સેવા કેમ્પ યોજાયો:અંબાજીના પદયાત્રીઓ માટે 10 સ્થળે આરોગ્ય કેમ્પ શરૂ; મસાજ, આર્યુવેદિક ઉકાળો સહિતની આરોગ્ય લક્ષી સેવાઓ ઉપલબ્ધ રહેશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાદરવી પૂનમે અંબાજી પગપાળા જતા પદયાત્રીઓને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 10 જગ્યાએ આરોગ્ય કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. તેમાં મસાજ, આર્યુવેદિક ઉકાળો સહિતની આરોગ્ય લક્ષી સારવાર અને નિદાનની સેવા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

આદ્યશક્તિ જગત જનની માં અંબાજીના દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓને પગમાં દુ:ખાવો, ફોલ્લા પડી જવા, નસ ચડી જવી, ગોટલા બાઝી જવા, શરીરનો દુ:ખાવો, શરદી-ખાંસી અને તાવ સહિતની બિમારીના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવા પદયાત્રીઓને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ગૌત્તમ નાયક અને આરસીએચઓ ડો.અશોક વૈષ્ણવને સુચના આપી હતી. જેને પગલે જિલ્લાના દસ જગ્યાએ આરોગ્ય કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં પદયાત્રીઓને રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તબિબો સહિતની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપરાંત મા કાર્ડ કેમ્પ, કોવિડ વેક્સિનેશન બુથ અને આયુર્વેદિક કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે ઉભા કરાયેલા કેમ્પોમાં અત્યાર સુધીમાં કુલ-996 પદયાત્રીઓએ લાભ લીધો છે. તેમાં સંશમની વટીનો 240, આયુર્વેદ ઉકાળાનો 342, સ્વેદન(શેક)નો 123, આયુર્વેદ દવાનો 218 અને હોમીયોપેથી દવાનો 73 પદયાત્રીઓએ લાભ લીધો હોવાનું જિલ્લા આયુર્વેદિક અધિકારી આયુશ ભાવના પટેલે જણાવ્યું છે.

કઇ કઇ જગ્યાએ આરોગ્ય કેમ્પો
ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ ઉવારસદ, રણાસણ, મોટા ચિલોડા, ગિયોડ, જેઠીપુરા, વાસણિયા મહાદેવ, બાલવા ચોકડી, ધેંધુ ચોકડી, બોરૂ, ઘમાસણા અને વિહાર ખાતે પદયાત્રીઓની સેવામાં ખાસ આરોગ્ય કેમ્પ ઉભા કર્યા છે. તેની સાથે નાના ચિલોડા- ચંદ્વાલા અને કોબા થી ધેંધુ ચોકડી સુધી આરોગ્યની મોબાઇલ ટીમ સતત કાર્યરત રહેશે. તેની સાથે આયુર્વેદ શાખા દ્વારા મોટા ચિલોડા, વાસણિયા મહાદેવ, બોરૂ અને ઉવારસદ ખાતે આયુર્વેદ કેમ્પ ઉભા કર્યા છે.

આયુર્વેદિક, વેક્સીન અને PMJYના કેમ્પો
જિલ્લાના પદયાત્રીઓના માર્ગ ઉપર ઉભા કરાયેલા કેમ્પોમાં રસાસણ ચોકડી, મોટા ચિલોડા, વાસણીયા મહાદેવ ખાતે કોવિડ વેક્સીનેશન તથા પીએમજેવાયના કેમ્પો ઉભા કરાયા છે.

માર્ગના ગામોમાં પાણીમાં ક્લોરીનેશન કરાશે
પદયાત્રીવાળા માર્ગ ઉપર આવતા ગામોમાંથી પીવાનું પાણી કેમ્પોમાં ઉપયોગમાં લેવાય છે. આથી પદયાત્રીઓ પાણીજન્ય રોગચાળાનો ભોગ બને નહી તે માટે આવા ગામોમાં ક્લોરીનેશન પાણી મળે તેવું આયોજન કરાશે. કેમ્પો તેમજ ચા-નાસ્તાના સ્ટોલ પર ક્લોરીનેશન કરાશે.

અન્ય સમાચારો પણ છે...