ગાંધીનગર, મહેસાણા સહિતના જિલ્લામાં કારના કાચ તોડીને અંદરથી કિંમતી સામાનની ચોરી કરી કરીને સિલસિલાબંધ ગુના આચરનાર રીઢા ચોરને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમીના આધારે સેકટર - 24 ખાતેથી ઝડપી પાડી 10 તોલા વજનના રૂ. 4.53 લાખના દાગીના, બે મોબાઈલ ફોન તેમજ ઇનોવા કાર મળીને કુલ રૂ. 9 લાખ 62 હજાર 786 નો મુદામાલ જપ્ત કરી છ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ચોરીના ગુનાને અંજામ આપવા માટે રીઢો ચોર તેની પત્નીને ઇનોવા કારમાં લઈને નીકળતો અને મોકો મળતાં કાચ તોડી કિંમતી સામાન ચોરી ફરાર થઈ જતો હતો.
ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જાહેર સ્થળોએ પાર્ક કરેલ કારના કાચ તોડી અંદરથી કિંમતી સામાનની ચોરીની વારદાતો બનતાં લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ દિવાનસિંહ વાળાએ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓની મોડસ ઓપરેન્ડી ઉપર ધ્યાન કેંદ્રિત કરીને સ્ટાફમાં માણસોને અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
જે અન્વયે એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે સેકટર - 24 ખાતેથી 32 વર્ષીય અકીલ સલીમભાઈ નૂરમહમદ વોરાને (રહે. ઉમરેઠ, સેફૂલા સોસાયટી,આણંદ) ઇનોવા કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની વૈજ્ઞાનિક ઢબે પૂછતાંછ કરતાં તેની પાસેથી 10 તોલા વજનના સોનાના દાગીના મળી આવ્યા હતા. જે અંગે તેણે કબુલાત કરી હતી હતી કે, સાત આઠ મહિના અગાઉ સેકટર - 21, ચીલોડા, અડાલજ પોલીસ હદ વિસ્તારમાં તેમજ મહેસાણાના ખેરાલુ, ઊંઝા અને ગોધરાથી અલગ અલગ જગ્યાએ પાર્કિંગમાં પાર્ક કારના કાચ તોડીને કિંમતી સામાનની ચોરીના ગુના આચરવા આવ્યા હતા.
ત્યારે લોકોની આંખમાં ધૂળ નાખવા માટે અકીલ તેની પત્ની મકસુદાને સાથે રાખી ઇનોવા કાર લઈને નીકળતો હતો. અને પાર્ટી પ્લોટમાં કોઈ પ્રસંગ હોઇ એવા સ્થળોએ પાર્કિંગમાં ગાડી પાર્ક કરતો હતો. બાદમાં મોકો મળતાં જ કારના કાચ તોડીને અંદરથી કિંમતી સામાનની ચોરીના ગુનાને અંજામ આપતો હતો. તેમજ પોલીસના હાથે પકડાઈ ના જવાય તે માટે મોબાઇલ અને લેપટોપ કિંમતી સામાનની સાથે હાથમાં આવે તો રસ્તામાં નાખી દેતો હતો. જેનાં વિરુદ્ધમાં આણંદ, નરોડા, સમા, ગોત્રી અને હરણી પોલીસ મથક મળીને ઉક્ત એમઓથી કુલ 9 ગુના પણ નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.