આરોગ્ય તંત્ર એલર્ટ:ગાંધીનગરમાં કોરોનાએ દસ્તક દેતાં આરોગ્ય તંત્ર એલર્ટ, રોજના બે હજાર RTPCR ટેસ્ટ કરવાનો આરોગ્ય તંત્રનો નિર્ણય

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પછી પાટનગરમાં કોરોનાએ દસ્તક દઈ દીધી
  • અત્યાર સુધીમાં આઠ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા

દિવાળી પછી ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોરોનાનાં કેસો સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જે અન્વયે અગમચેતી પગલાંનાં ભાગરૂપે આરટીપીસીઆર-એન્ટીજન ટેસ્ટની સંખ્યા ડબલ કરીને હવેથી રોજના બે હજાર ટેસ્ટ કરવાનો નિર્ણય જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં દિવાળી પછી કોરોનાએ દસ્તક દઈ દીધી છે. અત્યાર સુધીમાં આઠ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી ચૂક્યા છે. દિવાળીની ખરીદી અને તહેવારની ઉજવણીના ઉન્માદમાં કોવિડ ગાઈડલાઈનનો છેદ ઉડાવી દઈ લોકો કોરોનાની બીજી ઘાતકી લહેરને ભૂલીને બિન્દાસ હરીફરી રહ્યા હતા. ત્યારે હવે કોરોનાના કેસો સરકારી ચોપડે નોંધાવાની શરૂઆત થઈ ચૂકી છે.

ગ્રામ્ય વિસ્તારમાં દિવાળી પછી એકપણ કોરોનાનો કેસ સામે નહીં આવતાં જિલ્લા આરોગ્ય તંત્રએ રાહતનો અનુભવી છે. તેમ છતાં શહેર વિતરણની સ્થિતિ જોતાં જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરે નહીં તે માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનાં ભાગરૂપે આરટીપીસીઆર - એન્ટીજન ટેસ્ટની સંખ્યા ડબલ કરી દેવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

શરૂઆતમાં ટેસ્ટિંગનો ટાર્ગેટ ઉચ્ચકક્ષાએ થી આપવામાં આવતો હતો. જે મુજબ જ ટેસ્ટિંગ કરવામાં આવતા હતા. જો કે ત્રીજી લહેરનાં વાવડ વચ્ચે સરકાર દ્વારા આ વખતે કેટલા આરટીપીસીઆર - એન્ટીજન ટેસ્ટ કરવા તેનો નિર્ણય જિલ્લા આરોગ્ય તંત્રને લેવા સ્વતંત્રતા આપી દેવાઈ છે. આથી ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગની સંખ્યા ડબલ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ કાબુમાં હતું એ દરમિયાન રોજના એક હજાર RTPCR ટેસ્ટ કરવામાં આવતાં હતાં. જેમાં હવેથી વધારો કરીને દૈનિક બે હજાર ટેસ્ટિંગ કરવામાં આવશે. એજ રીતે એન્ટીજન ટેસ્ટ ની સંખ્યા પણ ત્રણસોથી વધારી દઈને 500થી વધુ કરી દેવા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિતના આરોગ્ય કર્મચારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...