તંત્રની તૈયારીઓ:ગાંધીનગરમાં થોડા દિવસોમાં ઈંડા-નોનવેજની લારીઓ સહિતના દબાણો સામે મહાઅભિયાન હાથ ધરાશે

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇને અન્યાય ન થાય તે રીતે કાર્યવાહી કરાશે

ગાંધીનગરમાં પણ અન્ય શહેરોની જેમ ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાની સાથે ગેરકાયદેસર તમામ પ્રકારના દબાણો સામે કડક કાર્યવાહીનાં ભાગરૂપે મહાઅભિયાન હાથ ધરીને ગાંધીનગરને દબાણ મુકત કરી દેવામાં આવશે. જેના માટે કોર્પોરેશન તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી ઈંડા અને નોનવેજની જ લારીઓ સામે વિરોધનો એક સૂર ઉઠવા પામ્યો છે, પરંતુ તે સિવાયની લારીઓ સામે કોઈપણ જાતનો વિરોધનો વંટોળ હજી સુધી ઉઠયો નથી. ત્યારે ગાંધીનગરમાં પણ ઈંડા અને નોનવેજની લારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગણી પ્રબળ રીતે ઉઠી છે.

ગાંધીનગરના જાહેર માર્ગો, ધાર્મિક સ્થાનો તેમજ સ્કૂલો આસપાસ ઈંડા નોનવેજની હાટડીઓ ખુલી જવા પામી છે. જેનાં કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એટલે સુધી કે પૂર્વ કોર્પોરેટર દ્વારા તો આખે આખું લિસ્ટ મ્યુનિસિપલ કમિશનરને આપી દેવાયું છે.

કોર્પોરેશન તંત્ર પણ હવે આ દિશામાં કડક કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગયું છે. જેનાં ભાગરૂપે આગામી ટૂંક સમયમાં જ માત્ર ઈંડા નોનવેજની લારીઓ નહીં બલ્કે દરેક પ્રકારના ગેરકાયદેસર દબાણો દૂર કરવા મહા અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેનાં માટે સંબંધિત વિભાગો સાથે પણ ચર્ચા વિચારણા કરી લેવામાં આવી છે.

આ અંગે કોર્પોરેશનના સૂત્રોએ કહ્યું હતું કે ટૂંકાગાળામાં જ ગાંધીનગર ને દબાણ મુકત કરવા માટેની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવશે. માત્ર ઈંડા નોનવેજની લારીઓ નહીં પણ નાના મોટા દરેક દબાણો દૂર કરી દેવામાં આવનાર છે. કરોડો રૂપિયાની જમીન પર અડીંગો જમાવનાર લારીઓ સામે ખાસ અભિયાન છેડી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોઈપણને અન્યાય ન થાય તે માટે દરેક લારીઓ હટાવી દેવાની વેપારીઓને સૂચના આપીશું. તેમછતાં પણ તેઓ દ્વારા દબાણની પ્રવૃતિ ચાલુ રાખવામાં આવશે તો કસૂરવાર સામે દંડાત્મક તેમજ કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...