સરાહનીય કામગીરી:પતિએ બીજી સ્ત્રીના કારણે ઘરમાંથી પત્નીને કાઢી મૂકી, ગાંધીનગરમાં અભયમની ટીમે ઊંડાણ પૂર્વક તપાસ કરતાં મહિલા અસ્થિર મગજની નીકળી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ એસ.ટી સ્ટેન્ડ પર પત્નીને બેસાડી પતિ પાણી લેવા માટે ગયો
  • પત્ની લાપતા થઈ જતાં પતિ ડુંગરપૂર રવાના થઈ ગયો

ગાંધીનગરના ઈસનપુર વિસ્તારમાંથી મળી આવેલી પરિણીતાએ મનઘડત કહાની ઉભી કરીને મદદે પહોંચેલી અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમને પણ ગેરમાર્ગે દોરી હતી. પતિએ બીજી સ્ત્રીના કારણે તેણીને તરછોડી દીધાની વાત ગળે ન ઉતરતા અભયમની ટીમે કુનેહ પૂર્વક તપાસ કરતાં હકીકતમાં તેની માનસિક સ્થિતિ સારી નહીં હોવાથી અમદાવાદ એસ.ટી ડેપોથી પોતે જ પતિને એકલો મૂકીને ગાંધીનગર આવી ગઈ હોવાનું ખુલવા પામ્યું હતું.

ગાંધીનગરનાં ઈસનપુર વિસ્તારમાં એક અજાણી સ્ત્રી સતત રડી રહી હોવાની જાણ થતાં જ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ તાકીદે સ્થળ પર દોડી ગઈ હતી. જ્યાં પહોંચીને ટીમે મહિલાની જરૂરી પૂછપરછ શરૂ કરી હતી. પરંતુ ઘણીવાર સુધી તે રડ્યા જ કરતી હતી. બાદમાં મહિલાને સાંત્વના આપી તેની સાથે મિત્રતા કેળવી અભયમની ટીમે ફરી પૂછતાંછ શરૂ કરી હતી.

મહિલાએ હીબકાં લેતા લેતા કહેલું કે, તેના પતિને અન્ય સ્ત્રી સાથે અફેર ચાલી રહ્યું છે. જેને તે ઘરે પણ લઈ આવે છે. આ બાબતે ઝગડા થતાં રહેતા હોવાથી પતિ તેને વારંવાર ઘરમાંથી નીકળી જવા માટે કહ્યા કરતો હતો. જેથી કરીને પતિના ઘરનો ત્યાગ કરી દઈ ગાંધીનગર આવી ગઈ છે. એ દરમિયાન ટીમને માલુમ પડે છે કે તેની પાસે એક મોબાઈલ ફોન પણ છે. જે ફોન માંગતા શરૂમાં મહિલા ઘસીને ના પાડી દે છે. જેથી તેની વર્તણૂક અને કહાની પર અભયમની ટીમને શંકાસ્પદ જણાઈ આવે છે.

બાદમાં યુક્તિ પૂર્વક મોબાઇલ ફોનમાંથી એક નંબર શોધી કાઢી તેના પર ટીમ દ્વારા ફોન કરવામાં આવે છે. મોબાઈલ પર જેવી વાત શરૂ થાય છે કે સામેથી વાળી વ્યક્તિ મહિલાનાં પતિ તરીકેની ઓળખાણ આપે છે. અને કહે છે આપનો ખુબ ખુબ આભાર.. હું ડુંગરપૂરમાં છું અને પત્નીને લેવા માટે આવું છું. ત્યારે અભયમની ટીમને રાહત થાય છે.

ડુંગરપૂર ગાંધીનગર આવતાં તેને ચાર કલાક જેટલો સમય વીતી જવાનો હતો. ત્યારે સમય સંજોગો ને અનુરૂપ 181ની ટીમ મહિલાને લઈને બેસી રહે છે. આ દરમિયાન પણ મહિલા તેના પતિએ પરસ્ત્રી સાથેના આડા સંબંધોની કથા વર્ણવતી રહે છે. સમય જતાં તેનો પતિ ગાંધીનગર આવી પહોંચે છે. જેની પુછપરછમાં જાણવા મળે છે કે દંપતી મૂળ ડુંગરપૂરનું વતની છે. અને હાલમાં અમદાવાદ જશોદાનગરમાં રહે છે.

વતનમાં માતાજીના દીવા કરવાના હોવાથી બન્ને ડુંગરપૂર જવા માટે અમદાવાદ ગીતા મંદિર એસ.ટી સ્ટેન્ડ પહોંચ્યા હતા. જ્યાં એક બાકડે બેસી બસની રાહ જોઈ રહ્યા હતા. એ વખતે પત્નીને પાણીની તરસ લાગતા પોતે પાણી લેવામાં માટે ગયો હતો. અને પાણી લઈને પરત આવ્યો ત્યારે તેની પત્ની ગુમ થઈ ગઈ હતી. કલાકો સુધી શોધખોળ કરવા છતાં તે નહીં મળી આવતા તે ડુંગરપૂર જતો રહ્યો હતો.

આખરે 181 અભયમની ટીમને ખ્યાલ આવી જાય છે કે મહિલાએ અત્યાર સુધી વર્ણવેલ કહાની મનઘડત હતી અને તેની માનસિક સ્થિતિ પણ સારી નથી. જેથી તેના પતિને સારા દવાખાનામાં તેણીની સારવાર કરાવવા માટે સમજાવી તેની સાથે મોકલી આપી સૌ કોઇએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...