• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Hitesh Makwana Elected As 5th Mayor Of Gandhinagar, Day, Premal Singh Gol Elected As Mayor, Jaswant Patel Elected As Chairman Of Standing Committee

તડ જોડ વગરના પ્રથમ નાગરિક:ગાંધીનગરના 5મા મેયર પદે હિતેશ મકવાણા, ડે, મેયર પદે પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જસવંત પટેલની વરણી કરાઇ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના મેયર પદે હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પદે પ્રેમલસિંહ ગોલ અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે જસંવતભાઈ પટેલની વરણી થઈ છે. પાટનગરના પાંચમા મેયર પદે બીરાજમાન થયેલા હિતેશ મકવાણા ભાજપમાં ચૂંટાયેલા હોય તેવા બીજા મેયર છે. જોકે ભાજપની પૂર્ણ બહુમતી સાથેની જીત બાદના પહેલાં મેયર ગણી શકાય. ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ એવા હિતેશ મકવાણાના પિતા પૂનમભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ તરીકે જ્યારે માતા જાખોરા ગામના સરપંચ રહી ચૂક્યા છે.

ગુરૂવારે કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપ પક્ષ દ્વારા મેયર પદ માટે હિતેશ મકવાણા નામનો મેન્ડેટ આપ્યો હતો. જે બાદ આમ આદમી પાર્ટીમાંથી જીતેલા એકમાત્ર કોર્પોરેટર તુષાર પરીખે ફોર્મ ભર્યું હતું. જેને કોંગ્રેસના બે કોર્પોરેટરે ટેકો આપીને મત પણ આપ્યા હતા.

જેની સામે હિતેશ મકવાણાના પક્ષમાં ભાજપના તમામ કોર્પોરેટરે મત આપતા હિતેશ મકવાણાના મેયર જાહેર કરાયા હતા. ગાંધીનગર કોર્પોરેશનની સ્થાપના બાદ હિતેશ મકવાણા શહેરના પાંચમા મેયર બન્યા છે. ત્યારે પ્રથમ મેયર કોંગ્રેસના હતા બાકીના ત્રણ મેયર ભાજપે તડજોડ અને માથાકૂટ વચ્ચે બેસાડીને સત્તા મેળવી હતી. જોકે આ વખતે પ્રથમવાર ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે કોઈ માથાકૂટ વગર શાનથી મેયરને બિરાજમાન કર્યા છે.

12માંથી ચેરમેન સહિત 7 સભ્ય સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં પટેલ પાવર
ગાંધીનગર મનપામાં સ્ટેન્ડિંગ કમિટિમાં જસવંતલાલ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, સોનાલીબેન પટેલ, સોનલબા વાઘેલા, દિપ્તીબેન મનીષકુમાર પટેલ, દક્ષાબેન મકવાણા, કિંજલકુમાર પટેલ, શૈલેષકુમાર પટેલ, રાજેશકુમાર પટેલ, સંકેત પંચાસરા, પદમસિંહ ચૌહાણ, અંજનાબેન મહેતાની ,મેયર પદે હિતેશ મકવાણાની નિમણુંક થઈ છે. સ્ટેન્ડિંગના 12માંથી 7 સભ્યો પટેલ મુકાયા છે.

તો સ્ટેન્ડિંગ ચેરમેન પદે પણ જસવંત પટેલ મુકાયા છે. અન્ય સમાજની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટિમાં 2 ક્ષત્રિય, 1 ઠાકોર, 1 બ્રાહ્મણ, 1 પ્રજાપતિ કોર્પોરેટનો સમાવેશ કરાયો છે ડે.મેયર પદે ક્ષત્રિય સમાજના પ્રેમલસિંહ ગોલજ્યારે પક્ષના નેતા તરીકે ઠાકોર સમાજના પારુલબેન ઠાકોરને નિમણુંક અપાઈ છે. તો નાયી સમાજના તેજલબેનને દંડક બનાવાયા છે.

મેયરનો વોર્ડ બદલાયો: મનપાનાગ્રામ્ય વિસ્તારને પદોની લ્હાણી, જૂના વિસ્તારોને ઠેંગો! મેયર મકવાણા વોર્ડ-8માંથી ચૂંટાયા છે
ગાંધીનગર મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, દંડક, પક્ષના નેતા નિમાયા છે. ત્યારે પદોની લ્હાણીમાં ભાજપને જીતાડવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર નવા વિસ્તારોને વધારે મહત્વ અપાયુ છે. શહેરના મેયર બનેલા હિતેશ મકવાણા વોર્ડ નં-8માંથી ચૂંટાયેલા છે જેમાં વાણસા હડમતીયા, સરગાસણ ટીપી-9, સેક્ટર-4, સેક્ટર-5, સરગાસણ ગામ, પોર, અંબાપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ડેપ્યુટી મેયર પ્રેમિલસિંહ ગોલ વાવોલ-કોલવડા જેવા વિસ્તાર ધરાવતા વોર્ડ નં-7માંથી ચૂંટાયેલા છે.

તો સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન બનેલા જસવંત પટેલ નવા વિસ્તારો ખોરજ, ભાટ, કોટેશ્વર, નભોઈ, અમિયાપુર, સુઘડ, ઝુંડાલ ગામવાળા વોર્ડ નં-11માં આવે છે. પક્ષના નેતા પદે મૂકાયેલા પારૂલબેન ઠાકોર પેથાપુરવાળા વોર્ડ નં-2માંથી ચૂંટાયેલા છે. જ્યારે દંડક એવા તેજલબેન નાયી સેક્ટર-1, 6, 7,8, રાંદેસણ, રાયસણ, કોબા, કુડાસણ ગામનો કેટલોક ભાગ ધરાવતા વોર્ડ નં-10માં આવે છે.

