રાજય સરકાર દ્વારા નવી પેન્શન યોજનાનો અમલ કરવામાં આવતા સરકારી કર્મચારીઓને મોટું નુકસાન જાય છે. આથી ભાજપની જ સિક્કો જેમના પર છે તેવા રાષ્ટ્રીય શિક્ષક સંઘ મેદાનમાં આવ્યુંં છે અને શિક્ષકોના હીત માટે ગાંધીનગરમાં સતત 3 કલાક સુધી ધરણા કર્યા હતા. આ ધરણા પછી એવી ચિમકી ઉચ્ચારી હતી કે, જો જુની પેન્શન યોજના અમલમાં મુકવામાં નહીં આવે તો શિક્ષકો પરિવાર સાથે આંદોલન કરશે.
રાજયના શિક્ષકોએ નવી પેન્શન યોજનાનો અમલ મોકુફ રાખીને જુની પેન્શન યોજનાનો અમલ કરવા માટે સરકાર સામે બાયો ચડાવી છે. શિક્ષકોનું કહેવું છે કે, જુની પેન્શન યોજનામાં દર મહિને રૂ. 25 હજારથી 50 હજાર જેટલી રકમ પેન્શન તરીકે મળે તો ગુજરાન વ્યવસ્થિત ચાલી શકે છે. જુની પેન્શન યોજનામાં નિવૃત્તિ વખતે જે બેઝીક હોય તેના 50 ટકા ઉપરાંત મોંઘવારી ભથ્થુ મળવાથી સારી એવી રકમ પેન્શન તરીકે મળી શકે તેમ છે.
જ્યારે નવી પેન્શન યોજનામાં રૂ. 1 હજારથી રૂ. 3 હજાર જેટલું નામનું જ પેન્શન મળે તેમ હોવાથી નિવૃત્તિ સમયમાં કઇ રીતે ગુજરાન ચલાવવું તે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે. આથી જુની પેન્શન યોજના અમલમાં મુકવા શિક્ષકોએ માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના અન્ય વિભાગોના કર્મચારીઓ પણ જૂની પેન્શન સ્કીમની માગણી કરી રહ્યા છે. આ મુદ્દે સરકારી કર્મચારીઓએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યાં છે. આ માગણી માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. અન્ય રાજ્યોના કર્મચારીઓની પણ આ માગણી કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.