બ્રાઝિલનો શુટ ગાંધીનગરમાં:જીવતો વીજ વાયર પકડો તોય કરંટ ન લાગે, બે લાખના ખર્ચે તૈયાર થયેલો 'કન્ડક્ટિવ શુટ' આકર્ષણનું કેન્દ્ર બન્યો

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવર ગ્રીડ કંપનીના સ્ટોલ ઉપર મુકવામાં આવેલો શૂટ બ્રાઝિલમાં બે લાખના ખર્ચે તૈયાર થયો છે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આઝાદીના અમૃત મહોત્સવ- સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા 'રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસો' અંગેનું ત્રિદિવસીય પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં પાવર ગ્રીડ કંપનીના સ્ટોલ પર મુલાકાતીઓને આકર્ષતો 'કન્ડક્ટિવ શુટ' ઘણો આકર્ષિત કરી રહ્યો છે. બ્રાઝીલમાં બનેલા આશરે રૂપિયા બે લાખની કિંમતના આ શુટમાં શુઝની કિંમત જ 40 હજારની છે. જેની વિશેષતા એ છે કે શૂટ પહેર્યા પછી ગમે તેવા જીવંત વાયરને પણ પકડી લેવામાં આવે તો પણ કરંટ લાગતો નથી.

શુટ મહાત્મા મંદિરે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો
ભારત સરકારની પાવરગ્રીડ કંપની દેશમાં વિવિધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં હેવી પાવર સપ્લાય માટેની વ્યવસ્થાનું કામકાજ સંભાળે છે. આ કંપની દ્વારા તેના ગ્રાહકોને વીજ લાઇનમાં સર્જાતી ખામીઓ સહિતની કોઇપણ સર્વિસ ખલેલ રહિત રીતે મળી રહે તે સાથે લાઇનમેનની સુરક્ષા પણ જળવાય તે હેતુથી બ્રાઝીલની "ટેરેક્સ રીટ્ઝ" કંપની દ્વારા બનાવાયેલા આશરે રૂપિયા બે લાખની કિંમતના 'કન્ડક્ટિવ શુટ' વસાવ્યાં છે. જે પૈકી એક શુટ મહાત્મા મંદિરે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે.

શુટમાં સ્ટલેનલેસ સ્ટીલના માઇક્રો ફાઇબરનો ઉપયોગ કરાયો
આ વિશિષ્ટ પ્રકારના શૂટએ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ કન્ડક્ટિવ શુટની ખાસિયત એ છે કે તેમાં સ્ટલેનલેસ સ્ટીલના માઇક્રો ફાઇબરનો ઉપયોગ કરાયો છે. જેના થકી વીજ કરંટ શુટ પહેરનાર પરથી પસાર થઇ જાય છે. પરંતુ તેના શરીરને કરંટ લાગતો નથી તેવી રચના છે. પાવર ગ્રીડ કંપની દ્વારા આ શુટનો 765 કિલો વોટ કરંટ ધરાવતી વીજ લાઇન પર સફળ ઉપયોગ કરાયો છે.

લાઇનમેન ચાલુ લાઇનમાં કામ કરી શકે
આ કન્ડક્ટિવ શુટ પહેરીને વીજ લાઇનના ફોલ્ટ રીપેર કરવા માટે પાવર કટ કરવો પડતો નથી કેમ કે, લાઇનમેન ચાલુ લાઇનમાં જ કામ કરી શકે છે. તેથી કંપનીના ગ્રાહકોને ખલેલરહિત મરામત સેવાઓ મળે છે. કન્ડક્ટિવ શુટમાં ઉપયોગમાં લેવામાં આવતાં શુઝની કિંમત જ રૂપિયા 40 હજાર જેટલી છે. તેની સાથે સમગ્ર શુટની કિંમત રૂપિયા બે લાખ સુધી પંહોંચે છે. આ કન્ડક્ટિવ શુટ મહાત્મા મંદિર ખાતે મુલાકાતીઓને આકર્ષી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે આ પ્રદર્શનનો અંતિમ દિવસ છે.

અન્ય સમાચારો પણ છે...