ફલાઇંગ સ્કવોડ - સ્ટેટિક સર્વેલન્સ ટીમ એક્ટિવ:ગાંધીનગર જિલ્લામાં 50 હજારથી વધુની રકમની હેરફેર માટે પુરાવા નહીં હોય તો પૈસા જપ્ત કરી લેવામાં આવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022 અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત થઇ ગઇ છે. જિલ્લામાં પાંચ વિધાનસભા મતવિભાગમાં 20 ફલાઇંગ સ્કવોડ અને 28 સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જે વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં ચોક્કસ સ્થળે ઊભી રહી ચેકીંગની કાર્યવાહી કરશે.

ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ મળી 48 ટીમો એક્ટિવ કરાઈ
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.એ જણાવ્યું છે કે, જિલ્લામાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આદર્શ આચારસંહિતાની અમલવારી માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ ચૂંટણી જાહેર થતાંની સાથે જ કાર્યન્વિત બની છે. જિલ્લામાં પાંચ વિધાનસભા મતવિસ્તારમાં ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ મળી કુલ- 48 ટીમો કાર્ય કરી રહી છે.

50 હજાર કે તેથી વધુ રકમનો પુરાવો આપવો પડશે
​​​​​​
જિલ્લામાં મતદારોને રીઝવવા માટે આપવામાં આવતી રોકડ કે અન્ય કોઇપણ લોભામણી બાબતો પર આ ટીમો નજર રાખશે. તેમણે જણાવ્યું છે કે, સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા કોઇપણ વ્યક્તિ રૂપિયા 50 હજાર કે તેથી વધુ રકમ લઇ જતા હશે કે તેથી વધુ રોકડ મળશે, તો જેની પાસે પકડાયા છે, તે વ્યક્તિએ તેની વિગતો રજૂ કરવી પડશે. સ્ટેટિક ટીમની પૂછતાછમાં સંતોષકારક જવાબ નહીં મળે અને યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉમેદવાર કે પ્રતિનિધિ 10 હજારથી વધુ ગિફ્ટ સાથે પકડાશે તો જેલ ભેગો થશે
આ ઉપરાંત મતદારને રીઝવવા માટે ઉમેદવાર અથવા તેમનો પ્રતિનિઘિ 10 હજાર રૂપિયાથી વધુ કિંમતની ગિફટ લઇને પણ પકડાશે તો કાયદેસની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય એક લાખ રૂપિયા કે તેથી વધુની રોકડ મળી આવશે તો ફોર્મ ભરવું પડશે. જેની વિગત ઇન્કમટેકસ વિભાગને મોકલવામાં આવશે. જો રોજબરોજના ધંધાની રોકડ હશે તો તે અંગેના પુરાવા સાથે રાખવા પડશે. વેપાર-ધંધાને લગતી કોઇપણ રોકડ હશે અને યોગ્ય પૂરાવા હશે તો વ્યક્તિ સરળતાથી રોકડની હેરાફેરી કરી શકશે. તેની સાથે કોઇપણ વ્યક્તિ બેંકમાંથી રોકડા ઉપાડયા હોય તો તેવા કિસ્સામાં બેંકમાંથી રૂપિયા ઉપાડયા તેના પુરાવા સાથે રાખવા પણ જણાવવામાં આવે છે.

રોકડ - દારૂની રેલમછેલ અટકાવવા જિલ્લા મુખ્ય માર્ગો ઉપર ચેકપોસ્ટ ઊભી કરાઈ
જિલ્લા ચૂંટણી અધિકારીએ રોકડા લઇ નીકળતા નાગરિકોને પોતાની સાથે પાનકાર્ડ, બિઝનેસ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર, બેંકમાંથી પૈસા ઉપાડયા હોય તે દર્શાવતી પાસબુક કે બેંક સ્ટેટમેન્ટ, કેશબુકની કોપી, લગ્ન માટે કંકોત્રી કે આમંત્રણ કાર્ડ, હોસ્પિટલ ખર્ચ માટે હોસ્પિટલમાં એડમીશનની નોંધ વિગેરે સાથે રાખવા પણ ભારપૂર્વક જણાવ્યું છે. આ ટીમો દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોને રિઝવવા થતી રોકડ અથવા દારૂની રેલમછેલ અટકાવવા જિલ્લા મુખ્ય માર્ગો ઉપર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. તેમજ વાહનોમાં ચકાસણી કરાશે. રોકડ, દારૂ કે ગિફટ જેવી અન્ય વસ્તુઓની ચકાસણી કરવામાં આવશે. સમગ્ર ચેકિંગ પ્રક્રિયા કે ચકાસણીની વીડિયોગ્રાફી કરાશે. કોઇપણ વાંધાજનક વસ્તુ મળી આવશે તો તાત્કાલિક જપ્ત કરાશે. ઉપરાંત નકકી મર્યાદા કરતા વધુ રોકડ પણ મળશે તો જપ્ત કરી ઇન્કમટેકસ વિભાગને જાણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...