ગાંધીનગર સ્થિત કરાઈ પોલીસ એકેડેમીમાં ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવી પીએસઆઇની ટ્રેનિંગ લેતાં મયુર તડવી 10 મી માર્ચ સુધી લોકલ ક્રાઇમ બ્રાંચનાં રિમાન્ડ ઉપર છે. ત્યારે આ સમગ્ર પ્રકરણની કડીઓ મેળવવા માટે આગામી દિવસોમાં મયુર તડવીનો ગાંધીનગર એફએસએલમાં લેયર વોઇસ એનાલીસીસ- સસ્પેક્ટ ડીટેક્શન સિસ્ટમ ટેસ્ટ કરાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડેમીમાં ખોટા દસ્તાવેજોના આધારે પીએસઆઇની ટ્રેનિંગ લઈ રહેલા મયુર તડવીનો યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે ભાંડો ફોડવામાં આવતા સરકાર એક્શનમાં આવી હતી. અને ગુપ્ત તપાસના અંતે મયુર તડવી ખોટા દસ્તાવેજોના આધારે કરાઈ એકેડેમીમાં પ્રવેશીને ટ્રેનિંગ પણ લઈ રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં મયુર તડવીની લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી 10 મી માર્ચ સુધીના રિમાન્ડ લેવામાં આવ્યા છે.
બીજી તરફ સમગ્ર પ્રકરણમાં કરાઈ એકેડમીના મુખ્ય ગેટ પર મૂકવામાં આવેલા લિસ્ટને વેરીફાઇ કર્યા વગર માત્ર કોલ લેટર જોઈને મયુર તડવીને ટ્રેનિંગમાં મોકલી દેવામાં આવ્યો હતો. જેમાં ગંભીર બેદરકારી તપાસ દરમિયાન બહાર આવતા પોલીસ ઈન્સ્પેક્ટર ડી. એન. અંગારી અને એમ. જે. ગોહિલ તથા ચાર ADIને બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે . આ ઉપરાંત ભરતીમાં વેરિફિકેશનની મહત્વની કામગીરી કરી રહેલા SRPના 4 જવાનોની બેદરકારી સામે આવતા ચારેયને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ત્યારે આ પ્રકરણની તપાસ કરતી લોકલ ક્રાઇમ બ્રાંચે મયુર તડવીની કડકાઈથી પૂછતાંછ કરતાં ખોટા દસ્તાવેજોની ઝેરોક્ષ બરોડાની એક દુકાનમાં કઢાવી હોવાનું કબુલ્યું હતું. જેને સાથે રાખી એલસીબીએ તપાસ કરતા બરોડાની ઝેરોક્ષની દુકાનમાં પ્રિન્ટ કઢાવી હોવાનું પુરવાર થયું છે. ત્યારે હજી પણ ખૂટતી કડીઓ ભેગી કરવા માટે મયુર તડવીનો ગાંધીનગર એફએસએલમાં લેયર વોઇસ એનાલીસીસ (LAV) અને સસ્પેક્ટ ડીટેક્શન સિસ્ટમ (SDA) ટેસ્ટ કરવા માટે કવાયત શરૂ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.