• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In A Trivial Matter Near Dahegam ST Stand, A Rickshaw Driver Ran Another Rickshaw Driver To The Vertical Market And Inflicted Numerous Injuries On Dharia.

હત્યાનો પ્રયાસ:દહેગામ એસ.ટી સ્ટેન્ડ નજીક નજીવી બાબતે એક રિક્ષા ચાલકે બીજા રિક્ષા ચાલકને ઉભી બજારે દોડાવી ધારીયાનાં અસંખ્ય ઘા ઝીંકી દીધા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • ભર બજારે ખૂની ખેલ ખેલતા બજારમાં નાસભાગ મચી
  • ગંભીર ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને અમદાવાદ સિવિલમાં ખસેડાયો
  • હુમલામાં ઘાયલ યુવાનનું કાંડું - આંગળીઓ છુટ્ટી પડી ગઈ

દહેગામ એસ.ટી ડેપો નજીકના ભરચક વિસ્તારમાં આજે નજીવી બાબતે એક રિક્ષા ચાલકે બીજા રિક્ષા ચાલકને દોડાવી દોડાવી ધારીયાનાં સંખ્યા બંધ ઘા ઝીંકી ખૂની ખેલ ખેલતા બજારમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ખૂની ખેલમાં ગંભીર રીતે ઘાયલ યુવાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે દહેગામ પોલીસ હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થઈ છે.

દહેગામ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દેગામના ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશ વાલજીભાઈ પટેલના પરિવારમાં ગર્ભવતી પત્ની તેમજ એક બાળક છે. જેનાં માતા પિતા સહિતના પરિવારજનો દહેગામના હર્ષદનગર ટેકરા પાસે રહે છે. જગદીશ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. જ્યારે ટેસ્ટિંગ મિલ નજીક રહેતો અલતાપ અયુબભાઈ અબદાલ પણ રિક્ષા ચલાવે છે.

એક જ વિસ્તારના બંને રિક્ષા ચાલકો દહેગામ નરોડા રોડ પર રિક્ષાનાં ફેરા મારે છે. આજે સવારે બન્ને રાબેતા મુજબ દહેગામ નરોડા રોડ પર રિક્ષા લઈને ગયા હતા અને નરોડા ખાતે બંને ભેગા થઈ ગયા હતા. જ્યાં જગદીશની રિક્ષા પડી હતી અને તેની રિક્ષાનો કાચમાં થોડું કાણું પડેલું હતું.

એ વખતે અલ્તાફે ચાવી વડે કાણાં પડેલા કાચમાં વધુ કાણું પાડવાની કોશિષ કરી હતી જે બાબતે બંને વચ્ચે ઉગ્ર ગાળાગાળી સાથે માથાકૂટ થઇ હતી. ત્યારે અલ્તાફે દહેગામ આવ પછી જોઈ લેવાની ધમકી આપી હતી અને રિક્ષા લઈ દહેગામ આવી ગયો હતો.

અગિયાર વાગ્યાની આસપાસ જગદીશ આવી પહોંચતા અગાઉથી તૈયારી સાથે બેઠેલા અલ્તાફે એસ.ટી ડેપો વિસ્તારમાં જ જગદીશ સાથે ઝગડો કરીને ધારીયા વડે હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી જગદીશ ભર બજારમાં દોટ લગાવી હતી જેની પાછળ અલ્તાફ ફિલ્મી રીતે ધારિયું લઈને ધારીયાનાં ઘા વીંઝી રહ્યો હતો. જેનાં કારણે જગદીશને ઈજાઓ થઈ હતી પણ તેણે બચવા માટે દોડવાનું ચાલુ રાખ્યું હતું.

એ દરમ્યાન ધારીયાનો એક ઘા પગે વાગતા જગદીશ પડી ગયો હતો. ત્યારે પણ અલ્તાફે ઘા માર્યા હતા. આ દ્રશ્ય જોઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અલ્તાફનાં ઘાતકી હુમલાના જગદીશ લોહીથી લથબથ થઈ ગયો હતો અને તેને હાથે, ગળા અને છાતીનાં ભાગે ધારીયાનાં ગંભીર ઘા વાગ્યા હોવાથી તે ફસડાઈ પડ્યો હતો. જેનાં ડાબા હાથનું કાંડું તેમજ જમણા હાથની આંગળીઓ પણ છૂટા પડી ગયા હતા. બનાવના પગલે ટોળું ભેગું થઈ ગયું હતું અને નજીકથી દહેગામ પોલીસ પણ દોડી આવી હતી.

ગંભીર ઈજાગ્રસ્ત જગદીશને તાત્કાલિક સારવાર અર્થે દહેગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને પોલીસની હાજરીમાં 108 મારફતે વધુ સારવાર અર્થે બેભાન હાલતમાં અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યો હતો. આ અંગે દહેગામ પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં જગદીશને અમદાવાદ સિવિલ લઈ જવાયો છે. જેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ટીમ અમદાવાદ જવા રવાના થઈ ચૂકી છે. જ્યારે હુમલાખોર અલ્તાફને પણ પકડવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.

આ હુમલામાં ઈજાગ્રસ્ત જગદીશની અમદાવાદ સિવિલમાં અત્યંત નાજુક હાલતમાં સારવાર ચાલી રહી છે. પરંતુ જે પ્રકારે ધારીયાનાં ઘા ઝીંકી ગળા, છાતી તેમજ હાથનું કાંડું અને આંગળીઓ પણ કાપી નાખવામાં આવી છે તે જોતાં જગદીશ જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારે દહેગામ પોલીસ પણ સિવિલ પહોંચી જઈને જગદીશની ડાઇન ડેક્લેરેશન લેવાની પ્રક્રિયામાં લાગેલી છે.

સવારે જે રીતે જગદીશને ઉપરા છાપરી ધારીયાનાં ઘા ઝીંકી રહેસી નાખવામાં આવતા બજાર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. તે વખતે ખૂની ખેલ ખેલાતા રીતસરનાં લોકો ફફડી ઉઠયા હતા. એ વખતે 108 એમ્બ્યુલન્સ માં ફોન કરવામાં આવતા યુવકની પ્રાથમિક સારવારમાં અડધો કલાક જેવો સમય વીતી જાય તેમ હતો. જેથી સ્થળ પર પહોંચેલા દહેગામ પોલીસ મથકનાં સ્ટાફે તાત્કાલિક લોહી થી લથબથ જગદીશને રિક્ષામાં નાંખીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ફરજ પરના તબીબે જગદીશ ની પાટા પિંડી કરીને લોહી વહેતું બંધ કરી પ્રાથમીક સારવાર આપી અમદાવાદ સિવિલ મોકલી આપ્યો હતો. જો કે આ ઘટનાનાં પગલે દહેગામમાં તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થઈ જવા પામ્યું છે. જેનાં પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા દહેગામ વિસ્તારમાં કોમી એખલાસ જળવાઈ રહે અને કોઈ પ્રકારે કોઈ જાતનું છમકલું પણ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા પોલીસને આદેશો આપી દેવાયા છે. ઉપરાંત જિલ્લા પોલીસને પણ એલર્ટ રહી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે એલર્ટ રહેવાની સુચનાઓ પણ વહેતી કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...