એક્સક્લૂઝિવ:અકસ્માત થયો હશે કે રસ્તા પર ઢોર રખડતાં હશે, વાહનચાલકો-પોલીસને તરત મળશે માહિતી, ગાંધીનગરમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: દીપક શ્રિમાળી
  • અકસ્માત ઝોનમાં વાઇલ્ડલાઇફ ડિટેકશન, ઇન્સિડેન્ટ ડિટેકશન અને સ્પીડ ડિટેકશન કેમેરા લગાવાશે
  • વર્લ્ડ બેંકના સહયોગથી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા 'કોરિડોર ડેમોન્સ્ટ્રેશન પ્રોજેક્ટ' ગાંધીનગરમાં શરૂ કરાશે

રાજ્યના ધોરી માર્ગો પર રખડતાં ઢોરને કારણે થતા માર્ગ અકસ્માતમાં અપમૃત્યુના બનાવો પર અંકુશ મેળવવા તેમજ ધોરી માર્ગો પર દોડતાં ઓવર સ્પીડ વાહનો ઉપરાંત ત્રણ-ચાર માર્ગીય રસ્તો આગળ જઈને ભેગો થતો હોવાની અગાઉથી જ વાહનચાલકોને જાણકારી મળી રહે એ માટે વર્લ્ડ બેંકના સહયોગથી રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા ગાંધીનગરના માર્ગો પર પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે. વાઈલ્ડલાઈફ ડિટેકશન, ઇન્સિડેન્ટ ડિટેકશન અને સ્પીડ ડિટેકશન કેમેરા લગાવીને એક પાયલોટ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે મહિનાના અંત સુધીમાં કાર્યરત પણ કરી દેવામાં આવશે.

ગુજરાતમાં અકસ્માતના બનાવ ઘટાડવાનો પ્રયાસ
ગુજરાતમાં માર્ગ અકસ્માતના રોજબરોજ બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળેલી ગુજરાત વિધાનસભાની બેઠકમાં રાજ્ય સરકારે માર્ગ અકસ્માત મામલે થતાં મોતના આંકડા જાહેર કર્યા હતા. આ આંકડાઓ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષમાં, એટલે કે વર્ષ 2018, 2019, 2020 (સપ્ટેમ્બર) દરમિયાન 21 હજારથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 46 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એટલે કે દર વર્ષે સાત હજારથી વધુ લોકો માર્ગ અકસ્માતનો ભોગ બને છે. જ્યારે અંદાજિત 15 હજાર લોકો ઘાયલ થાય છે. સરકારના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં સરેરાશ દર કલાકે 2 માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને સરેરાશ દરરોજ 52 માર્ગ અકસ્માતમાં કુલ 20 લોકો મૃત્યુ પામે છે. વાહનવ્યવહાર વિભાગના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં, એટલે કે વર્ષ 2011થી 2016માં કુલ 89,514 માર્ગ અકસ્માત નોંધાયા હતા, જેમાં કુલ 39,112 લોકો મૃત્યુ પામ્યા હતા.

પાયલોટ પ્રોજેક્ટનું ગાંધીનગરમાં ટેસ્ટિંગ શરૂ કરાયું
રાજયમાં વધતા જતા અકસ્માતો પાછળ વાહનોની ઓવર સ્પીડ, રખડતાં ઢોર તેમજ ધોરી માર્ગો પર આડેધડ ઊભાં રહી જતાં વાહનો પણ જવાબદાર હોવાનું એક સરવેમાં બહાર આવ્યું છે, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેંકના સહયોગથી સેફ્ટી 14 કરોડનો "કોરિડોર ડેમોન્સ્ટ્રેશન પ્રોજેક્ટ" તરતો મૂકવામાં આવ્યો છે. એ અન્વયે ગાંધીનગરમાં લાઈફ ડિટેકશન, ઇન્સિડેન્ટ ડિટેકશન અને સ્પીડ ડિટેકશન કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. આ પાયલોટ પ્રોજેક્ટનું ગાંધીનગરમાં હાલમાં ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ અંગે સ્ટેટ રોડ પ્રોજેક્ટ આર એન્ડ બી વિભાગ, વડોદરાના ડેપ્યુટી ઈજનેર સમીર શેખે દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો પર અંકુશ મેળવવા માટે વિભાગ દ્વારા માર્ગોના એન્જિનિયરિંગ મુદ્દે અમે રોડની ડિઝાઇન, ટેકનોલૉજી અને વધુ જોખમ કે ટ્રાફિક ધરાવતાં સ્થળોનું મૅપિંગ જેવી બાબતોને આવરી લઈએ છીએ. એ મુજબ રોડ સેફ્ટી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પગલાં ભરવામાં આવતાં હોય છે.

