાન, તા. 4 જુનના રોજ 26 વર્ષની યુવતી, 31 વર્ષની મહિલા, 47 વર્ષની મહિલા, 43 વર્ષની મહિલા કોરોના પોઝિટિવ હોવાનો રિપૉર્ટ આવ્યો હતો. જ્યારે તા. 5મીએ 29 વર્ષીય યુવક, તા. 7 મીએ 55 વર્ષીય વૃદ્ધ અને તા. 8 મીએ 28 વર્ષની યુવતી, 17 વર્ષનો કિશોર, 72 વૃધ્ધાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની બહાર આવ્યું હતું. એજ રીતે ગઈકાલે તા. 9 મી જુનના રોજ 45 વર્ષીય મહિલા, 62 વર્ષીય વૃદ્ધા, 17 વર્ષનો કિશોર અને 44 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત હોવાનો રિપૉર્ટ આવ્યો હતો. એજ રીતે આજે તા. 10 મી જૂનના રોજ 28 વર્ષની યુવતી, 25 વર્ષનો યુવક, 64 વર્ષીય વૃદ્ધ, 61 અને 52 વર્ષીય વૃદ્ધા, 42 વર્ષ ની મહિલા, 50 વર્ષીય વૃદ્ધા, 22 વર્ષના 2 યુવકો, 17 વર્ષનો કિશોર અને 21 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...