તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચરાનું કમઠાણ:ડસ્ટબિન નહીં મળે તો રસ્તા પર અને મ્યુનિ. કોર્પોરેશનમાં કચરો ઠલવાશે: વસાહત મહાસંઘ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રણનીતિ નક્કી કરવા બેઠક. - Divya Bhaskar
રણનીતિ નક્કી કરવા બેઠક.
  • નિર્ણય સ્થગિત કરવા પૂર્વ ધારાસભ્યે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો

પાટનગરમાં ભીનો અને સૂકો કચરો જુદો કરવાના મ્યુનિસિપલ કમિશનરના આદેશ સામે નાગરિકોમાં રોષ ફેલાયો છે ત્યારે હવે કચરાના કમઠાણમાં રાજકીય દખલગીરી પણ શરૂ થઈ છે. શહેર વસાહત મહાસંઘે બુધવારે બેઠક યોજીને કોર્પોરેશન ડસ્ટબીન નહીં આપે અને કચરો ઉપાડવાનું શરૂ નહીં કરે તો રસ્તા પર અને મહાનગરપાલિકાની કચેરીમાં કચરો ઠાલવવાની ચીમકી ઉચ્ચારી છે.

બીજી તરફ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ પૂનમભાઈ મકવાણાએ આ નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવા મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલને પત્ર લખ્યો છે. વિરોધ અને વિવાદ વચ્ચે બુધવારે પણ જુદો કરાયેલો 30 ટન જેટલો કચરો જ ઉઠાવાયો હતો. મહત્ત્વનું છે કે શહેરમાં રોજ 120 ટન કચરો એકત્ર થાય છે.

આદેશના કડક અમલને પગલે 3 દિવસથી 90 ટન કચરો ઉઠાવાતો નથી
ભીનો અને સૂકો કચરો અલગ-અલગ આપવાના મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ ગાંધીનગરમાં કચરાનું કમઠાણ ચાલ્યું છે. પર્યાવરણ અને સ્વચ્છતા સહિતના મુદ્દે તંત્ર નિયમ મુજબ જ કચરો અલગ આપવાનું કહે છે જ્યારે શહેરીજનો કચરો અલગ કરતા ન હોવાથી 90 ટન જેટલો કચરો ઉઠાવાતો નથી. કોર્પોરેશન પાસેથી જુદાં જુદાં ડસ્ટબીન આપવાની માગણી સાથે શહેર વસાહત મહાસંઘે લડતનાં મંડાણ કર્યાં છે.

બેઠકમાં કમિશનર લોકોની વચ્ચે જઈ બેસી ગયા
મહાસંઘની બેઠક અંગે મળેલી માહિતી મુજબ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ ખાનગી ગાડીમાં જ ત્યાં પહોંચી ગયા હતા અને પ્રશ્નો સાંભળવા લોકોની વચ્ચે બેસી ગયા હતા. પાંચેક મિનિટ ચાલેલી ચર્ચા બાદ મહાસંઘના પ્રમુખ કેશરીસિંહનું ધ્યાન જતાં તેમનું સ્વાગત કરીને પોતાની પાસે બેસાડ્યા હતા. કચરાની માથાકૂટ વચ્ચે બુધવારે 30 ટન જેટલો કચરો ઉઠાવાયો હતો. શહેરના નવા-જુના વિસ્તારમાં અંદાજિત 120 ટન જેટલો કચરો એકઠો થાય છે. જેની સામે છેલ્લા ત્રણેક દિવસથી 28-30 ટન જેટલો જ કચરો ઉઠાવાયા છે.

