વિદ્યાનાં ધામમાં તસ્કરોનો હાથફેરો:માણસાનાં બોરૂ ગામની સ્કૂલમાં તસ્કરોનો તરખાટ, કર્મચારીઓને ચૂકવવા માટે ઉઘરાવેલી રૂ. 7 લાખ ફીની રકમ ચોરીને પલાયન

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

માણસા તાલુકાના બોરૂ ગામની સીમમાં આવેલી શારદા શીશુ વિહાર પ્રાથમીક શાળા અને ન્યુ એરા એકેડમી ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં તસ્કરોએ ત્રાટકી શિક્ષકો, પટાવાળા સહિતના 40 કર્મચારીને ચૂકવવા માટે ઉઘરાવવામાં આવેલી વિદ્યાર્થીઓની રૂ. 7 લાખ ફીની રકમ ચોરીને તરખાટ મચાવી દેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્કૂલમાં શિક્ષક, કલાર્ક સહિત 40 કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવે
માણસાના ગોઝારીયા હાઈવે પાસે આવેલ બોરૂ ચોકડી નજીક બોરૂ ગામની સીમમાં હરેકિષ્ણા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શારદા શીશુ વિહાર પ્રાથમીક શાળા અને ન્યુ એરા એકેડમી ઈંગ્લીશ મીડીયમ સ્કુલનાં ટ્રસ્ટી તરીકે પ્રણવભાઈ પટેલ પંદરેક વર્ષથી સંચાલન કરે છે. આ સ્કૂલમાં શિક્ષક તથા ક્લાર્ક તથા પટાવાળા તથા ડ્રાઈવર/કંડક્ટર સહીત કુલ 40 માણસોનો સ્ટાફ છે. અને સ્કૂલનો સમય સવારના 9.30 થી 12.30 કલાકનો છે.

વિદ્યાર્થીઓની ફી સ્વરુપે આવેલા રૂ. 7 લાખ ઓફિસની તિજોરીમાં મૂક્યા હતા
ગઈકાલે 22મી સપ્ટેમ્બરનાં રોજ બપોરના સમયે પ્રણવભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓની ફી સ્વરુપે આવેલા રૂ. 7 લાખ ઓફિસના ડ્રોવર અને ડ્રોવર બાજુના ખાનામાં મૂકી ઓફિસ બંધ કરી ઘરે ગયા હતા. આ પૈસાથી સ્કૂલના શિક્ષકોનો પગાર, સ્કૂલ બસના ટાયર બદલવાના હતા. આજે શુક્રવાર સવારે સ્કૂલના ક્લાર્ક કિષ્ણાબેન ઝાલાએ ફોન કરીને જાણ કરી હતી કે, સ્કૂલની ઓફિસના દરવાજાનું તાળુ તૂટેલું છે.

તિજોરીમાંથી વિદ્યાર્થીઓની ફીની રૂ. 7 લાખની રકમ તસ્કરો ચોરીને ફરાર
આ સાંભળીને પ્રણવભાઈ તાબડતોબ સ્કૂલ ઉપર દોડી આવ્યા હતા. અને જોયેલ તો સ્કુલનો મેઈન કાચના દરવાજાની ફ્રેમ પહોળી કરી ખોલેલ હતી અને એડમીન ઓફીસના દરવાજાનું તાળુ તૂટેલું હતુ. ઉપરાંત અંદર રહેલ લોખંડની તીજોરીનું તાળુ તોડી અંદરનો સરસામાન વેર-વિખેર હાલતમાં પડ્યો હતો. ત્યારબાદ પ્રણવભાઈએ તપાસ કરતા ઓફીસની લોખંડની તિજોરીમાંથી વિદ્યાર્થીઓની ફીની રૂ. 7 લાખની રકમ તસ્કરો ચોરીને લઈ ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

સીસીટીવી કેમેરામાં પાંચ શંકાસ્પદ લોકો કેદ થયા
આ અંગે માણસા પોલીસ મથકના પીઆઈ પરમારે જણાવ્યું હતું કે, હાલમાં પાંચ શંકાસ્પદ વ્યક્તિઓમાં સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. જેમાં ત્રણ વ્યક્તિ સ્કૂલની અંદર અને બે સ્કૂલની બહાર શંકાસ્પદ રીતે કેમેરામાં કેદ થયા છે. જે ફુટેજની ચકાસણી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...