તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:એસ ટીના કર્મચારીઓના પ્રશ્નોનો દિન-15માં નિકાલ નહીં થાય તો આંદોલન થશે

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસ ટીના કર્મચારીઓના પ્રશ્નોનો દિન-15માં નિકાલ નહીં થાય તો આંદોલન થશે
  • પ્રશ્નો નહીં ઉકેલાય તો 23 સપ્ટેમ્બરથી કર્મચારીઓ માસ સીએલનું શસ્ત્ર ઉગામશે

એસ ટીના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ઉકેલ નહી આવતા હવે કર્મચારીઓની ધીરજ ખુટી જતા રોષ ભભુકી ઉઠ્યો છે. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોને આગામી તારીખ 15મી, સપ્ટેમ્બર સુધી ઉકેલવામાં નહી આવે તો આંદોલનની ચીમકી સાથે એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ સંયુક્ત રીતે એસ ટી નિગમના ઉપાધ્યક્ષને લેખિત રજુઆત કરી છે. એસ ટી નિગમના કર્મચારીઓ તારીખ 16મી, સપ્ટેમ્બરથી લડત કાર્યક્રમો યોજવામાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો છેલ્લા ત્રણેક વર્ષથી ઉકેલ આવતો નથી. કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા માટે અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં કોઇ જ નક્કર પરિણામ નહી આવતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે કર્મચારીઓના પડતર પ્રશ્નોમાં સેટલમેન્ટ કરાર મુજબ જુલાઇ-2019થી વધેલી 5 ટકા મોંઘવારી, વર્ષ-2019-2020નું એક્સગ્રેસીયા બોનસ ચુકવવું. સાતમા પગારપંચની અમલવારી થતાં ઓવરટાઇમની ચુકવણી પાછલી અસરથી કરવી.

ગત વર્ષ-2019માં લેખિત સમાધાન મુજબ 7માં પગારપંચ મુજબ એરિયર્સના છેલ્લા હપ્તાની ચુકવણી કરવી. નિવૃત્ત અને હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓને હક્ક રજાનું રોકડમાં ચુકવણું કરવું. કંડક્ટર કક્ષામાં પગારની વિસંગતતાઓનો તાકિદે ઉકેલ લાવવો. અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને નોકરી આપવી. ડ્રાઇવર અને કંડક્ટર તેમજ મીકેનીકકક્ષાના કર્મચારીઓની ભરતી તેમજ બઢતી માટે સીસીસીની પરીક્ષા તાત્કાલિક અસરથી રદ કરવી. બદલીના નિયમો હળવા કરીને પરિપત્ર નંબર 2077ને રદ કરવો.

ફિક્સ પગારી કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબ પગાર વધારો કરવો. કર્મચારીઓને યુનિફોર્મનું કાપડ આપવામાં આવે નહી ત્યાં સુધી કોઇપણ કર્મચારીને યુનિફોર્મના મામલે ડિફોલ્ટ કેસ કરવો નહી. ફિક્સ પગારી કર્મચારીના અવસાન બાદ તેના વારસદારને રૂપિયા 4 લાખનું આર્થિક પેકેજ આપવું. ગત 21મી અને 22મી, ફેબ્રઆરી-2019ની માસ સી.એલ. રજા મંજુર કરીને કપાતના નાણાં પરત આપવા. નિગમના સેટલમેન્ટ કરાર મુજબના ડી.એ. અને ઓટી તેમજ બોનસ સહિતની અમલવારી કરીને નાણાંની ચુકવણી કરવી સહિતના મુદ્દે એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ રજુઆત કરી છે.

ઉપરાંત કર્મચારીઓ તારીખ 16મીથી તારીખ 18મી, સપ્ટેમ્બર સુધી કાળીપટ્ટી ધારણ કરશે. 20મી સપ્ટેમ્બર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે. 21મી, અને 20મી સપ્ટેમ્બરે રિશેષમાં કર્મચારીઓ સૂત્રોચાર કરશે. તેમ છતાં પ્રશ્નો નહી ઉકેલાય તો 23મી સપ્ટેમ્બરથી માસ સીએલનું શસ્ત્ર ઉગામશે તેમ કર્મચારીઓના ત્રણેય યુનિયની સંક્લન સમિતિએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...