છેતરપિંડીની ફરિયાદ:વડોદરા ગામની કરોડોની જમીન માલિકની જાણ બહાર વેચી મારી

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનમાં નામ હોઈ બારોબાર વેચી મારનારા 7 સામે રાવ

ગાંધીનગર તાલુકાના વડોદરા ગામમા આવેલી કરોડો રૂપિયાની 8 વિઘા જમીનને ખેડૂતની જાણ બહાર વેચી દેવામા આવી છે. ગામમા જ રહેતા અન્ય ખેડૂતોએ ખેડૂતના ભાગની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવામા આવતા ખેડૂતે જમીનનો દસ્તાવેજ કરનાર અને અન્ય ખેડૂતો સામે ડભોડા પોલીસ મથકમા વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરવામા આવતા કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ રમણજી આતાજી ઠાકોર (રહે, વડોદરા પાટીયા) ખેતી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ત્યારે ગામની સીમમા સર્વે નંબર 1240 (જૂનો નંબર 988) આઠ વિઘા જમીનના મૂળ માલિક તરીકે ગામમા જ રહેતા કાળાજી ધુળાજી ઠાકોર તથા ચૂંથાજી ધુળાજી ઠાકોર હતા. પરંતુ કાળાજીના ભાગમા આવતી ચાર વિઘા જમીન રમણજીના દાદા ફકીરજીએ વર્ષ 1975મા ખરીદી હતી. જેનો વેચાણ દસ્તાવેજ નંબર 154 કરાવેલો છે અને ત્યારથી જમીનનો કબ્જો રમણજી પાસે છે.

ત્રણ વર્ષ પહેલા જમીન જોવા લોકો આવતા હતા. તે સમયે કાળાજી ઠાકોરનો પૌત્ર જાલમસિંહ ભીખાજી ઠાકોર વેચાણ કરવાની કાર્યવાહી કરતો હતો. તે સમયે જમીનની નોંધ કઢાવી હતી. જેમા રમણજી ઠાકોરના પરિવારના નહિ પરંતુ કાળાજી ઠાકોરના વારસદારોના નામ દાખલ હતા. પરિણામે સર્વે નંબરના સહભાગીદાર ચુંથાજી ધુળાજી ઠાકોરના વારસદારોએ ધવલ જીવણભાઇ વેકરીયા અને ભરત રવજીભાઇ લાખાણીને ચાર વિઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.

જમીનને વેચાણ કરી દીધી હોવા છતા ફરીથી ચેતન છોટાલાલ પટેલ (રહે, ચેનપુર, અમદાવાદ)ને વેચાણ આપેલ હતો. તે ઉપરાંત તે જમીનમા 33 ગુંઠા જગ્યાનો વેચાણ દસ્તાવેજ ધીરુભાઇ ગોવિંદભાઇ બુટાણી (રહે, બાપુનગર)ને કરી આપ્યો હતો. ત્યારે રમણજીએ ડભોડા પોલીસ મથકમા જાલમસિંહ ભીખાજી ઠાકોર, શારદાબેન ભીખાજી ઠાકોર, નાગરજી ભીખાજી ઠાકોર (તમામ રહે, વડોદરા ગામ), લીલાબેન ભીખાજી ઠાકોર, લક્ષ્મીબેન મુનીબેન ઠાકોર (હરનીવાવ, દસ્ક્રોઇ), ચેતન છોટાલાલ પટેલ (ગણેશ બંગલો ચેનપુર) અને ધીરુભાઇ ગોવિંદભાઇ બુટાણી (તુલસીકુંજ, બાપુનગર) સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...