તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારનો નિર્ણય:રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઈ-પાણી માટે 7 જુલાઇથી વધુ બે કલાક વીજળી અપાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આવા સંજોગોમાં જે ખેડૂતો પાસે કૂવો છે તેઓ પાકને પાણી આપી શકે છે. - Divya Bhaskar
આવા સંજોગોમાં જે ખેડૂતો પાસે કૂવો છે તેઓ પાકને પાણી આપી શકે છે.
  • વરસાદ ખેંચાતાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપ્યો છે
  • રાજ્યમાં 10થી 15 દિવસ પહેલાં જે વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી

રાજયમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે એ માટે વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. આગામી 7 જુલાઈથી ખેડૂતોને 8ને બદલે હવે 10 કલાક વીજળી મળશે.

ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય
રાજ્યમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે, ખેડૂતોના કહ્યા પ્રમાણે, અત્યારે સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, બાજરી, તલ જેવા પાકનું વાવેતર કરવામાં આવે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત ડાંગર, બાગાયતી પાક હોય છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ડાંગર, કપાસ એમ મિક્સ પાકનું વાવેતર કરાય છે. રાજ્યમાં 10થી 15 દિવસ પહેલાં જે વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી.

વાવણી બાદ મોટા ભાગના વિસ્તારમાં વધુ વરસાદ પડયો નથી.
વાવણી બાદ મોટા ભાગના વિસ્તારમાં વધુ વરસાદ પડયો નથી.

અઠવાડિયામાં વરસાદ નહીં પડે તો ખેડૂતોની ચિંતા વધશે
વાવણી બાદ મોટા ભાગના વિસ્તારમાં વધુ વરસાદ પડયો નથી, એટલે કૂવાના તળ જેટલાં આવવાં જોઇએ એટલાં આવ્યાં નથી. આવા સંજોગોમાં જે ખેડૂતો પાસે કૂવો છે તેઓ પાકને પાણી આપી શકે છે, પણ જેમની પાસે નથી તેઓ વરસાદની રાહ જોઇ રહ્યા છે. આવા સંજોગોમાં એકાદ સપ્તાહમાં વરસાદ થાય તો સારું, નહીં તો પાક નિષ્ફળ જાય એવી સ્થિતિ હોવાનું ખેડૂતોનું કહેવું છે.

ખેંચાતા વરસાદને કારણે 5 જિલ્લામાં નુકસાનનો અંદાજ

જિલ્લોવિસ્તારરકમ રૂ.
મહેસાણા395004.14 કરોડ
પાટણ386004.05 કરોડ
બનાસકાંઠા11800012.39 કરોડ
સાબરકાંઠા939009.85 કરોડ
અરવલ્લી860009.03 કરોડ
કુલ37600039.46 કરોડ

(નોંધ : વિસ્તાર હેક્ટરમાં દર્શાવ્યો છે)

ઉત્તર ગુજરાતમાં 3.76 લાખ હેક્ટર વાવેતરને ખતરો
સારા ચોમાસાની આશા સાથે અત્યારસુધીમાં ઉત્તર ગુજરાતમાં 1588124 હેક્ટરના અંદાજ સામે 523253 હેક્ટરમાં ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે, એટલે કે અંદાજ સામે 32.94 ટકા વાવણી થઇ ચૂકી છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદ ખેંચાઇ રહ્યો છે, જેને કારણે આ સપ્તાહમાં વરસાદ ન થાય તો 3.76 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલો પાક બળી જવાની ચિંતા ખેડૂતોમાં ફેલાઇ છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદની સરેરાશ 17.83 ટકા અછત

જિલ્લોજોઇએવરસ્યોટકા
મહેસાણા119.4105-12.06
પાટણ9111324.17
બનાસકાંઠા90.486-4.86
સાબરકાંઠા138.295-31.25
અરવલ્લી13371-46.61
સરેરાશ114.494-17.83

(નોંધ : વરસાદ મીમીમાં દર્શાવ્યો છે.)

સાડાચાર વીઘાનો પાક ગરમીથી દાઝી જવાની શક્યતા
દેદિયાસણ ગામના ખેડૂત જેઠાભાઇ પટેલે જણાવ્યું હતું કે સાડાચાર વીઘા જમીનમાં મગ, તલ, અડદ અને દિવેલાનું વાવતેર કર્યું છે. વરસાદ ન થવાને કારણે પાક સુકાઇ રહ્યો છે તેમજ ગરમીને કારણે પાક દાઝી જાય એવી સ્થિતિએ પહોંચ્યો છે. આગામી બે-ચાર દિવસમાં વરસાદ નહીં આવે તો વાવેતર નિષ્ફળ જશે અને ખર્ચ માથે પડશે. બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામના ખેડૂત વલમસિંહ સરતાનસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પહેલા સારા વરસાદમાં અમે કઠોળ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે, પણ હવે વરસાદ ખેંચાતાં આ પાકને પાણી ન મળે તો દશ દહાડામાં ફેલ જશે.

અન્ય સમાચારો પણ છે...