તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જવાબદારી:પત્ની રિસામણે જતા પતિએ ઝેરી દવા મિલાવી બે બાળકો સાથે ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા દોઢ મહિનાથી નાના બે દિકરા તેમજ કામકાજના કારણે ગોવિંદ નાસીપાસ થઇ ગયો હતો
  • ઘરની, બાળકોની અને કામની જબાવદારીથી કંટાળી યુવાને ખોટું પગલુ ભર્યુ

ગાંધીનગરમાં શ્રમ જીવી યુવાનની પત્ની રિસાઈને દોઢ માસથી પિયરમાં રહેવા જતી રહેતા ઘરનું કામકાજ તેમજ નાના બાળકોની સારસંભાળથી કંટાળેલા પતિએ દૂધમાં ઝેરી દવા મિલાવીને બન્ને પુત્રોને પીવડાવી દીધા પછી પોતે પણ દવા ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કરતા સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, ગાંધીનગરના સેક્ટર-13 કાચા છાપરામાં રહેતા ગોવિંદ ઉર્ફે વિક્રમ ભાવુભાઈ સોલંકી (વાલ્મીકી)ના લગ્ન આઠ વર્ષ અગાઉ અમદાવાદના ઠક્કર નગર કેવડા જીની ચાલીમાં રહેતા શંકરભાઈ નારાયણભાઈ વાલ્મિકીની દીકરી સાથે સાથે થયા હતા. આ લગ્નજીવનથી પરિણીતાએ બે દીકરા રાજ (ઉં 6), દેવરાજ( ઉ. 4) તેમજ દીકરી ભાવના (ઉ 5 માસ) ને જન્મ આપ્યો હતો.

છૂટક મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા ગોવિંદના મોટા ભાઈ પ્રભુભાઈ પણ તેના છાપરાથી થોડેક દૂર તેના પરિવાર સાથે રહે છે. લગ્ન થયા બાદ પરિણીતા ગોવિંદને પિયરમાં જવાનું કહીને અવારનવાર જતી રહેતી હતી. જે લાંબો સમય પિયરમાં રોકાઈ રહેતી હોવાથી સંતાનોની સંપૂર્ણ જવાબદારી ગોવિંદના માથે આવી જતી હતી.

દોઢ મહિના અગાઉ પણ પરિણીતા તેની પાંચ માસની દીકરી ભાવનાને લઈને પિયર જતી રહી હતી. જેનાં કારણે બે દિકરા રાજ અને દેવરાજની સારસંભાળની જવાબદારી ગોવિંદના માથે આવી ગઈ હતી. તે પત્નીને અવારનવાર પરત આવી જવા કહેતો હતો પરંતુ કોઈ કારણોસર પરિણીતા ગાંધીનગર આવતી ન હતી. છેલ્લા દોઢ મહિનાથી નાના બે દિકરા તેમજ કામકાજના કારણે ગોવિંદ નાસીપાસ થઇ ગયો હતો.

ગઈકાલે ગોવિંદ કચરો વીણવા માટે ગયો હતો તે વખતે તેને કચરામાંથી ઝેરી દવાની બોટલ મળી આવી હતી. જે પોતાની પાસે રાખી લઈ સાંજે ઘરે ગયો હતો. ઘરે પહોંચતા રાજ અને દેવરાજને ભૂખ લાગી હોવાથી ગોવિંદે દૂધમાં ઝેરી દવા મિલાવીને બન્નેને આપી દીધું હતું અને પોતે પણ દૂધ ગટગટાવી ગયો હતો. થોડી વાર પછી ત્રણેયને દવાની અસર થતાં બેભાન થઈ ગયા હતા. તે વખતે તેના કાકા ત્યાં પહોંચી ગયાં હતાં અને ત્રણેયને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા.

સિવિલમાં ફરજ પરના તબીબે ત્રણેયને ચકાસ્યા હતા જેમાં રાજ અને દેવરાજની સ્થિતિ નાજુક જણાઈ આવતાં તેમને સિવિલના પી.આઈ સી યુ વોર્ડમાં દાખલ કર્યા હતા જ્યારે ગોવિંદને તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં તેનો મોટો ભાઈ પ્રભુભાઈ પણ ગાંધીનગર સિવિલ દોડી આવ્યો હતો. બીજી તરફ આ ઘટના અંગે પરિણીતા ને જાણ કરવામાં આવતા તે પણ સિવિલ દોડી આવી હતી. આ અંગે સેકટર-7 પોલીસે ગોવિંદ વિરુદ્ધ આઇપીસી કલમ 307 અને 328 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...