દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ પટેલની જન્મજયંતીના દિવસે ભૂતપૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. જો તેઓ આપમાં જોડાશે તો ઉત્તર ગુજરાતની આઠ બેઠકો પર અસર થઈ શકે છે. આંજણા ચૌધરી સમાજ ઉત્તર ગુજરાતની 8 બેઠકો પર મોટી અસર કરી શકે તેમ છે.
ગાંધીનગરની માણસાથી લઈ બનાસકાંઠાની થરાદ બેઠક સુધીના પટ્ટામાં આંજણા ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં છે. તેઓ હાલ વિપુલ ચૌધરી મામલે ભાજપથી નારાજ છે. આ સંજોગોમાં વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાય તો આ બેઠકોનાં સમીકરણો બદલાઈ શકે છે.જોકે દૂધસાગર ડેરીમાં ચેરમેનપદે રહ્યા તે સમયગાળામાં થયેલાં કથિત 800 કરોડ રૂપિયાની રકમને સંડોવતા કૌભાંડ મામલે હાલ વિપુલ ચૌધરી જેલમાં છે, પરંતુ જેલમાંથી તેમણે અરવિંદ કેજરીવાલને લખેલો પત્ર તેઓ અહીં વાંચી સંભળાવશે.
માનસિંહ પટેલની જયંતીએ મોદીને આમંત્રણ
પાટણના સાંસદ ભરતજી ડાભીએ અગાઉ અર્બુદા સેનાનું સમર્થન કર્યું હતું અને એક સભામાં તેમણે વિપુલ ચૌધરીને ફરીથી ગૃહમંત્રી બનાવવાના છે તેવું કહ્યું હતું. આ જ ભરતજી ડાભીએ થોડા દિવસ પહેલાં માનસિંહ પટેલની જન્મ જયંતી નિમિત્તે યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું.
વિસનગરમાં ઋષિકેશ પટેલને પડકાર ફેંકશે
વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી આરોગ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલને પડકાર ફેંકશે. આ બેઠક પર ચૌધરી સમાજના મતદાતાઓ પાટીદારો બાદ બીજા પ્રભાવી ક્રમે છે. ઋષિકેશ પટેલે આ ટક્કરને લીધે સલામત ઊંઝા બેઠક પરથી લડવાનું મન બનાવ્યું હતું. જોકે તેમ થયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.