ઉમેદવાર જ ગેરહાજર:ગાંધીનગરના રાંદેસણમાં ગૃહમંત્રી અને મેયરે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, ખુદ દક્ષિણ બેઠકના ઉમેદવાર જોવા ન મળ્યાં

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે બે દિવસ અગાઉ નાના ચીલોડા ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અલ્પેશ ઠાકોર "ગો બેક" ના નારા લાગ્યા હતા. આ વચ્ચે ગઈકાલે રાંદેસણમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મેયર હિતેશ મકવાણા દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી સભા યોજવામાં આવી હતી. જોકે, જે ઉમેદવારનાં મધ્યસ્થ કાર્યાલય માટે બધા એકઠા થયા એજ ઉમેદવાર અલ્પેશ ઠાકોર ગેરહાજર રહેતાં કાર્યકરોમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

ભાજપે અલ્પેશ ઠાકોરને દક્ષિણ બેઠક પર ટિકિટ આપી
ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી તરીકે ઊભરી આવેલા અલ્પેશ ઠાકોર વર્ષ 2017માં રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી વિજયી બન્યા હતા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ કરી 2019ની પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઝુકાવ્યું હતું. આ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી ત્યારે ભાજપે અલ્પેશ ઠાકોરને સલામત બેઠક આપવા માટે ગાંધીનગર દક્ષિણ વિસ્તાર પર પસંદગી ઉતારી છે.

ચિલોડાના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે અલ્પેશ ઠાકોરનો વિરોધ થયો હતો
અહીં ભાજપના શંભુજી ઠાકોર છેલ્લી બે ટર્મથી વિજયી બની રહ્યા છે. અલ્પેશ ઠાકોરનું નામ જાહેર થયું તે પહેલાં ક્ષત્રિય ઠાકોર સમાજના સ્થાનિક અગ્રણીઓનાં ટિકિટ માટેના પ્રયાસો નિષ્ફળ રહેતા આવા અગ્રણીઓની નારાજગીને નિષ્ક્રિયતાના સ્વરૂપમાં પરિણમી છે. જેની અસર શુક્રવારે રાત્રે નાના ચિલોડા નજીક કાર્યાલયનું ઉદ્ઘાટન વેળાએ જોવા મળી હતી. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અલ્પેશ ઠાકોરની એન્ટ્રી થાય છે કે નજીકમાંથી ટોળુ દોડી આવ્યું હતું અને કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ગો બેકના સૂત્રો સૂત્રોચારો કર્યા હતા. જેનાં પગલે અલ્પેશ ઠાકોર અને એમના સમર્થકોને કાર્યક્રમ વહેલો પૂરો કરી દેવો પડ્યો હતો.

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી ઉદ્ઘાટન પ્રસંગે આવી શક્યા નહોતા
બીજી તરફ ગઈકાલે રાંદેસણ ખાતે પણ અલ્પેશ ઠાકોરના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવી કે જેઓ સુરતની મજુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર છે. તેઓ પોતાનો ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે અલ્પેશ ઠાકોરનાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ સિવાય સાંસદ હસમુખ પટેલ, દક્ષિણ વિધાનસભાના પ્રભારી જયશ્રીબેન પટેલ, મેયર હિતેશભાઈ મકવાણા, હોદ્દેદારો, નગર સેવકો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ જેનાં માટે સૌ કોઈ એકઠા થયા હતા એવા દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ગેરહાજર રહેતાં કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો હતો. આ અંગે અલ્પેશ ઠાકોરનાં મીડિયા સેલ દ્વારા જણાવાયું હતું કે, અલ્પેશ ઠાકોર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવી શક્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે...