ગાંધીનગરના ઘ-5 વિસ્તારમાં આવેલી શૈક્ષણિક એકેડેમીમાં ક્લાસિસ કરતી પરિણીતાને દહેજ માટે પતિ તેમજ સાસુ સસરાને દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ આપવામાં કોઈ કસર બાકી નહીં રાખી જીવન નર્ક બનાવી દેતા આખરે મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરની 24 વર્ષીય યુવતીનાં લગ્ન ડિસેમ્બર-2018 ના રોજ ઈસનપુર મોટા ગામના યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન પછી સાસરીમાં એક વર્ષ રહ્યા પછી દંપતી ધંધાર્થે વડોદરા ગયું હતું. પરંતુ પતિ ધંધામાં ધ્યાન આપતો ન હોવાથી નુકસાની આવતાં પરત સાસરીમાં રહેવા માટે આવી ગયા હતા.
પરત આવતાં સાસુ-સસરા મહેણાં ટોણાં મારીને પુત્રવધૂને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. આ તરફ પતિ પણ નશાના રવાડે ચડી જઈને તેણીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. સાસરીમાં રોજ નાની નાની બાબતોમાં ઘરકંકાસ થતાં દંપતી અરજણપૂરા રહેવા ગયા હતા. અહીં પણ પતિ કોઈ કામધંધો કરતો ન હોવાથી પિયરમાંથી રૂપિયા લાવીને ઘર ચલાવવામાં આવતું હતું. તેમજ પતિ રોજ મારઝૂડ કરી ત્રાસ આપતો હોવાથી તેઓ કુડાસણ રહેવા આવ્યા હતા.
કુડાસણમાં પાન પાર્લર શરૂ કરવા માટે પણ પત્ની પિયરમાંથી પૈસા લઈ આવી હતી, પરંતુ પતિ નશાની હાલતમાં શારીરિક માનસિક ત્રાસ આપી ચારિત્ર્ય ઉપર શંકા કરવા લાગ્યો હતો. જેથી યુવતીને નોકરી છોડી દેવાની નોબત આવી હતી. દંપતી વચ્ચેના ઝગડા રોજ બરોજના થઈ જતાં તેણીએ ચારેક વખત સમાધાન કરીને ઘર સંસાર તૂટતો બચાવી લીધો હતો. જોકે વાર તહેવારે સાસરીમાં જવાનું થયા એટલે સાસુ સસરાનાં કહેવાથી પતિ મારઝૂડ દહેજની માંગણી કરતો હતો.
પરિણીતાએ પિયરમાંથી સાડા ત્રણ લાખ લઈ આવીને પતિને આપ્યા હતા, પરંતુ દહેજની લાલચમાં પતિ અને સાસુ સસરાએ શારીરિક માનસિક ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું. આટલું ઓછું હોય એમ ઘ - 5 ખાતેની એકેડમીમાં જઈને પણ પતિએ એક્ટિવા અને મોબાઈલ લઈને માથાકૂટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આખરે પરિણીતાએ હારી થાકીને મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.