ગેરકાયદેસર બાંધકામ મુદ્દે માથાકૂટ:ગાંધીનગરના સુઘડમાં ગેરકાયદેસર બાથરૂમ બાંધવાનો વિરોધ કરનાર મહિલાને વસાહતીઓએ અડધો કલાક સુધી લિફ્ટમાં બાનમાં લઈ ધમકી આપી

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુઘડની એટલાંટિક પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે માથાકૂટ થતાં પોલીસ દોડી
  • આ મામલે બન્ને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગરના સુઘડમાં એટલાંટિક પાર્કની વસાહતમાં ગેરકાયદેસર સંડાસ બાથરૂમ બાંધવાનો વિરોધ કરનાર મહિલાને સોસાયટીના ચેરમેન સહિત સાત વસાહતીઓ ભેગા મળીને બાનમાં લીધી હતી. મહિલાને લિફ્ટમાં અડધો કલાક સુધી બાનમાં રાખી હતી. જેને લઈ અડાલજ પોલીસને દોડવું પડયું હતું. આ મામલે બંને પક્ષે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાએ તાજું બાંધકામ તોડી નાખ્યું હતું

પોલીસના જણાવ્યાં અનુસાર સુઘડમાં એટલાંટિક પાર્કમાં તા. 9 મીના રોજ સોસાયટીની કમિટીએ નક્કી કર્યા મુજબ સફાઈ કામદારો માટે સંડાસ બાથરૂમ બાંધવામાં આવ્યું હતું. આ મામલે કંટ્રોલમાંથી વરધી આવતાં પોલીસ પહોંચી ગઈ હતી અને ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવ્યું હતું. બાદમાં અહીં રહેતા હેતલબેન તન્નાએ ઉક્ત તાજું બાંધકામ તોડી નાખ્યું હતું. આથી વસાહતીઓએ ઘણા સમજાવ્યા હતા. પણ તેમણે વસાહતીઓને ધાક ધમકી આપી હોવાની ફરિયાદ ચેરમેન મનીષા વીઠલાણીએ નોંધાવી છે.

વસાહતીઓ મહિલા સાથે માથાકૂટ કરવા લાગ્યાં

બીજી તરફ હેતલ તન્નાએ ફરિયાદ કરી હતી કે, ગઈકાલે સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ ચેરમેન કરાવતા હતા. જેથી પોલીસને બોલાવી હતી. જે પછી બાંધકામ રોકી દેવાયું હતું. રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં અહીં રહેતા ડો. જીગ્નેશ્વરી દરજી ફોન કરીને તેમને નીચે બોલાવ્યા હતા. એ વખતે સોસાયટીના ચેરમેન મનીષાબેન, દલજીત કોર, મનીષા પરમાર, હંસાબેન ચાવડા આવીને કહેવા લાગેલા કે, તારે અહીં ઘર નહીં હોવા છતાં વિરોધ કરે છે. આવું ચલાવી નહીં લેવાઈ કહી માથાકૂટ કરવા લાગ્યા હતા અને બીજા વસાહતીઓને બોલાવતા દીક્ષિતા જોશી, જીતેન્દ્ર જોશી, ભદ્વેષભાઈ વીઠલાણી પણ આવી ગયા હતા. જેઓ અંદરોદર ચર્ચા કરતા હોવાથી હેતલબેન પોતાના ઘરે જવા લિફ્ટમાં બેઠા હતા. જેથી બધા તેની પાછળ દોડયા હતા. એટલે હેતલબેને લિફ્ટ ચાલુ કરી દીધી હતી. ત્યારે ઉક્ત વસાહતીઓ સોસાયટીના તમામ માળે ગોઠવાઈ ગયા હતા. જેનાં કારણે અડધો કલાક સુધી હેતલબેનને ડરના માર્યા લિફ્ટમાં ઉપર નીચે થવાની ફરજ પડી હતી.

મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

ગ્રાઉન્ડ ફલોરમાં લિફ્ટ પહોંચતા વસાહતીઓ કહેવા લાગેલા કે, હેતલને બહાર કાઢો આજે તો જાનથી મારી નાખવાની છે. જેથી પોલીસ પહોંચી જતા ઉક્ત વસાહતીઓને પોલીસ મથકમાં લઈ જવાયા હતા. જ્યારે હેતલ તન્નાએ ઈમેલ કરીને ફરિયાદ આપતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...