જામીનનો ફેંસલો:ગાંધીનગર પોલીસ ઉપર ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ કરનાર યુવરાજસિંહની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, આવતીકાલ સુધી ચૂકાદો મુલતવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • સરકાર પક્ષે જામીનનો વિરોધ કરવામાં આવ્યો
  • યુવરાજસિંહ પર અત્યાર સુધીમાં કોઈ ગંભીર કેસો ન હોવાથી જામીન આપવા જોઈએ- યુવરાજસિંહના વકીલ

વિદ્યા સહાયકોને સમર્થનમાં ગાંધીનગર એસપી ઓફિસ ખાતે જઈને પોલીસ ઉપર ગાડી ચઢાવી દઈ હત્યાના પ્રયાસના ગુનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને જેલવાસ ભોગવવાનો વખત આવ્યો છે. ત્યારે યુવરાજસિંહનાં વકીલે ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં મુકેલી જામીન અરજીની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલોને સાંભળીને ચુકાદો આવતીકાલ પર મુલતવી રાખ્યો છે.

સચિવાલયના ગેટ નંબર 4 પાસે 5 એપ્રિલે વિદ્યા સહાયક ઉમેદવારોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તે દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા. જોકે, પોલીસ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમની પાછળ યુવરાજસિંહ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે વિદ્યા સહાયક ઉમેદવારોને ઉશ્કેર્યા હોવાનો તેમની પર આરોપ છે. તેમજ પોલીસ ઉપર ગાડી ચઢાવી દઈ હત્યાનાં પ્રયાસનો પણ ગુનો નોંધી પોલીસે યુવરાજસિંહની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર ઘટના યુવરાજસિંહની ગાડીના સ્પાય કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જે પોલીસે પુરાવો પણ પોલીસને મળ્યો હતો.

બીજી તરફ આજે ગાંધીનગર કોર્ટમાં યુવરાજસિંહની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, લોકશાહીમાં આંદોલન કરવાની પદ્ધતિ હોય છે.એ પદ્ધતિને અનુસરીને આંદોલન કરવા જોઈએ.પોલીસ પર ગાડી ચડાવવાની કોશિશ કરવામાં આવી હતી જેથી 307 કલમ લગાવી છે. આ કેસમાં જામીન ન આપવી જોઈએ. અને જો જામીન આપવામાં આવે તો પણ અમદાવાદ અને ગાંધીનગરની હદમાં ન પ્રવેશવાની શરતના આધારે શરતી જામીન આપવા જોઈએ.

જ્યારે બચાવ પક્ષના વકીલ નીતિન ગાંધીએ દલીલ કરી હતી કે, યુવરાજસિંહ પર અત્યાર સુધીમાં કોઈ ગંભીર કેસો નથી. જેથી રેગ્યુલર જામીન આપવા જોઈએ. ગાડીથી કોઈને ઇજા થઇ નથી.યુવરાજ ખાલી મદદ કરવા ગયા હતા.તે આંદોલનમાં હતા નહીં.છોકરીને ચક્કર આવતા તે મદદ કરવા ગયા હતા.કોઈ પણ પોલીસને ઇજા થઇ નથી. આમ બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે જામીન અરજીનો ચુકાદો આવતીકાલ પર મુલતવી રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...