કાર બળીને ખાખ:ગાંધીનગરના સેકટર-30 સર્કલ પાસે આઈ-10 કારમાં આગ લાગતા બળીને ભડથું ગઇ, ડ્રાઇવરનો આબાદ બચાવ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • એકવાર આગ ઓલવાઈ ગયા પછી ફરી વખત સ્પાર્ક સાથે આગે વિકરાળ સ્વરૂપ પકડયું

ગાંધીનગરના સેકટર-30 સર્કલ પાસે આજે સવારે દહેગામ તરફ જતી આઈ-10 કારમાં શોટ સર્કિટ થવાના કારણે સામાન્ય આગ લાગી હતી. જોકે, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં થોડીક વારમાં કાર આગની લપેટમાં આવીને ભડથું થઇ ગઈ હતી. અચાનક કારમાં ભયાનક આગ ભભૂકી ઉઠતાં કાર ચાલકે સમય સૂચકતા વાપરી પોતાનો જીવ બચાવી લીધો હતો.

શોટ સર્કિટના કારણે આઈ 10 કાર સળગી
ચોમાસાની સિઝનમાં શોટ સર્કિટના કારણે આગની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે. આજે સવારે સેકટર - 30 નાં સર્કલ પાસે શોટ સર્કિટના કારણે આઈ 10 કાર સળગીને ભડથું થઇ ગઈ હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના સેકટર - 22 વાસ્તુ નિર્માણ સોસાયટીમાં રહેતાં દિનેશભાઈ પ્રજાપતિ સવારના સમયે કાર લઈને દહેગામ જવા માટે નીકળ્યા હતા.

અચાનક કારના બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા
સેકટર-30ના સર્કલ પાસે અચાનક કારના બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેથી કરીને સમય સૂચકતા વાપરીને દિનેશભાઈ કારમાંથી બહાર નીકળી ગયા હતા. અને થોડી મિનિટોમાં બોનેટ પર આગ ભભૂકી ઉઠી હતી. એ વખતે નજીકમાંથી ડોલ લઈને પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેથી કરીને આગ બોનેટ પરથી ઓલવાઈ પણ ગઈ હતી. પરંતુ બોનેટ ઊંચુ કરતા જ અચાનક સ્પાર્ક થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી.

કાર ગણતરીની મિનિટોમાં જ ભડથું થઇ ગઈ
દિલીપભાઈએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે, ત્યાં સુધીમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં જોત જોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. તો ફાયરના જવાનોએ પાણીનો છંટકાવ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ કાર ગણતરીની મિનિટોમાં જ આગમાં સંપૂર્ણ બળીને ભડથું થઇ ગઈ હતી. આ બનાવના પગલે મોટી સંખ્યામાં રાહદારી વાહન ચાલકો પણ એકઠા થઈ ગયા હતા.

કારને આગ લાગવાથી બચાવવા આટલું કરો

  • 1. કારની સમય-સમય પર સર્વિસિંગ કરાવતા રહો. કારમાં એંજિનની સર્વિસ પર ખાસ ધ્યાન આપો. સમય-સમય પર જરૂર હોય તો, ગાડીના ઑયલ ફિલ્ટર, એયર ફિલ્ટર, એન્જીન કૂલેંટ અને એન્જિન ઑયલને બદલતા રહો. આનાથી કારની કંડીશન સારી બની રહેશે.
  • 2. કારમાં ક્યારે પણ ફાલતૂ એસેસરીઝ ન લગાવશો. આ તમારી કારની બેટરી પર વધારે લોડ નાખે છે.
  • 3. ક્યારે પણ કોઈ અનાધિકૃત ડીલર પાસેથી એલપીજી/સીએનજી કિટ ફિટ ન કરાવો. હમેશા ઓથોરાઇઝ્ડ સેંટર પાસેથી આવી કિટ ખરીદો અને ફિટ કરાવો.
  • 4. કારમાં મોડિફેક્શન કરવાથી બચવું. એવા મોડિફેક્શનથી કારમાં તકનીકી ખરાબી આવવાની શકયતા વધી જાય છે. જે આગ લાગવાનું કારણ બની શકે છે.

કારમાં આગની સ્થિતિમાં શુ થાય છે

  • 1. કારમાં આગ લાગવાની સ્થિતિમાં સૌથી પહેલા કારમાં લાગેલા ઈલેક્ટ્રિકલ યૂનિટ જામ થઈ જાય છે. પાવર વિંડો , સીટ બેલ્ટ અને સેંટ્રલ લોકિંગ સિસ્ટમ પણ ફેલ થઈ જાય છે. જેના કારણથી તમને કારમાંથી બહાર નીકળવામાં પરેશાની થઈ શકે છે.
  • 2. જો કારમાં આગ લાગવાની જાણકારી યોગ્ય સમય પર ન મળે તો કારમાં બેસેલા લોકો કાર્બન મોનોઓઅક્સાઈટડ ગેસની ચપેટમાં આવી શકે છે. જે જાનલેવા પણ સિદ્ધ થઈ શકે છે.

કારમાં જરૂર રાખો આ સામાન

  • 1. હથોડી- જો તમારી કારમાં આગ લાગી ગઈ હોય તો હથોડીની મદદથી તમે કારના કાંચ તોડીને બહાર નિકળી શકો છો.
  • 2. કાતર - જો કારમાં આગ લગવાની સ્થિતિમાં તમારી સીટ બેલ્ટે જામ થઈ ગયા હોય તો એને કાતરની મદદથી કાપી શકો છો જેથી તમે જલ્દીથી બહાર નિકળી શકો.
અન્ય સમાચારો પણ છે...