1 સપ્ટેમ્બરથી સેક્ટરોમાં બેઠકોનો દોર શરૂ કરાશે
શહેર વસાહત મહાસંઘ 1 સપ્ટેમ્બરથી વિવિધ સેક્ટરમાં બેઠકો કરી વસાહતીઓને જાગ્રત કરશે, જેમાં ડસ્ટબીન મેળવવા, સફાઈવેરાની વસૂલાત સામે નિયમિત જાહેર રસ્તા, કોમન ચોકની સફાઈ થાય તથા અન્ય સુખસગવડો પૂરી પાડવા મુદ્દે ઉગ્ર માંગમાં નાગરિકોને જોડવામાં આવશે. દરેક સેક્ટરમાં મીટિંગો કરીને વધુ ને વધુ લોકોને આંદોલનમાં ભાગીદાર બનાવવાની તૈયારી મહાસંઘે કરી છે.

મંત્રી કૌશિક પટેલને રજૂઆત કરાશે
મહાસંઘની બેઠકમાં પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ ડસ્ટબી આપવામાં નહીં આવે અને કચરો લેવાનું પણ બંધ રહેશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ મુદ્દે મંત્રી કૌશિક પટેલને પણ રજૂઆત કરાશે અને ત્યાર પછી પણ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો રહીશો રસ્તા પર અને મહાનગરપાલિકાના દરવાજે કચરો નાખશે.

જુદા કચરા માટે ડસ્ટબીન જરૂરી નથી
મહાસંઘની બેઠકમાં પહોંચેલા મ્યુનિસિપિલ કમિશનર ધવલ પટેલે લોકોને કચરાને યોગ્ય પ્રોસેસ કરવા અને ખાતર બનાવવા માટે ઉપયોગની સમજ આપી હતી. તેઓને નાગરિકોને કચરો અલગ કરવા માટે માત્ર ડસ્ટબીન નહીં, કોઈ પણ સાધનમાં કચરો અલગ આપવા માટે અપીલ કરી હતી.

ડસ્ટબીનની વ્યવસ્થા ઊભી કર્યા બાદ નિર્ણય લેવાની જરૂર હતી : મકવાણા
પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ પૂનમભાઈ મકવાણાએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે ડસ્ટબીનની વ્યવસ્થા ઊભી કર્યા બાદ આ નિર્ણય કરવાની જરૂર હતી. જનતા ટેક્ષ આપે છે તેમની નાની-નાની બાબતોની ચિંતા કરવી કોર્પોરેશનની ફરજમાં આવે છે. કચરો અલગ રાખવાનો નિર્ણય આવકારદાયક છે, પરંતુ આકસ્મિક લાગુ કરી દેવો ઉચિત નથી. જેથી નિર્ણય હાલ પુરતો સ્થગિત રાખવા રજૂઆત કરી છે. મહત્ત્વનું છે કે પૂનમભાઈના પુત્ર હિતેશ મકવાણા કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે. આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે મૅયર પદ એસસી અનામત છે. જેને પગલે ભાજપ જીતે તો હિતેશ મકવાણા મૅયર પદના દાવેદાર પણ ગણાય છે. આથી પૂનમભાઈએ હાલ આ મુદ્દામાં ઝંપલાવ્યું હોવાની ચર્ચા ભાજપમાં જ છે.

પોલીસને ન મળતા મનપાના પૂર્વ ચૅરમેને સફાઈ કર્મીઓને ધમકાવ્યા
શહેરમા હાલમા કચરાની બબાલ ઘેરી બનતી જાય છે. ત્યારે ક્યાંક નેતાઓ અને ક્યાક રહેવાસીઓ વચ્ચે માથાકૂટ સામે આવી રહી છે. ત્યારે આજે બુધવારે સેક્ટર 24મા સ્થાનિકો અને કચરો ઉપાડતા એજન્સીના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ સામે આવી હતી. જેમા કોલવડા જમીનદલાલના મોતની ઘટનામાં કથિત રીતે સંડોવાયેલા પૂર્વ ચૅરમેન પણ આવ્યા હતા. પૂર્વ મૅયરનો ડ્રાઇવર અને ચૅરમેને એજન્સીના કર્મચારીઓને ધમકાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસના ચોપડે પૂર્વ ચેરમેન વોન્ટેડ છે, જ્યારે શહેરમા ખુલ્લેઆમ ધમકાવવા જાહેરમા આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...