શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના બહાને છેતરપિંડી કરતા એક ગઠિયાને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ગાઝિયાબાદથી પકડી લાવી છે. હીરાલાલ દાસ નામનો આ ગઠિયો માત્ર ધો.9 સુધી ભણેલો છે. એક વખત લોનની જરૂર હોવાથી તે બેન્કમાં ગયો હતો, પણ બેન્કે લોન આપી ન હતી. એ પછી તેણે લોન કેવી રીતે મેળવાય તે સમજી લઈ ગોરખધંધા શરૂ કર્યા હતા.
આરોપી શિક્ષિત બેરોજગારોને નોકરીની લાલચ આપી તેમની પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓરિજિનલ દસ્તાવેજ મગાવી લેતો હતો. એ પછી આ દસ્તાવેજો પર લોન મંજૂર કરાવતો હતો, પરંતુ મૂળ દસ્તાવેજ આપનારને જાણ થતી ન હતી કે, તેમના નામે બેન્કમાં ખાતું ખૂલી ગયું છે. એકવાર લોનની રકમ મૂળ દસ્તાવેજ આપનારા લોકોના ખાતામાં જમા થાય પછી તે પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતો હતો.
મેડિકલની એક વિદ્યાર્થિનીએ 2021માં નોકરી માટે એક વેબસાઇટ પર બાયોડેટા અપલોડ કર્યો હતો. બીજા દિવસે સામેથી ફોન આવ્યો અને પૂછ્યું કે, ક્યાં નોકરી કરવી છે. વિદ્યાર્થિનીએ નોકરી માટે પસંદગીનું સ્થળ મુંબઈ હોવાનું કહ્યું હતું. એ પછી માસ્ટર માઇન્ડે વિદ્યાર્થિની પાસેથી ઓનલાઇન રૂ. 33 હજાર પડાવી લીધા હતા અને ફોન બંધ કરી દીધો હતો.
આરોપી પાસેથી 64 ATM, 88 પાન, 80 આધારકાર્ડ, 20 પાસબુક, 90 મેઇલ ID પકડાયાં
આરોપી હીરાલાલ દાસ પાસેથી 64 એટીએમ કાર્ડ, 88 પાન કાર્ડ, વિવિધ બેન્કની 20 પાસબુક, 2 સ્વાઇપ મશીન, 12 મોબાઇલ ફોન, 80 આધાર કાર્ડ, 13 ચૂંટણી કાર્ડ, 61 ચેકબુક, 4 રબર સ્ટેમ્પ તેમ જ જુદી જુદી કંપનીના મોબાઇલના 27 સીમ કાર્ડ, 90 ઇ-મેઇલ આઇડી સહિત 45 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
ગાઝિયાબાદથી કૌભાંડ ચલાવામાં આવતું હતું
ડીવાયએસપી એમ. જે. સોલંકીએ જણાવ્યું હતું કે, ચિલોડા પોલીસમાં નોંધાયેલા એક ગુનાની તપાસ કરતા સિંધવની ટીમને ગાઝિયાબાદ મોકલવામાં આવી હતી. પોલીસ તપાસમાં એક આરોપી પકડાયો હતો જે માત્ર અઢીથી પાંચ લાખ સુધીની લોન માટે અરજી કરતો હતો.
પીઆઇની સૂચના મુજબ એએસઆઈ જોગિન્દરસિંહ અને હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ, જિતેન્દ્રસિંહ ગાઝિયાબાદના વંદના એન્કલેવની એક કોલોનીમાંથી હીરાલાલ તુરંતલાલ દાસને પકડી લાવી હતી.
મેડિકલની વિદ્યાર્થિનીને નોકરીની લાલચ આપી
ચિલોડા પોલીસને એક ફરિયાદ મળી હતી, જેમાં મેડિકલની વિદ્યાર્થિનીએ તેને મુંબઈમાં નોકરી અપાવવાની લાલચ આપી ગઠિયાએ છેતરપિંડી કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. વિદ્યાર્થિનીએ નોકરી માટે એક સાઇટ પર બાયોડેટા અપલોડ કર્યા પછી છેતરપિંડીનો સિલસિલો શરૂ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.