મેયર અને દંડકના બે વોર્ડમાં મળીને અંદાજે 6 જેટલા સેક્ટરો જૂના વિસ્તારના છે, જોકે આ વોર્ડના પરિણામોમાં નવા વિસ્તારો નિર્ણાયક બનનવા વિસ્તારોને પદોની લ્હાણી અને જૂના વિસ્તારોની ઠેંગો બનાવાયો હોવાની લાગણી ભાજપના જ કાર્યકરોમાં છે. સૌથી મહત્વની વાત મનપા વિસ્તારમાં અત્યાર સુધી ચારેય કોર્પોરેટર વોર્ડ નં-3માંથી જ આવ્યા છે. નવા સિમાંકન મુજબ અગાઉ વોર્ડ નં-3માં આવતા સેક્ટર-19, 21, 22, 23, 30 સહિતના વિસ્તારો હવે વોર્ડ નં-5માં આવ્યા છે.

મુદ્દાનો સવાલ: નવા મેયર ભીના અને સૂકા કચરા મુદ્દે પિતાની વાત માનશે? પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈએ કમિશનરને પત્ર લખી મુદ્દો સ્થગિત કરવા જણાવ્યુ હતું
પાટનગરના મેયર બનેલા હિતેશ મકવાણા સામે સૌથી પહેલો મુદ્દો ભીના-સુકા કચરાનો સામે આવશે. ભીના-સૂકા કચરાને લઈને 3 મહિનાનો સમય થઈ ગયો હોવા છતાં સ્થિતિ જૈસે થે છે. સમગ્ર મુદ્દાને લઈને બે મહિના પહેલાં જ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ પૂનમભાઈ મકવાણાએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી.

જેમાં તેઓએ લખ્યું છે કે ડસ્ટબીનની વ્યવસ્થા ઊભી કર્યા બાદ આ નિર્ણય કરવાની જરૂર હતી. જનતા ટેક્સના આપે છે તેમની નાની-નાની બાબતોની ચિંતા કરવી કોર્પોરેશનની ફરજમાં આવે છે. કચરો અલગ રાખવાનો નિર્ણય આવકારદાયક છે, પરંતુ આકસ્મિક લાગુ કરી દેવો ઉચિત નથી. જેથી નિર્ણય હાલ પુરતો સ્થગિત રાખવો જરૂરી હોવાની રજૂઆત તેઓએ તે સમયે કરી હતી. ત્યારે પિતાની આ રજૂઆત મુદ્દે નિર્ણય લેવાનો વારો મેયર બનેલાં પુત્ર એવા હિતેશ મકવાણાનો આવ્યો છે. ત્યારે હવે પિતાએ રજૂઆતમાં કરેલી વાત મેયર પુત્ર માનશે કે નહીં તે જોવાનું રહે છે.

નવા-જૂનાવિસ્તારોમાં વિકાસના કામોને અગ્રતા અપાશે: મેયર
મારા જેવા સામાન્ય અને નાના કાર્યકર્તાને મેયર પદ મળ્યું તે બદલ હું પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આભાર માનું છું. નવા-જૂના વિસ્તારોમાં વિકાસના કામોને પહેલાં મહત્વ આપવામાં આવશે. નવા વિસ્તારો ઝડપી વિકસે તેનું ધ્યાન રાખીશું, લોકોની જરૂરિયાતને ધ્યાન રાખીને દરેક પ્રકારના કામો રોડ-રસ્તા, ગટર, પાણી, શિક્ષણ સહિતના તમામ કામોને મહત્વ આપીશ.’> હિતેશ મકવાણા, મેયર ગાંધીનગર મનપા

કોમન મેન નહીં, પાવર પોલિટિક્સ ચાલ્યું
મેયર પદ અઢી વર્ષ માટે SC માટે અનામત હોઈ ભાજપમાંથી વોર્ડ-4ના ભરતભાઈ દિક્ષિત તથા વોર્ડ ં-8ના હિતેશકુમાર મકવાણા રેસમાં હતા. ભરત દિક્ષિત સામાન્ય પરિવારના જ્યારે હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર છે.​​​​​​

નવા મેયરની વરણી પહેલાં ચર્ચા ચાલતી હતી કે ભાજપ અમદાવાદ મનપાની રીત પ્રમાણે કોઈ કોમન મેનને મેયર પદ આપી શકે છે જોકે બીજી તરફ પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાનું પાવર પોલિટિક્સ ચાલશે તેવી ચર્ચાઓ ચાલતી હતી. આખરે ભાજપના નેતાઓના મનમાં કોમનમેન ન બેસતાં પાવર પોલિટિક્સ ચાલ્યું હતું. ગાંધીનગરના નવા મેયર તરીકે નિમાયેલા હિતેશ મકવાણા માત્ર ધો-10 પાસ છે પરંતુ તેમના પિતા પૂનમભાઈ મકવાણા સાથે રહીને તેઓ સત્તા, રાજકીય ગતિવિધિ, અધિકારીઓ સાથે કેવી રીતે કામ લેવું તે સહિતના પાઠ શીખેલા છે.

અન્ય સમાચારો પણ છે...