તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત સામે જવાબ:લોકો 20 હજારનો સ્માર્ટફોન લઈ શકે તો 150ના ડસ્ટબીન કેમ નહીં!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વસાહત મહાસંઘના પ્રમુખનો દાવો, ડસ્ટબીન માટે રજૂઆત સામે કમિશનરે જવાબ આપ્યો

ગાંધીનગરમાં ભીનો-સૂકો કચરો લેવાની વચ્ચે ચાલી રહેલી માથાકૂટ વચ્ચે હવે શહેર વસાહત મહાસંઘ સમગ્ર મુદ્દે કૌશિક પટેલને રજૂઆત કરશે. આ અંગે મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ કહ્યું હતું કે, ‘વસાહતીઓના રહેણાંક વિસ્તારમાંથી કચરો ઉપાડવા માટે કમિશનર દ્વારા વસાહતીઓને ભીનો સૂકો કચરો અલગ-અલગ કરીને આપવા અંગે ડસ્ટબીન આપવા અમે લેખિત-મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ કમિશનરના જિદ્દી વલણને કારણે તેઓએ અમારી માંગણી ઠુકરાવી હતી. તેઓએ જવાબમાં કહ્યું હતું કે હું ડસ્ટબીન આપવાનો નથી.

શહેરના વસાહતીઓ વીસ હજારનો સ્માર્ટફોન ખિસ્સામાં રાખે છે અને 150 રૂપિયાના ડસ્ટબીન ખરીદી નથી શકતાં, મહાનગર પાલિકામાં ખર્ચ નહીં પડે.’ સમગ્ર મુદ્દે હવે ઉગ્ર વિરોધ માટે અને રણનિતી નક્કી કરવા માટે આજે સવારે 10 કલાકે સેકટર-5 શોપિંગ સેન્ટર સામે સંસ્થાના પ્રમુખ કેશરીસિંહ બિહોલાના અધ્યક્ષ સ્થાને જાહેર બેઠક બોલાવવામાં આવી છે.

બેઠકમાં શહેરના આગેવાનોના સૂચનો વિચારો જાણી લોક આંદોલન કરવા માટે સામૂહિક નિર્ણય કરવામાં આવશે. જેને પગલે શહેરનાં વિવિધ સેક્ટર્સના સંલગ્ન વસાહત મંડળોના હોદેદારો શહેરના આગેવાનો, વડીલોને ખાસ ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ અપાયું છે.

2017માં ડસ્ટબીન અપાયાં હતાં, હવે કેમ નહીં?
કેશરીસિંહ બિહોલાએ કમિશનરને રજૂઆત કરી હતી કે, અગાઉ 2017 પહેલાં ખર્ચ પાડી ડસ્ટબીન આપવામાં આવ્યા હતા. તે કયા નિયમ અનુસાર ખર્ચ પાડી આપવામાં આવ્યાં હતાં તે જ રીતે હવે ખર્ચ કરીને વસાહતીઓને ડસ્ટબીન આપવાની સત્તા કમિશનર પાસે છે. અમારા પ્રજાના ઉઘરાવેલા રૂપિયાથી ખર્ચ કરી આપવાના છે.

મંગળવારે 29 ટન કચરો જ ઉઠાવાયો
કચરા મુદ્દે માથાકૂટ મંગળવારે પણ યથાવત રહી હતી, જેમાં એક વીઆઈપી વિસ્તારમાં પોલીસ ઉચ્ચાધિકારીએ કચરો લેવા જતાં કર્મચારી સાથે માથાકૂટ કરી હતી. અધિકારીથી ગભરાઈ ગયેલા નાના કર્મચારીએ તંત્રને વાત કરતાં સુપરવાઈઝર-સેનેટરી ઈન્સ્પેક્ટર સહિતના લોકોએ જઈને અધિકારીને સમજાવ્યા હતા. રકઝકને અંતે અધિકારીનો કચરો લેવાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...