કામગીરીની સમીક્ષા:ગાંધીનગરમાં રોકેટ ગતિએ વધતાં કોરોનાના કેસોના પગલે પ્રભારી મંત્રીએ જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાલક્ષી થયેલી કામગીરીની વિગતો મેળવી કોરોના સંક્રમણ રોકવા અસરકારક પગલાં ભરવાની સૂચનાઓ અપાઇ

ગાંધીનગરમાં દિન પ્રતિદિન વધતા જતાં કોરોનાના સંક્રમણનાં પગલે આજે ગાંધીનગર જિલ્લા પ્રભારી એવા ગૃહ મંત્રીએ એકાએક ગાંધીનગર કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં અત્યાર સુધીમાં કોરોના લક્ષી થયેલી કામગીરીની વિગતો મેળવી કોરોના સંક્રમણ રોકવા અસરકારક પગલાં ભરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

રાજ્યના નાગરિકોને કોવિડ- 19થી સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ બાબતે સરકારે અસરકારક કામગીરી હાથ ઘરી છે. એસ.ઓ.પી.ના નિયંત્રણોને માનવીય અભિગમ સાથે અમલવારી કરવાની સૂચના તંત્રને આપી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીએ કોવિડ- 19ની સાંપ્રત પરિસથિતિ સંદર્ભે કરાયેલ જિલ્લાના સુચારું આયોજન અંગેની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું. રાજ્ય ગૃહ મંત્રી સંધવીએ કોઇનાથી ભૂલ થાય તો તેને દષ્ટાંતરૂપ ગણીને નાગરિકોને પોતાનું અને પરિવારનું જીવન જોખમમાં ન મૂકવાનો પણ અનુરોધ કર્યો છે.

વધુમાં તેમણે રાજયના સૌ નાગરિકોને માસ્ક ફરજિયાત પહેરવા અને સોશ્યિલ ડિસ્ટન્સ ખાસ રાખવા પણ અપીલ કરી છે. એસ.ઓ.પી.નો ચુસ્ત અમલ કરીને પરિવારને સુરક્ષિત રાખવું તે અત્યંત જરૂરી છે. કોરોનાકાળમાં યોગ્ય સહયોગ કરવા પણ સર્વેને નાગરિકોને અપીલ કરી છે. તેમજ કોરોનાની પરિસ્થિતમાં નાગરિકોને આરોગ્ય સેવા ઝડપી મળી રહે અને આરોગ્ય સેવામાં કોઇ કચાસ ન રહે તે માટે સર્વે અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારમાં તા. 3 થી 9 જાન્યુઆરી દરમ્યાન આવેલા દિવસ અનુસારના કોરોનાના કેસોની માહિતી આપી હતી. આ માહિતીમાં ઉમર અનુસાર અને બી.પી. ડાયાબિટીસ અને અન્ય રોગ ધરાવતા નાગરિકોમાં કોરોનાના કેસોની સંખ્યા કેટલી છે, તેની માહિતી આપતું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું.

આ ઉપરાંત છેલ્લા અઠવાડિયામાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સી.એસ.સી- 9, એસ.ડી.એચ. – 1, પી.એચ.સી.- 29 અને યુ.એચ.સી. – 4 મળી 43 સ્થળો અને મોટા ચિલોડા, કલોલના કલ્યાણપુરા શાકમાર્કેટ અને બસ સ્ટેશન ખાતે વોક થ્રોઇંગ ટેસ્ટિંગ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. જયાં નિયમિત રીતે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. હાલમાં આરટીપીસીઆર ટેસ્ટ વધુ કરવામાં આવી રહ્યા છે. તેમજ કલોલમાં કોરોનાના કેસની સંખ્યા વધતી હોવાથી ત્યાં ત્રણ ધન્વનંતરિ રથ કામ કરી રહ્યા છે. ધન્વનંતરિ રથ દ્વારા બે દિવસમાં 444 ઓ.પી.ડી કરવામાં આવી છે.

કલેકટરે વધુમાં ઉમેર્યું હતું કે, કોવિડ- 19 અંતર્ગત જિલ્લામાં રસીકરણની કામગીરી ખૂબ સારા પ્રમાણમાં થઇ છે. જિલ્લામાં 18 વર્ષથી ઉપરના 8 લાખ 47 હજાર 746 માંથી 8 લાખ 41 હજાર 322 નાગરિકોને રસી આપીને 99 ટકા અને 15 વર્ષથી ઉપરની ઉંમરના 66 લાખ 742માંથી 55 લાખ 734 વિધાર્થીઓને રસી આપીને 83 ટકા પ્રથમ ડોઝની કામગીરી કરવામાં આવી છે. તેમજ 18 વર્ષથી ઉપરના 8 લાખ 32 હજાર 605 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપીને 97 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

તેમજ સાવચેતીના ભાગ રૂપે આજથી હેલ્થ કેર વર્કસ 13 હજાર 872, પ્રથમ હરોળના વર્કસ 22 હજાર 031 અને 60 વર્ષથી ઉપરના 1 લાખ 16 હજાર 514 લોકોને કોરોના રસી આપવાનો આરંભ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં 776 નોન આઇ.સી.યુ. વીથ ઓકસિજનવાળા બેડ, 657 નોન આઇ.સી.યુ અને ઓક્સિજન સુવિધા વગરના બેડ તથા આઇ.સી.યુ. ના 93 વેલ્ટિનેટર વગરના અને 33 વેલ્ટિનેટર વાળા બેડની સુવિધા હાલમાં ઉપલબ્ધ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર ર્ડા. ધવલ પટેલે તા. 1થી 9 જાન્યુઆરી સુધી મનપા વિસ્તારમાં આવેલા કોરોનાના કેસોની વિગતો આપી હતી. તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવતી કોવિડ- 19ના ટેસ્ટીંગની પણ વિસ્તૃત માહિતી આપી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ 21, હેલ્થ સેન્ટર 1 અને કેર સેન્ટર 2 મળી 24 સ્થળોએ કોવિડની સારવાર સુવિધા ઉભી કરવામાં આવી છે.

તેમજ 2405 બેડ છે. જેમાં 388 બેડ આઇ.સી.યુ. વીથ વેન્ટિલેટરવાળા, 82 બેડ વેન્ટિલેટર વગરના આઇ.સી.યુ., 1658 બેડ ઓક્સિજનની સુવિધાવાળા, 287 ઓક્સિજન સુવિધા વગરના આઇ.સી.યુ. બેડ છે. મહાનગરપાલિકા વિસ્તારમાં તા. 09 જાન્યુઆરી સુધીમાં 18 વર્ષથી ઉપરના 2 લાખ 95 હજાર 430માંથી 3 લાખ 83 હજાર 095 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપીને 130 ટકા કામગીરી કરવામાં આવી છે. તેમજ 98 ટકાથી વધુ વ્યક્તિને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેમજ 24 હજાર 694 જેટલા 15 વર્ષથી ઉપરના વિધાર્થીઓમાંથી 20 હજાર 750 વિધાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવી છે. હાલમાં 8 ધન્વનંતરિ રથ મનપા વિસ્તારમાં કાર્યરત છે. જેના થકી છેલ્લા નવ દિવસના સમયમાં 4954 ઓ.પી.ડી કરવામાં આવી છે.

આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા, અધિક નિવાસી કલેકટર રીતુ સિંગ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...