આખરે પરિણીતાની ધીરજ ખૂટી:પતિના શંકાશીલ સ્વભાવનો ત્રાસ નવ વર્ષ ગાધીનગરની પરિણીતાએ સહન કર્યો, પતિ શાકભાજી અને કરિયાણા વાળા સાથે ચક્કર હોવાની શંકા રાખતો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખરે પરિણીતાની ધીરજ ખૂટતા પતિ સામે ફરિયાદ નોંધાવી

ગાંધીનગરના સેકટર-2માં રહેતી પરિણીતાને શંકાશીલ અને ઇગોવાળા સ્વભાવના પતિએ સતત નવ વર્ષ સુધી ચારિત્ર્ય પર વહેમ રાખીને શારીરિક માનસિક ત્રાસ આપે રાખ્યો હતો. હદ તો ત્યાં સુધી આવી કે શંકાશીલ પતિ તેની પત્નીને શાકભાજી, કરિયાણા સહિતના વેપારીઓ સાથે પણ ચક્કર હોવાની શંકા રાખી ત્રાસ આપવામાં કોઈ કસર બાકી નહીં રાખતા આખરે ધીરજ ખૂટી જતા પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

2003માં લગ્ન થયા હતા

ગાંધીનગરના સેકટર 2માં હાલમાં પિયરમાં રહેતી 44 વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ 2003માં સાબરમતી ડી કેબીન સુરજબાગ સોસાયટીમાં રહેતા યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. આ લગ્ન જીવનથી પરિણીતાને એક દીકરો અને એક દિકરી પણ છે.

શરૂઆતથી પતિ ત્રાસ આપતો

લગ્નની શરૂઆતથી જ પ્રકાશ શંકાશીલ ઇગો વાળા સ્વભાવનો હોવાથી પરિણીતાને એનકેન પ્રકારે ત્રાસ આપતો રહેતો હતો. લગ્નના ચાર ફેરા ફર્યા હોવા છતાં પતિ પરિણીતાનાં ચારિત્ર્ય પર વારંવાર શંકા કુશંકા કરતો હતો. પરંતુ બાળકોનાં ભવિષ્ય ને ધ્યાને રાખી પરિણીતા પતિનો શારીરિક માનસિક ત્રાસ સહન કરતી રહી હતી.

સંતાનો મોટા થવા છતા પતિમાં કાંઇ ફરક નહીં

ચારિત્ર્ય બાબતે પરિણીતા કોઈ ખુલાસો કરે તોપણ પતિ એકદમ ઉશ્કેરાઈ જઈને મારઝૂડ પણ કરતો હતો. પરંતુ સંતાનો મોટા થવા છતાં પતિના સ્વભાવમાં કોઈ ફરક પડ્યો ન હતો. જેથી તેણીએ સાસરીનો ત્યાગ પણ કરી દીધો હતો. જો કે સામાજિક રીતે સમાધાન થતાં ફરીવાર પરિણીતા સાસરીમાં રહેવા ગઈ હતી. આમ થોડા દિવસ ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો.

પતિ સમય સાથે હદ વટાવતો ગયો

શરૂઆતથી જ શંકાશીલ સ્વભાવના પ્રકાશનાં મગજમાં શકનો કીડો સળવળવા લાગ્યો હતો. આ વખતે તો પ્રકાશે હદ જ વટાવી દીધી હતી. તે પોતાની પત્નીને શાકભાજી અને કરિયાણાની દુકાન સહિતના વેપારી સાથે ચક્કર હોવાની શંકા રાખી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. ઘરમાંથી બહાર નીકળવા પર પણ પ્રતિબંધ લાદી દેતા પરિણીતાનું જીવન નર્ક બની ગયું હતું.

આખરે બે વર્ષ અગાઉ પરિણીતા બાળકો સાથે ગૃહ ત્યાગ કરીને ગાંધીનગર પિયર રહેવા આવી ગઈ હતી. આ દરમિયાન પણ પતિએ કોઈ દરકાર નહીં કરતાં આખરે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...