વાહનચાલકોને અસામાન્ય ઘટનાથી એલર્ટ કરાશે
રાજ્યના માર્ગો પર રખડતાં ઢોર, જેવાં કે ગાયો, ભેંસો, કૂતરા, હરણ, નીલગાય અચાનક દોડીને માર્ગ પર આવી જતાં હોય છે, જેનાથી વાહનચાલકો અજાણ હોય છે તેમજ ઘણાં વાહનોની સ્પીડ પણ ગતિ મર્યાદાથી વધુ હોય છે. આ સિવાય માર્ગો પર કોઈપણ પ્રકારની જાનહાનિ કે અન્ય ઘટના ઘટે તો તેની જાણ થતાં ઘણીવાર વાર થતી હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે વર્લ્ડ બેંકના સહયોગથી વધુ એક પાયલોટ પ્રોજેક્ટ ગાંધીનગરમાં શરૂ કરવા કવાયત ચાલી રહી છે. ગાંધીનગરના માર્ગો પર સરવે કરીને વાઈલ્ડલાઈફ ડિટેકશન, ઇન્સિડેન્ટ ડિટેકશન અને સ્પીડ ડિટેકશન કરતા આધુનિક કેમેરા ફિટ કરવામાં આવશે, જેનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવાયું છે.

આ કેમેરાનો સીધો કમાન્ડ ગાંધીનગર પોલીસવડા કચેરીએ આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં આપવામાં આવશે. એ માટે વાયરલાઈન પણ બિછાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ કેમેરાની વિશેષતાની વાત કરીએ તો માર્ગો પર રખડતાં ઢોર ફરતાં હશે તો દૂરથી જ વાહનચાલકને ડિસ્પ્લે પર ઢોરનો સિમ્બોલ દેખાઈ જશે, જેથી ચાલક એ માર્ગ પર વાહન તકેદારીથી ચલાવશે.

એસપી કચેરીના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સિસ્ટમનું સંચાલન થશે
ઉપરાંત ઘણા દ્વિ- ચાર માર્ગો આગળ જઈને ભેગા થતા હોય છે જેને કારણે બંને તરફથી વાહનો એક જ દિશામાં જતાં હોવાને કારણે પણ માર્ગ અકસ્માત થાય છે. એની પણ વાહનચાલકને અગાઉથી જાણ થઈ જશે. આ સિવાય ઓવર સ્પીડ વાહનોની ગતિ મર્યાદા પણ કેમેરામાં કેદ થઈ જશે. આ આખી સિસ્ટમનું સંચાલન પોલીસવડા કચેરીથી કરવામાં આવશે, એટલે કે પોલીસ કમાન્ડ કંટ્રોલ રૂમમાં બેઠાં બેઠાં રખડતાં ઢોર, ઓવર સ્પીડ વાહનો અને માર્ગો પર થતા નાનામોટો ઈન્સિડેન્ટ પણ નરી આંખે જોઈને સંબંધિત વિભાગને જાણ કરીને ત્વરિત મદદ મોકલી આપવામાં આવશે. એના માટે એક ખાસ પ્રકારના સોફ્ટવેરથી કમાન્ડ એન્ડ કંટ્રોલ કરવામાં આવશે. સૌથી મહત્ત્વની બાબત વીઆઈપી અને વીવીઆઇપી મહાનુભાવોની માર્ગો પર થતી અવરજવર સમયે પણ રખડતાં ઢોર અન્ય આકસ્મિક બનાવો વગેરેની જાણકારી પર બાઝનજર રાખી જરૂર જણાય તો કંટ્રોલ રૂમમાં બેઠાં બેઠાં જ જે-તે સિગ્નલ બંધ કે ખોલી એટલે કે સિગ્નલ બદલી પણ શકાશે.

આ પ્રોજેક્ટ મહિનાના અંત સુધીમાં કાર્યરત કરવાનું આયોજન કરી દેવાયું છે, પરંતુ સરકારી તંત્રન વિવિધ વિભાગોમાંથી સત્વર જરૂરી પરમિશન નહીં મળવાથી પણ વર્લ્ડ બેંકના પ્રોજેક્ટને સમયસર શરૂ થવામાં ગ્રહણ લાગી જતું હોય છે, જેની સીધી અસર વર્લ્ડ બેંક તરફથી વિવિધ પ્રોજેક્ટ માટે મળતા ધિરાણ પર પડે છે. મહત્ત્વનું છે કે વર્લ્ડ બેંકના સહયોગનો આ અંતિમ પ્રોજેક્ટ છે, જેથી રાજ્ય સરકારે પણ વર્લ્ડ બેંકની એશિયન ડેવલપમેન્ટ બેંકમાંથી બીજા પ્રોજેક્ટ માટે પણ ધિરાણ મળે એ દિશામાં સક્રિય થવાની પણ ખૂબ જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...