કાર્યવાહી:માણસા ખાતે પત્નીને જીવતી સળગાવી દેવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો પતિ પેરોલ જમ્પ કરી ભાગ્યો, પોલીસે ઝડપી પાછો જેલમાં ધકેલ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ - 2003માં સાસરીમાં પત્નીને જીવતી સળગાવી ઘર બંધ કરીને ભાગી ગયો હતો
  • પોલીસે ધરપકડ કરતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયાં બાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી

માણસાના આજોલ ગામે સાસરીમાં પત્નીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં 17 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલો પતિ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. જે બાદ મુદ્દત પુરી થઈ હોવા છતા પરત ફર્યો ન હતો. જેથી પોલીસે તેને ઝડપવા કવાયત હાથ ધરી હતી. ત્યારે નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બાન્ચે તેને સાબરમતી મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો છે.

ગાંધીનગરના માણસા તાલુકાના આજોલ ગામે સાસરીમાં વર્ષ 2003 માં પત્નીને જીવતી સળગાવી રમેશ જીજાભાઈ રાવળ ઘરનો દરવાજો બંધ કરીને નાસી ગયો હતો. આ આગમાં તેની પત્ની બળીને મરી ગઈ હતી. જે અંગે ગુનો દાખલ થતાં પોલીસે જરૂરી પુરાવા એકત્ર કરીને રમેશની ધરપકડ કરી લીધી હતી. બાદમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયાં પછી ઉક્ત ગુનામાં રમેશ રાવળને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

ત્યારબાદ છેલ્લા 17 વર્ષથી આરોપી પતી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો. બાદમાં તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. પરંતુ મુદત પૂર્ણ થઈ હોવા છંતા પાછો જેલમાં પરત ફર્યો ન હતો. આથી લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવની ટીમે રમેશ રાવળને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

જેનાં પગલે આરોપી સાબરકાઠાંના મહાદેવપૂરા ખાતે છુપાઈને રહી રહ્યો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમે રમેશ રાવળને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેને પાછો મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...