ગાંધીનગર ડેપોની બસો આગામી 15 મી ઓગસ્ટ પછી નિયત રૂટ બોર્ડ સિવાય માર્ગો પર દોડતી દેખાશે તો બસના ડ્રાઈવર અને કંડકટર ને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આવતીકાલ સુધીમાં દરેક બસમાં રૂટ બોર્ડ તૈયાર કરી દેવા માટે જે તે બસના ડ્રાઇવર કંડકટરને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
કોરોના કાળના કારણે ગાંધીનગર એસ.ટી ડેપો બસોના પૈડાં થંભી ગયા હતા જેના કારણે ગાંધીનગર ડેપો ને મોટું આર્થિક નુકશાની વેઠવાનો વખત આવ્યો છે ત્યારે રાજય સરકારની ગાઈડ લાઈન મુજબ હવેથી ગાંધીનગર ડેપોની 84 બસો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે.
આ બસો દ્વારા રોજની 700 થી વધુ ટ્રીપો મારવામાં આવી રહી છે. શરૂઆતમાં આશરે 9 હજાર મુસાફરો રોજના મળતા હતા. જેમ જેમ સંક્રમણ ઓછું થઈ રહ્યું છે ત્યારે મુસાફરોનો આંકડો 15 હજાર પહોંચ્યો છે. જેની સામે ભૂતકાળમાં 21 હજાર મુસાફરો રોજના મળતા હતા.
કોરોનાના મહામારી વચ્ચે ધીમે ધીમે મુસાફરો મળતા તો થયા છે જેની સામે એસ ટી ડેપોને રોજનું 1 લાખની નુકશાની વેઠવી પડી રહી છે. બીજી તરફ આર્થિક નુકશાની વચ્ચે ઘણી ખરી બસો રૂટ બોર્ડ વિના જ દોડતી હોવાના કારણે મુસાફરોને કઈ બસ છે તેનો ખ્યાલ આવતો નથી જેના કારણે પણ ગાંધીનગર ડેપોને આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે.
આ અંગે ગાંધીનગર ડેપોના સૂત્રોએ જણાવ્યું હતું કે રૂટ બોર્ડ વિના બસો દોડતી હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેનાં કારણે સોમવાર પછી એટલેકે તા. 15 મી ઓગસ્ટ બાદ દરેક ડ્રાઈવર અને કંડકટર દ્વારા પોતાની બસમાં રૂટ બોર્ડ લગાવી દેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. આવતીકાલ સુધીમાં દરેક બસમાં નિયત રૂટ બોર્ડ લગાવી દેવાના રહેશે. જે બાદ સોમવાર પછી કોઈપણ બસ રૂટ બોર્ડ વિના માર્ગો પર દોડતી જણાશે તો ડ્રાઈવર કંડકટર ને એક હજારનો દંડ પણ ફટકારવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.