તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશ્ચર્ય:ગાંધીનગરના ચિલોડામાં ભેંસો હવાડામાંથી પાણી પીધા બાદ લથડિયાં ખાવા લાગી, પોલીસે હવાડાની તપાસ કરી તો દારૂનો જથ્થો મળ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હવાડામાં છુપાવેલા દારૂના જથ્થાનો વિચિત્ર રીતે ભાંડો ફૂટ્યો. - Divya Bhaskar
હવાડામાં છુપાવેલા દારૂના જથ્થાનો વિચિત્ર રીતે ભાંડો ફૂટ્યો.
  • પોલીસે દારૂની 101 બોટલ સાથે એક શખસને ઝડપી પાડ્યો હતો

ગાંધીનગરના ચિંલોડામાંથી પાંચ દિવસ અગાઉ પકડાયેલા વિદેશી દારૂના જથ્થા પ્રકરણમાં નવો ફણગો ફૂટયો છે. હકીકતમાં ચિલોડા પંચવટીવાસથી થોડેક દૂર આવેલા ગમાણમાં બે ભેંસ અને બે પાડી અનાયાસે હવાડાનું પાણી પીધા પછી ડોલવા લાગતાં તેનો માલિક આશ્ચર્યચકિત થઈ ગયો હતો. દારૂ પીધેલાની જેમ ભેંસો લથડિયાં ખાવા લાગતાં ભેંસોની સારવાર કરનારા ડોક્ટરે ક્રાઇમ બ્રાંચને ફરિયાદ કરતાં પોલીસે 35 હજારની કિંમત 101 બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડી ફરાર બે ઈસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

ભેંસોને લથડિયાં ખાતી જોઈ માલિક આશ્ચર્યમાં મુકાયો
ગાંધીનગરના ચિલોડા મુકામે બે ભેંસ અને એક પાડો પંચવટી વાસ ખાતેની ગમાણની જગ્યામાં ચરવા માટે ગઈ હતી. એ દરમિયાન ગમાણના હવાડામાંથી ભેંસોએ ધરાઈને પાણી પીધું હતું, પરંતુ થોડી વાર પછી અચાનક જ ભેંસો લથડિયાં ખાવા લાગી હતી અને ભેંસોના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું. આ જોઈ ભેંસોનો માલિક આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

પશુ-ડોકટરની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી
થોડીવાર પછી ભેંસોની તબિયત વધુ લથડવા લાગતાં તેણે કુજાડના પશુ-ચિકિત્સકનો સંપર્ક કર્યો હતો. સ્થળ પર આવેલા પશુ-ડોક્ટરે ભેંસોને ચકાસી જરૂરી દવા લખી આપી હતી, પરંતુ ભેંસોએ જે હવાડામાંથી પાણી પીધું હતું એ પાણી દારૂ મિશ્રિત હોવાની પ્રબળ શંકાને પગલે ડોક્ટરે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાંચના જમાદાર દિલીપસિંહ દ્વારા ઉક્ત સ્થળ પર રેડ કરવામાં આવી હતી.

હવાડામાં છુપાવેલી 101 બોટલ દારૂ સાથે એક શખસ ઝડપાયો
એ દરમિયાન ગમાણના હવાડામાં એક ઈસમ કાંઈ કરતો હોવાનું માલૂમ પડતાં પોલીસ ટીમે તેને ઝડપી લઈ હવાડામાં તલાશી શરૂ કરી હતી, જેમાથી પોલીસને 35 હજારની 101 વિદેશી દારૂની બોટલ મળી આવતાં દિનેશ ઠાકોરની ધરપકડ કરી ફરાર અંબા રામ ઠાકોર તેમજ રવિ ઠાકોરને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. આ બૂટલેગરોએ દારૂનો જથ્થો હવાડા સહિત આસપાસમાંમાં સંતાડી રાખ્યો હતો અને એ જ હવાડામાંથી પાણી પીધા પછી ભેંસો લથડિયાં ખાવા લાગી હતી અને એની સારવાર માટે પશુ-ડોક્ટરને બોલાવાતાં સમગ્ર બનાવનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...