તપાસ માત્ર દેખાડો... આ છે પુરાવો:ગુજરાતમાં તક્ષશિલાકાંડ, લઠ્ઠાકાંડ જેવી 5 મોટી દુર્ઘટનામાં કમિટી રચાઈ, પણ મોટાં માથાં પકડી શકી નહીં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તક્ષશિલાકાંડમાં 14માંથી 13 આરોપી છૂટી ગયા, સસ્પેન્ડ કર્મચારીઓ નોકરી પર પરત
  • લઠ્ઠાકાંડ બાદ સાઇડ પોસ્ટિંગ અપાયું એ IPS અધિકારીને રેગ્યુલર પોસ્ટિંગ મળ્યું
  • શ્રેય હોસ્પિટલમાં આગ ટ્રસ્ટી સહિતના આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે. આટલી મોટી ગંભીર ઘટનામાં સરકાર ફરી એકવાર સંવેદનશીલતા, સહાય, તપાસ સમિતિ, કસુરવારોને નહીં છોડાય એવું રટણ કરી રહી છે. ચૂંટણી માથા પર છે એટલે હાલ વધુ ગંભીરતા દાખવવામાં આવી રહી છે પરંતુ સમય જતા અન્ય ઘટનાઓની જેમ આ ઘટના પણ કાગળોમાં રહી જશે. સાચા કસૂરવારો હાથમાં નહીં આવે. સુરતના તક્ષશિલાથી લઇને બોટાદ- બરવાળાના લઠ્ઠાકાંડ સહિતની ઘટનાઓમાં સરકારે આ જ રટણ કર્યું, સમિતિ બનાવી પણ મોટાં માથાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.

રાજ્યની છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં બનેલી ઘટનાઓમાં હાલ શું સ્થિતિ
અત્યાર સુધીની ઘટનાઓમાં સરકારે સમિતિઓ અને તપાસપંચ નીમ્યા છે. અનેકનાં વર્ષો સુધી રિપોર્ટ નથી આવ્યા જ્યારે જે સમિતિએ રિપોર્ટ સુપરત કર્યા છે તેમાં સૂચવાયેલાં પગલાં લેવાની દરકાર સરકાર લેતી નથી પરિણામે આવા રિપોર્ટ સચિવાલયમાં ફાઇલોના પોટલામાં કેદ થઈ જાય છે. રાજ્યની છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં બનેલી ઘટનાઓમાં હાલ શું સ્થિતિ છે તે જોઇએ.

આ 5 મોટી દુર્ઘટનાઓમાં કમિટી રચાઈ પણ...

અમદાવાદ શ્રેય અને રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ

ઘટના શું હતી? ઓગસ્ટ 2020માં અમદાવાદની કોવિડ ડેડીકેટેડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોનાં મોત થયાં હતાં. નવેમ્બરમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગતા 6 દર્દીનાં મોત થયાં હતાં.

હાલ શું સ્થિતિ? સરકારે હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ ડી.એ.મહેતાની અધ્યક્ષતામાં તપાસ પંચ નીમ્યુ હતું. શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત સહિતના આરોપી જામીન પર મુક્ત છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સુરત તક્ષશિલા અગ્નિકાંડ

ઘટના શું હતી? મે 2019માં સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા 22 વિદ્યાર્થીના મોત થયા હતા. સરકારે કોઈને છોડાશે નહીં એવી ખાતરી આપી હતી.

હાલ શું સ્થિતિ છે? ધરપકડ કરાયેલા 14 પૈકી 13 આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. માત્ર કોચિંગ ક્લાસ સંચાલક જેલમાં છે. સસ્પેન્ડેડ 6 અધિકારી- કર્મચારી નોકરી પર પરત ફર્યા છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બોટાદ- બરવાળા લઠ્ઠાકાંડ

ઘટના શું હતી? બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલયુક્ત દારૂ પીવાથી 55ના મોત થયા હતા. પોલીસે કંપનીના ડાયરેક્ટરોના નામ એફઆઇઆરમાં દાખલ કર્યા ન હતા.

હાલ શું સ્થિતિ છે? કેમિકલ કંપનીના મુખ્ય સંચાલક સમીર પટેલ સહિતના ડાયરેક્ટરો સામે કોઇ પગલાં નહીં. સાઇડ પોસ્ટિંગ પરના IPSને તાજેતરમાં રેગ્યુલર પોસ્ટિંગ આપી દેવાયું.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અમદાવાદમાં લિફ્ટ તૂટી

ઘટના શું હતી? સપ્ટેમ્બર 2020માં અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા 7 શ્રમજીવીઓના મૃત્યુ થયા હતા.

હાલ શું સ્થિતિ છે? પોલીસ તપાસમાં બિલ્ડરોને બચાવવાનો પ્રયાસ થયો છે. ઘટનાના દોઢ મહિના બાદ પણ પોલીસે બિલ્ડરો સામે કોઇ કાર્યવાહી કરી નથી કે ગુનો દાખલ કર્યો નથી.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અમદાવાદ કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ

ઘટના શું હતી? નવેમ્બર 2020માં અમદાવાદના પીરાણામાં સાહિલ કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટને કારણે આગ લાગતા 12 શ્રમિકના મૃત્યુ થયાં હતાં.

હાલ શું સ્થિતિ છે?
મંજૂરી વિના કેમિકલ સ્ટોરેજ થતું હોવાનું ખૂલવા છતાં કોર્પોરેશન તથા જીપીસીબીની બેજવાબદારી સામે આવી છતાં અધિકારીઓ સામે કોઇ પગલાં નહીં.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

તપાસ સમિતિના અહેવાલ આવે ત્યાં સુધીમાં મામલો ઠંડો પડી જાય છે
કોઇપણ ઘટના બને ત્યારે જનઆક્રોશને ધ્યાને લઇને સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કમિટી કે પંચની રચના કરી દેવામાં આવે છે. તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીના નિવેદનો કરવામાં આવે છે. પરંતુ સમિતિ કે પંચ દ્વારા થતી તપાસ એટલી ધીમી હોય છે કે જ્યારે તેનો રિપોર્ટ આવે ત્યારે મામલો ઠંડો પડી જતો હોય છે. જેથી સરકાર રિપોર્ટના આધારે કોઇ પગલાં લેતી નથી. વર્ષ 2017માં રાજ્યમાં મગફળીના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓની તપાસ માટે તપાસ પંચ રચાયું હતું. આ પંચની મુદ્દત હજુ વધારી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...