પાટનગરમાં કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ:મોંઘવારી વિરુદ્ધ બંધના એલાનમાં કોંગ્રેસના આગેવાનો શોપિંગ બંધ કરાવવા નીકળ્યા હતા

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમા મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ત્યારે શનિવારે કોંગ્રેસ દ્વારા આંશિક બંધનુ એલાન જાહેર કર્યુ હતુ. જેને લઇને ગાંધીનગર શહેરમા કોંગ્રેસના આગેવાનો બજાર બંધ કરાવવા નિકળ્યા હતા. જેમાં બંધને આંશિક સફળતા મળી હતી. મોંઘવારી સીધી રીતે નાગરિકોના ખિસ્સા ઉપર કાતર ફેરવી રહી છે. છતા કેટલાક લોકોએ બંધને સહયોગ આપ્યો હતો, ક્યાંક વેપારીઓ દ્વારા દુકાનો ખુલ્લી રાખી વેપાર કરવામા આવતો હતો. કેન્દ્ર અને રાજ્યમા ભાજપ સરકાર શાસન કરી રહી છે. ત્યારથી મોંઘવારીએ માજા મુકી દીધી છે. સીધી અસર કરે તેવી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.

પેટ્રોલ ડીઝલના ભાવ 100 રૂપિયાની સપાટી ઉપર જોવા મળી રહ્યા છે. તેલનો ડબો 3 હજારની સપાટીએ ઉભો છે. તે ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ નાગરિકોને મરવા મજબુર કરે તેવા થઇ ગયા છે. તેવા સમયે કોંગ્રેસ દ્વારા શનિવારે આંશિક બંધનુ એલાન જાહેર કર્યુ હતુ. ગાંધીનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના નેતાઓ શોપિંગ બંધ કરાવવા નિકળ્યા હતા. જેમા નેતાઓ આગળ ચાલતા થાય તેમ તેમ પાછળ દુકાનો ખુલતી જતી જોવા મળતી હતી. ધારાસભ્ય સી.જે.ચાવડાએ બંધના એલાનનો ફોટો વાઇરલ કર્યો હતો, તેમની પાછળ જ દુકાનનુ શટર ખુલ્લુ જોવા મળતુ હતુ.

આ કિસ્સામા તેમના ફોટા ઉપર અનેક લોકો કોમેન્ટ કરતા જોવા મળતા હતા. જોકે, ગાંધીનગર શહેરમા કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેમા શહેર પ્રમુખ શૈલેન્દ્રસિંહ બિહોલા, કોંગ્રેસ નેતા અંકિત બારોટ સહિતના આગેવાનો જોડાયા હતા.

કલોલમાં સોમવારે કોંગ્રેસની કારોબારી
ડબલ એંજિનની સરકારને વિધાનસભામાં પછડાટ આપવા માટે આવતીકાલ સોમવાર 12 સપ્ટેમ્બર સવારે 10થી 1 કલાક દરમિયાન કલોલ ટાઉનહોલમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠકનુ આયોજન કરાયું છે. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહેશે. તમામ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોને હાજર રહેવા જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકીએ જણાવ્યુ છે.

દહેગામમાં કોંગ્રેસના કાર્યકરોએ દુકાનો બંધ કરાવી કાર્યક્રમ સફળ બનાવ્યો
મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા શનિવારે સવારે 8 થી 12 વાગ્યા સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેની અસર દહેગામના મુખ્ય બજારમાં જોવા મળી હતી. બંધના એલાન અને પગલે શહેર કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ રબારી, અગ્રણી કાળુસિંહ બિહોલા, બાબુસિંહ ઝાલા, વખતસિંહ ચૌહાણ સહિતના હોદ્દેદારોને કાર્યકરો એસટી ચોકી પાસે ભેગા થઈ મામલતદાર કચેરીથી સરદાર શોપિંગ સેન્ટર, ઔડા શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, અમદાવાદ મોડાસા રોડ પર ખુલ્લી રાખેલી કેટલીક દુકાનોના દુકાનદારોને વિનંતીથી બંધ કરાવી હતી. સવારના સમયે શહેરના મુખ્ય બજારો બંધ જોવા મળ્યા હતા.

માણસામાં કોંગ્રેસના બંધનો ફિયાસ્કો
કોંગ્રેસે મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન જાહેર કર્યુ હતું. માણસા શહેરમાં તેની કોઈ જ અસર દેખાઈ ન હતી. કોંગ્રેસના ધારાસભ્ય સહિત આગેવાનોની ગેરહાજરી સ્પષ્ટ દેખાઈ રહી હતી. વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે તેવા સમયે જ માણસા કોંગ્રેસના હોદ્દેદારોની નિષ્ક્રિયતાને કારણે કાર્યકરોનો પણ ઉત્સાહ ઓસરી રહ્યો હોય તેવું આજની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે.મોંઘવારીથી પરેશાન લોકોની વેદના સરકાર સુધી પહોંચે તે માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...