દહેગામ પોલીસે રખીયાલ સગદલપુર ગામના બે ઈસમોની ચોરીના ગુનામાં અટકાયત કરી હતી. તેઓની ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરતા બાઈક ચોરીને કટિંગ ભંગારમાં વેચી મારતી ગેંગનો પર્દાફાશ થયો છે. જેનાં પગલે વધુ ત્રણ આરોપીઓની અટકાયત કરીને પોલીસ દ્વારા વધુ પૂછતાંછ શરૂ કરવામાં આવી છે.
ચોરીનું બાઈક રિકવર કરવામાં આવ્યું
દહેગામ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ પી જે ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો અન-ડીટેક્ટ મિલ્કત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે કાર્યરત હતા. એ દરમિયાન મળેલી બાતમીના આધારે યુવરાજસિંહ ઉર્ફે બાબુ રમેશસિંહ ઝાલા તથા ભાવેશસિંહ અમરતસિંહ ઠાકોર(બન્ને રહે. સગદલપુર, રખીયાલ પીરબાપાવાળા વાસ તા.દહેગામ) પાસેથી ચોરીનું બાઈક રિકવર કરવામાં આવ્યું હતું. જેમની આકરી પૂછતાંછ કરતાં રેકી કરી, બાઈક ચોરીને કટિંગ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા અન્ય ત્રણ ઈસમોનાં નામ ખુલ્યા હતા.
બાઈક ચોરીનાં ગુના ઉકેલાય તેવી શક્યતા
બાદમાં પોલીસે પ્રફુલકુમાર સોમાભાઇ પટેલ (રહે.પીપળજ), દશરથસિંહ ઉર્ફે વિશાલ ઉર્ફે ઠાકોર તથા મહિપાલસિંહ ઉર્ફે નેપાલ મહોબતસિંહ ઝાલા(બન્ને રહે.સામેત્રી તા.દહેગામ) ની પણ અટકાયત કરીને આધાર પુરાવા વિનાના ત્રણ બાઈક કબજે કરવામાં આવ્યાં હતા. જેનાં પગલે પોલીસે પાંચેય આરોપીઓની અટકાયત કરીને ઘનિષ્ઠ પુછતાછ શરૂ કરાતાં બાઈક ચોરીનાં ગુના ઉકેલાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.
પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ મહિપાલસિંહ અને દશરથસિંહ વિરુદ્ધ રખીયાલ પોલીસ મથકમાં વાહન ચોરીના ગુના નોંધાયેલ છે. બાઈક ચોર ગેંગ ચોરી કરવા માટે રેકી કરીને મોકો મળતાં જ બાઈકની ચોરી કરીને તેનું કટિંગ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી હોવાથી પોલીસે તેઓના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.