માસ CLની ચીમકી:એસ ટી કર્મચારીઓના પ્રશ્નો હલ નહીં થાય તો 17 જૂને બસનાં પૈડાં થંભી જશે

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારી મંડળના ત્રણેય યુનિયને સંયુક્ત રીતે પ્રશ્નો અંગે રજૂઆત કરી
  • 9 જૂનથી આંદોલનનો પ્રારંભ: 17મી જૂને અચોક્કસ મુદતની માસ સીએલની ચીમકી

એસ ટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા માટે ચારેક વર્ષથી લોલીપોપ આપવામાં આવી રહી છે. વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં એસ ટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો નહી ઉકેલાતા કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. કર્મચારીઓના પડતર પ્રશ્નો નહી ઉકેલાય તો તારીખ 9મી, જૂનથી આંદોલનના પ્રારંભ બાદ તારીખ 17મી જૂને અચોક્કસ મુદતની માસ સીએલની ચીમકી કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ ઉચ્ચારી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ડ્રાઇવર અને કંડક્ટરોને ગ્રેડ પેનો લાભ આપવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારીનું એરીયર્સ આપવામાં આવ્યું નથી. કર્મચારીઓને મળવાપાત્ર હક્ક રજાનું રોકડમાં ત્વરીત ચુકવણું કરવું. મિકેનિકલકક્ષાના કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવો. નરોડા ખાતેના વર્કશોપમાં બસની બોડી બનાવવામાં આવતી હોવાથી તેમાં મિકેનિકલ સ્ટાફની ભરતી કરવી.

એસ ટી નિગમના વર્ગ-4ના તેમજ પાર્ટટાઇમ, રોજમદાર, બદલી કામદારો સહિતના કર્મચારીઓને બોનસનો લાભ આપવો. એસ ટી નિગમના પાર્ટટાઇમ કર્મચારીઓને કાયમી કરવા. કર્મચારીઓની બદલી માટેનો પરિપત્ર-2077 રદ કરવાની માંગણી કર્મચારીઓમાં ઉઠી છે. ફરજ દરમિયાન અવસાન પામેલા કર્મચારીના પરિવારોને આશ્રિતનો લાભ આપીને એક વ્યક્તિને નોકરી આપવી.

ડ્રાઇવર, કંડક્ટરોને સાતમા પગારપંચ મુજબ ઓવરટાઇમના દરમાં સુધારો કરવો. વર્કશોપના કર્મચારીઓ માટે વાદળી ડાંગરી, સેફ્ટી સાધનો, પુરતા પ્રમાણમાં ઓજારો ઉપલબ્દ કરાવવાની માંગણી કરી છે. કર્મચારીઓની માંગણી નહી ઉકેલાતા તારીખ 9મી અને તારીખ 10મી, જૂને કાળી પટ્ટી ધારણ કરીને કર્મચારીઓ વિરોધ કરશે.

તારીખ 11મી, અને 12મી જૂને ફ્રી યુનિફોર્મમાં ફરજ બજાવશે. તારીખ 13મી, અને 14મીના કર્મચારીઓ સૂત્રોચાર કરીને વિરોધ કરશે. તારીખ 14મી, જૂને ટ્વીટર લડત ચલાવશે. તારીખ 15મી, જૂન કર્મચારીઓ પોતાના લોહીથી મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખીને વ્યથા રજુ કરશે. તેમ છતાં પ્રશ્નો ઉકેલવામાં નહી આવે તો 17મી, જૂનથી અચોક્કસ મુદત માટે માસ સીએલનું શસ્ત્ર ઉગામશે તેવી ચીમકી એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ એસ ટી નિગમના ઉપાધ્યક્ષને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...