તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે લગ્ન ભારે પડ્યા:છ વર્ષથી નોકરીનાં બહાને અલગ રહેતો પતિ બીજી પત્નીને લઈને ઘરે પરત ફર્યો, પેથાપુર પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ પત્ની તથા ચાર દીકરીઓને તરછોડી દેતા ફરિયાદ કરાઇ

ગાંધીનગરના પેથાપુર ગામથી નોકરીનાં બહાને ઘરથી અલગ રહેતો પતિ છ વર્ષ પછી અચાનક તેની બીજી પત્નીને લઈને પરત ઘરે આવ્યો હતો. જેમાં પ્રથમ પત્ની અને ચાર દીકરીઓને તરછોડી દેવા સબબ પેથાંપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

લગ્નજીવનથી ચંદ્રિકાએ ચાર દીકરીઓને જન્મ આપ્યો

ગાંધીનગરના માણસામાં આવેલ રીદ્રોલ મુકામે રહેતા ગોવિંદ ઠાકોરની દીકરી ચંદ્રિકાના લગ્ન વર્ષ 2008માં પેથાપુર તરપોજ વાસમાં રહેતા શૈલેષ પ્રવીણજી ઠાકોર સાથે થયા હતા. આ લગ્નજીવનથી ચંદ્રિકાએ ચાર દીકરીઓને જન્મ આપ્યો હતો. ત્યારે શૈલેષ ડ્રાઇવિંગ કરતો હતો. બાદમાં બન્ને પતિ પત્ની ચાર દીકરીઓ સાથે વડ સાસુ ચતુરબેન સાથે રહેવા લાગ્યા હતા.

હું મારી બીજી પત્ની અને બાળકને લઈને ઘરે આવી રહ્યો છું.

બાદમાં વર્ષ 2014માં શૈલેષ નોકરી માટે જવાનું કહીને ઘર છોડીને નીકળી ગયો હતો. જેથી ચંદ્રિકા તેની દીકરીઓને લઈને પિયર રહેવા માટે ગઈ હતી. બાદમાં છ વર્ષ પછી વર્ષ 2020 માં શૈલેષે અચાનક જ ચંદ્રિકાને ફોન કરીને કહેલું કે હું મારી બીજી પત્ની અને બાળકને લઈને ઘરે આવી રહ્યો છું. આ સાંભળી ચંદ્રિકાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એક તરફ છ વર્ષથી પતિ પરત ફરે એની કાગડોળે ચંદ્રિકા રાહ જોતી હતી. અને તેનો પતિ શૈલેષ બીજી પત્ની હિના અને બાળક લઈને ઘરે આવવાનું કહી રહ્યો હતો. જેનો ચંદ્રિકાએ વિરોધ કરતા વડ સાસુ અને મોટા બાપા પ્રધાનજી ઠાકોર સહિતના લોકોએ હાલમાં તેઓને રહેવા દેવા ચંદ્રિકાને સમજાવી હતી.

પેથાપુરમાં પગ મૂકીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી

ત્યારબાદ શૈલેશ બન્ને પત્નીઓ સાથે પેથાંપુર રહેવા લાગ્યો હતો. પાંચ દિવસ પછી ચંદ્રિકાએ તેનાં પતિને બીજે રહેવા જવાનું કહેતા શૈલેષ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને ચંદ્રિકા સાથે મારઝૂડ કરીને બીજી પત્ની હિના તેમજ બાળકને લઈ તેની ફોઈ રંજનનાં ઘરે રહેવા જતો રહ્યો હતો. મજૂરી કામ કરી ગુજરાન ચલાવતી ચંદ્રિકાને દવા માટે પૈસાની જરૂર પડતાં તેણે શૈલેષને ફોન કર્યો હતો. જેથી શૈલેષે કહેલું કે તારે પુત્ર અવતરતો નથી, તું મને ગમતી નથી, ના છુટકે તને રાખવી પડી છે. તેમ કહી પેથાંપુરમાં પગ મૂકીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે ચંદ્રિકાએ પેથાંપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતાં પોલીસે શૈલેષ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...