દહેગામની ઝાંક જીઆઇડીસી ખાતે આવેલી સી.એમ.સ્મીથ બંધ કંપનીમાં ચોરીના ઈરાદે અગાઉ અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં મિત્રે ત્રણ જણાને પ્રસાદીના બહાને ઝેરી પેંડા ખવડાવી દેવામાં આવતાં ત્રણેયની હાલત લથડી ગઈ હતી. જે પૈકી બે લોકોને ઝેરી પેંડાની વધુ અસર થતાં તેમને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામના ઝાંક ઇન્દિરાનગરમાં ભાડાના મકાનમાં રહેતાં ગુલાબસિંહ રઘુરાજસિંહ રાજપૂત પાયોનીયર સિક્યોરીટી સર્વિસમાં છેલ્લાં પાંચ વર્ષથી સિક્યોરીટી સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. અને છેલ્લા બે મહિનાથી ઝાંક ખાતેની બંધ પડેલી સી.એમ. સ્મિથ કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. અહીં એક વર્ષ પહેલા પણ ગુલાબસિંહ નોકરી કરતા હતા. આ સિવાય તે ફ્રી સમયમાં એ.ડબ્લ્યુ.પ્રા.લી. કંપનીની અલગ અલગ રોગોની આયુર્વેદ દવાનું વેચાણ કરે છે.
ગત તા.2/1/2023 ના રોજ રાતના પોણા આઠેક વાગે કંપનીમાં અગાઉ કામ કરતા મિત્ર વિપીનસિંગ શ્યામબિહારીસિંગ પરીહાર (હાલ રહે. અમદાવાદ, મૂળ રહે.સરગાવ થાના, મજગાવ, તા. રાઠી જિ.હમીરપુર ઉત્તરપ્રદેશ) એ ફોન કરીને ગુલાબસિંહને કહેલું કે, મારા મિત્રને લકવાની અસર થઈ હોવાથી આયુર્વેદિક દવા લેવા આવું છું. જેથી તેને ગુલાબસિંહે કંપની ઉપર બોલાવ્યો હતો. એ દરમ્યાન શિફ્ટ ચેન્જ થતી હોવાથી અન્ય સિક્યુરિટી ગાર્ડ લાલાસાહેબ યાદવ(રહે. ઝાંક) તેમજ વિજયભાઈ સોમાઈ (રહે. નવા નરોડા) પણ ત્યાં પહોંચ્યા હતા.
બાદમાં બધા થોડી વાર ઉભા હતા. ત્યારે વિપીનસિંગે પેડાનું બોકસ પ્લાસ્ટિકની કોથળીમાંથી કાઢી કહેવા લાગેલો કે મંદિર ગયેલો એની પ્રસાદી છે. જેથી ત્રણેયે જણે પેંડા ખાધા હતા. જ્યાંથી વિપીનસિંગ ગુલાબસિંગ સાથે તેમના ઘરે ગયો હતો. પરંતુ ઘરે પહોંચતા જ ગુલાબસિંહને ચક્કરની સાથે ઉલ્ટીઓ થવા લાગી હતી. અને ત્યાંથી વિપિનસિંગ જતો રહ્યો હતો. એટલે તેણે આપેલ પેંડાથી તબિયત બગડી હોવાની ગુલાબસિંહને શંકા થઈ હતી.
ત્યારે રાત્રીના આશરે સાડા દસ વાગે સિક્યોરીટી એરીયાના ઇન્ચાર્જ પરમવીરસિંહ ઘરે જઈને ગુલાબસિંહ ને જગાડીને કહેલ કે તારી સાથેના સિક્યુરિટી ગાર્ડ લાલસાહેબ અને વિજયભાઈ તબીયત બગડી છે.તેમને ઉલ્ટીઓ તથા ચક્કર આવે છે. જેથી બંને જણાને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર અર્થે લઈ ગયા છે. આમ ગુલાબસિંહને ખાત્રી થઈ હતી કે, વિપિનસિંગે કંપનીમાં ચોરીના ઈરાદે ઝેરી પેંડા પ્રસાદનાં નામે ખવડાવી દેવામાં આવ્યા છે. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.