તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવૈધ સંબંધ ભારે પડ્યો:પતિએ પત્નીના પ્રેમીનું મર્ડર કર્યું, બીજો પ્રેમી અમદાવાદ લઈ આવી તરછોડીને જતો રહેતાં યુવતી કફોડી હાલતમાં મુકાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીને હાલમાં અમદાવાદના આશ્રય ગૃહમાં આશરો અપાવામાં આવ્યો
  • પત્નીએ જ પોલીસ સમક્ષ સાક્ષી બનીને પતિને જેલમાં ધકેલી દીધો

આંધ્રપ્રદેશમાં અવૈધ સંબંધોના કારણે પતિએ મિત્રનું મર્ડર કરી નાંખતા પત્નીએ જ પોલીસ સમક્ષ સાક્ષી બનીને પતિને જેલમાં ધકેલી દીધો હતો. બાદમાં આંધ્રપ્રદેશથી અમદાવાદ આવેલી યુવતીને પ્રેમી પણ તરછોડીને જતો રહેતાં તેને લાચાર સ્થિતિમાં મુકાઈ જવાનો વખત આવ્યો છે.

ધીમે ધીમે સબિનાને તેના પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું

આંધ્રપ્રદેશ ખાતે રહેતી સબિનાના લગ્ન રીતરિવાજ મુજબ ફિરોઝ સાથે થયા હતા. લગ્ન પછી સબિના સાસરીમાં રહેવા જતી રહી હતી. બન્નેનો ઘરસંસાર સુખ મય રીતે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ફિરોઝનો મિત્ર અવારનવાર ઘરે આવતો જતો હતો. ધીમે ધીમે સબિનાને તેના પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું હતું. અને બંન્ને ગાઢ પ્રેમમાં પડી ગયા હતા.

આવેશમાં આવીને ફિરોઝે તેના મિત્રનું મર્ડર કરી નાખ્યું

કામ અર્થે ફિરોઝ આખો દિવસ બહાર રહેતો જેનો લાભ ઉઠાવીને તેનો મિત્ર ઘરે આવીને સબિના સાથે પ્રણયના ફાગ ખેલતો રહેતો હતો. આ વાતની ધીમે ધીમે મહોલ્લામાં ચર્ચાઓ થવા લાગતા ફિરોઝે તેના મિત્રને ઘરે આવતો બંધ કરાવી દઇ સબિનાને પણ અવૈધ સંબંધોનો અંત લાવી દેવા સૂચના આપી હતી. ત્યારે થોડા દિવસો રાબેતા મુજબ ચાલ્યા પછી એક દિવસ સબિનાએ તેના પ્રેમીને ઘરે બોલાવી લીધો હતો. અને બન્ને ફરી વખત પ્રણયનાં ફાગ ખેલી રહ્યાં હતા. તે દરમિયાન ફિરોઝ ઘરે આવી ગયો હતો. અને બન્નેને કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. અને આવેશમાં આવીને ફિરોઝે તેના મિત્રનું મર્ડર કરી નાખ્યું હતું.

સબિનાનાં કારણે હત્યાકાંડ સર્જાયો

આ બાબતે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો દાખલ થયાં બાદ સબિનાએ જ તેના પતિએ પોતાની નજર સામે મર્ડર કર્યું હોવાનું નિવેદન પોલીસને આપ્યું હતું. જેના કારણે પોલીસ ફિરોઝને ઝડપી લઈ જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ સબિનાનાં કારણે હત્યાકાંડ સર્જાયો હોવાનું બહાર આવતા સાસરી અને પિયર પક્ષે તેની સાથેના સંબંધો તોડી નાખી તેને ઘરમાંથી કાઢી મુકી હતી.

બે મહિનાથી આલમ નામના યુવાન સાથે આંખો મળી ગઈ

બાદમાં સબિના અલગ રહેવા લાગી હતી. ત્યારે છેલ્લા બે મહિનાથી આલમ નામના યુવાન સાથે તેની આંખો મળી ગઈ હતી. આલમ સાથે પણ પ્રણય ફાગ ખેલ્યા પછી બન્નેએ સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ આંધ્રપ્રદેશમાં બન્નેને રહેવું મુશ્કેલ હોવાથી આલમ તેને લઈને ગઈકાલે અમદાવાદ લઈને આવ્યો હતો. અમદાવાદ રેલવે સ્ટેશન સબિનાને બેસાડી આલમ જમવાનું લેવાનું કહી ત્યાંથી નીકળી ગયો હતો. કલાકો સુધી ભૂખી તરસી સબિના રેલવે સ્ટેશન આલમની કલાકો સુધી કાગડોળે રાહ જોઈને બેસી રહી હતી. પણ આલમ તેને તરછોડી ને પલાયન થઈ ચૂક્યો હતો.

સબિના મધરાત્રે રેલવે સ્ટેશનથી નીકળી ગઈ

અમદાવાદ રેલવે સ્ટેશન પર સાંજ સુધી બેસી રહેલી સબિનાને જોઈને એક ભિક્ષુક મહિલા તેની પાસે આવી પહોંચી હતી. જેને સબિનાએ સઘળી વાત કરતા ભિક્ષુક મહિલાએ તેને પહેલા તો પેટ ભરીને જમાડી હતી. અને પોતાની સાથે રાત રોકાઈ જવાની પણ તૈયારી દર્શાવી હતી. પરંતુ સબિના મધરાત્રે રેલવે સ્ટેશનથી નીકળી ગઈ હતી. જે થોડેક દૂર ચાલતી ચાલતી પહોંચીને થાકી જતા રોડ સાઈડમાં બેસી ગઈ હતી.

યુવતીને અમદાવાદના આશ્રય ગૃહમાં આશરો આપવામાં આવ્યો

ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનને રાત્રે દોઢ વાગે જાણ કરતા હેલ્પ લાઇનની ટીમ તાબડતોબ સબિના પાસે આવી પહોંચી હતી. ત્યારે સબિનાએ પોતાની સાથે અત્યાર સુધીમાં ઘટેલી ઘટનાનું વર્ણન કરતાં અભયમ ટીમ પણ અવાક થઈ ગઈ હતી. અમદાવાદના રસ્તાઓથી અજાણ સબિના પાસે આંધ્રપ્રદેશ પરત જવાના પૈસા પણ ન હોવાના કારણે તે લાચાર સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. જેના પગલે મહિલા હેલ્પલાઇનની ટીમે તેનું કાઉન્સિલિંગ કરીને હાલમાં અમદાવાદના આશ્રય ગૃહમાં આશરો અપાવીને રાહતનો દમ લીધો હતો. (પાત્રોનાં નામ કાલ્પનિક છે)

અન્ય સમાચારો પણ છે...