તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:ગાંધીનગરના રાંધેજા ગામમાં અંગત અદાવતમાં પિતા-પુત્રોએ મળી એક પરિવાર હુમલો કર્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેથાપુર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવાઈ

ગાંધીનગરના રાંધેજા ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન જુની અંગત અદાવતમાં પિતા પુત્રો એ ભેગા મળી ઘરની બારીને લાકડીના ફટકા મારીને તોડી નાખીને યુવાન સહિત તેના પરિવારજનો ને લાકડી વડે ઢોર માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક હુમલા ના કારણે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે પેથાંપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાંધેજા ખોડીયાર નગરમાં રહેતો 24 વર્ષીય તેજસ વિનોદભાઈ પટેલ ગઈકાલે રાત્રે પોતાનું બાઇક લઇને ઘરે ગયો હતો. તે વખતે રાંધેજા રાવળ વાસમાં રહેતા બાબુભાઈ આત્મારામ રાવળ તેમજ તેમનો દીકરો અનિલ આવીને તેજસ ના બાઈકને પાટુ મારીને નીચે પાડી દીધું હતું. અને જેઓ તેજસ ઘરની બહાર આવ્યો કે બાપ દીકરો લાકડી લઈને તેજસ પર તૂટી પડ્યા હતા. આથી તેજસે બૂમાબૂમ કરી મુકતા નજીકમાંથી તેનો મિત્ર અલ્પેશ પટેલ દોડી આવ્યો હતો અને તેને વધુ મારમાંથી છોડાવ્યો હતો. તે વખતે બાપ દીકરો ત્યાંથી જતાં રહ્યાં હતાં.

થોડી વાર પછી તેજસ ઘર માં હાજર હતો તે વખતે તેના ઘરની પાછળથી જોરશોરથી બૂમાબૂમ થવા લાગી હતી. અને તેના ઘરની બારીને કોઈ લાકડીથી ફટકા મારી રહ્યું હતું. જેનાં કારણે ઘરની બારી તૂટી ગઈ હતી. એ વખતે તેજસ ને માલુમ પડયું હતું કે બાબુભાઈ રાવળ ના અન્ય બે દિકરા પરેશ અને શૈલેષ પણ લાકડીઓ લઈને ઉભા હતા. અને ચારેય બાપ દીકરા ઘરની આગળ આવીને બિભત્સ ગાળો બોલીને કહેવા લાગેલા કે, આજે તેજસને મારી નાખવાનો છે તેને બહાર કાઢો. આ સાંભળી તેજસ ના પિતા વિનોદભાઈ ઘરની બહાર જઈ ગાળો નહીં બોલવાનું કહેતા જ બાબુ ભાઈ રાવળે એકદમ ઉશ્કેરાઈ ને વિનોદ ભાઈ નાં માથામાં લાકડી ફટકારી દીધી હતી.

આ જોઈને તેજસ ઘરની બહાર દોડી આવતાં જ અનિલ અને પરેશ પણ તેના પર લાકડી લઈને તૂટી પડ્યા હતા. જેનાં કારણે બૂમાબૂમ થતાં તેની માતા સરોજ બેન તેમજ કાકા રમેશભાઈ પણ ત્યાં દોડી આવ્યા હતા. જેઓને પણ લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન ચારેય પિતા પુત્રોએ લાકડીઓ વડે જીવલેણ હુમલો કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા. અને તેઓ ને વધુ માર માંથી છોડાવ્યા હતા. બાદમાં પિતા પુત્રો ત્યાંથી જતાં રહ્યાં હતાં. બાદમાં ઉક્ત ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે પેથાપુર પોલીસે બાબુભાઈ રાવળ અને તેમના પુત્રો અનિલ, પરેશ અને શૈલેષ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...