ગાંધીનગરના અડાલજ સેન્ટોસા નીમ લેન્ડ બંગલોમાં રહેતાં પેટ્રોલ પમ્પનાં માલિકના પત્ની અને સંતાનો ગાઢ નિંદ્રામાં ઉપરના માળે સુતા હતા. ત્યારે તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા તોડી નીચે ઘરનો સર સામાન ફેંદી નાખી તિજોરી-લાકડાના કબાટ તોડી અંદરથી સોના ચાંદીના દાગીના કી રૂ. 8,39,640 તેમજ રોકડા રૂ. 40 હજાર મળીને કુલ રૂ. 9,19,240 ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરાતા અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય પણ અત્રેના એક બંગલોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ ઉપરાંત બાઈકની પણ ચોરી થઈ છે.
રૂમનો સર સામાન વેર વિખેર હાલતમાં હતો
મૂળ થરાદ તાલુકાના માત્રાળા ગામના વતની શિલ્પાબેન પરમારનાં પરિવારમાં પતિ ભાનુભાઈ અને ત્રણ સંતાનો છે. જેમના પતિ થરાદ ખાતે નાયરાનો પેટ્રોલ પંપ ચલાવે છે. ગત તા. 12 મી ડિસેમ્બરનાં રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં ભાનુભાઈ ધંધા અર્થે રાજકોટ ગયા હતા. જ્યારે શિલ્પાબેન ત્રણેય સંતાનો સાથે કુડાસણ તુલસી ફાર્મ ખાતે સંબંધીના લગ્ન પ્રસંગે ગયા હતા.
બાદમાં રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં લગ્ન પ્રસંગેથી પરત આવી નીચે મેઇન દરવાજો અંદરથી બંધ કરી ઘરના ઉપરના માળે જઈને બધા સૂઇ ગયા હતા. બીજા દિવસે સવારના શિલ્પાબેન જાગીને નીચેના રૂમમાં આવતાં જ અંદરનો સર સામાન વેર વિખેર હાલતમાં જોઇને ચોંકી ઉઠયા હતા અને મેઇન દરવાજો પણ ખુલ્લો હતો.
સોનાના દાગીના, મૂર્તિ સહિત રોકડ રકમની ચોરી
આથી તેમણે સંતાનોને નીચે બોલાવ્યાં હતા. બાદમાં ઘરની ચકાસણી કરતાં બેડ રૂમનો સામાન પણ વેરણ છેરણ પડ્યો હતો. લોખંડની તીજોરી તથા લાકડાનો કબાટ તૂટેલી હાલતમાં હતા. જેમાં ચાંદીની પાયલ 3 જોડ, એક ચાંદીનો સિક્કો 100 ગ્રામ, ચાંદીના નાના સિક્કા નંગ -8, એક ચાંદીની કૃષ્ણ ભગવાનની મુર્તી, સોનાની વિંટી નંગ-12, મંગળ સૂત્ર એક શેરનું જે આશરે અઢી તોલા વજન,સોનાના બે સલેટ નંગ-4, સોનાની બુટ્ટી ત્રણ સેટ, સોનાનું ડોકીયુ પેન્ડલ સેટ, સોનાની ચુની નંગ -2, ઘડિયાળ નંગ-4 તેમજ રોકડા 40 હજાર મળી કુલ રૂ. 9 લાખ 19 હજાર 640ની મત્તા તસ્કરો ચોરીને પલાયન થઈ ગયાનું માલુમ પડયું હતું.
સોસાયટીમાં અન્ય જગ્યાએ પણ ચોરી
આ સિવાય પણ અત્રેની સોસાયટીમાં તસ્કરોએ એક બંગલામાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જ્યારે એક મોટર સાયકલ પણ તસ્કર ટોળકી ચોરી ગઈ હતી. આમ સેન્ટોસા નીમ લેન્ડ બંગલોમાં બે મકાનો તેમજ બાઈકની ચોરી થયા અંગેની જાણ થતાં અડાલજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડોગ સ્કવોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.