ગાંધીનગર છોડો, ગામડામાં જાવ:કોરોના કાબુમાં લેવા IAS અધિકારીઓને પાંચ દિવસ સુધી જે તે જિલ્લામાં ડેરાતંબુ તાણી ફરજ બજાવવાના આદેશો છૂટ્યાં

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં વધતા જતા કોરોનાના કેસોની સમીક્ષા સાથે વેક્સિનેશન માટેની કામગીરી ઝડપથી કરવા સૂચના

ગુજરાતમાં ફાટી નીકળેલાં કોરોનાના કેસોને તથા સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે રાજય સરકાર તરફથી જિલ્લામાં મૂકાયેલા અધિકારીઓને આગામી પાંચ દિવસ સુધી જિલ્લામાં રોકાણ કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરું પાડી કોરોનાને કાબુમાં લેવાની તાકીદ કરાઇ છે. આ સૂચનાનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હુક્મ કરવામાં આવ્યો છે.

હાઇકોર્ટનો કડક પગલાં ભરવા માટે નિર્દેશ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખુબજ ગંભીર સ્વરૂપ પકડી રહી છે જેમાં દરરોજ કેસો વધી રહ્યા છે. અફડાતફડી જેવો માહોલ થઈ ગયો છે, ખાસ કરીને હાલ કોરોનાનો વિસ્ફોટ શહેરોની સાથે ગામડાઓ અને નાના શહેરોમાં પણ થઈ રહ્યો છે, પરિણામે કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતો જાય છે. જેના પગલે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાજય સરકાર દ્વારા આઇ.એ.એસ. અધિકારીઓને સુપરવિઝન માટે જિલ્લાઓમાં નિમણૂંકો કરી હતી. તેમ છતાં કેસોનું પ્રમાણ સતત વધતાં રહેતાં ગુજરાત હાઇકોર્ટ પણ સરકારને આ માટેના યોગ્ય અને કડક પગલાં ભરવા માટે નિર્દેશ આપ્યા હતા. આ નિર્દેશના પગલે સરકારે વધુ આકરાં પગલા લેવાનું શરૂ કર્યું હતું.

અધિકારીઓ પર કોવિડ વેક્સિનેશનની કામગીરીની સમીક્ષાની પણ જવાબદારી છે
અધિકારીઓ પર કોવિડ વેક્સિનેશનની કામગીરીની સમીક્ષાની પણ જવાબદારી છે

IAS અધિકરીઓ પર સુપરવિઝનની જવાબદારી
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આદેશ કર્યો છે કે, નોવેલ કોરોના વાઇરસ ( કોવિડ 19)ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવતાં પગલાં/કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરું પાડવા તેમ જ કોવિડ વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરવા તથા અન્ય આનુષાંગિક કામગીરી માટે વિવિધ આઇ.એ.એસ. અધિકારીઓની સંબંધિત જિલ્લાઓમાં નિમણૂંકો કરવામાં આવેલી છે.

કોરોના કેસો વધતા કેટલાક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જેવી સ્થિતિ
કોરોના કેસો વધતા કેટલાક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જેવી સ્થિતિ

આ અધિકારીઓને તેઓને ફાળવવામાં આવેલા જિલ્લાઓમાં અચુક મુલાકાત લેવા તથા નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-19)ના સંક્રમણને અસરકારક રીતે નિયંત્રણમાં લેવા માટે આગામી પાંચ દિવસ સુધી સંબંધિત જિલ્લા ખાતે રોકાણ કરી/ઉપસ્થિત રહી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરું પાડવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.