પાટનગર શહેરમાં દબાણોનું દુષણ દરેક ચાર રસ્તા ઉપર જોવા મળી રહ્યુ છે. તે ઉપરાંત શાળા કોલેજો આગળ પણ લારી ગલ્લાના દબાણોનો રાફડો જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિટી વિસ્તારમાં તાજેતરમાં દબાણો દુર કરવામાં આવ્યા હતા. તેમ છતા દબાણોનો રાફડો ફરીથી ફાટી નિકળ્યો છે. ત્યારે દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સામે લારી ગલ્લો ચલાવતી મહિલાએ દાદાગીરી કરી હતી. કહ્યુ હતુ કે, તારાથી થાય તે કરી લે, જો સામાન ઉપાડયો છે તો જેસીબી મશીન આગળ સુઇ જઇશ. જેને લઇને મહિલા સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સરકારી કર્મચારીએ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો કે, ગત જુલાઇ મહિનામાં અમારી ટીમ દબાણ હટાવવા ગઇ હતી. તે સમયે ઘ0થી રીલાયન્સ સર્કલ આસપાસના દબાણો દુર કરવાની કામગીરી કરી હતી. રોડ સાઇડના બંને તરફના દબાણો દુર કરાયા હતા. કૃપા સાઉથ ઇન્ડીયન ફૂડ નામની બે કેબીન ફૂટપાથ ઉપર મુકવામા આવી હતી. જે રાહદારીઓને અડચણરૂપ જોવા મળતી હતી. જેને લઇને લારી ધારકને લારીનુ દબાણ હટાવવા જણાવ્યુ હતુ. પરંતુ દબાણ હટાવવામા આવ્યુ ન હતુ.
કોર્પોરેશનની ટીમ દારીને જેસીબી મશીનથી ઉંચકીને ટ્રકમાં મુકવા જતી હતી. તે સમયે શિવાનીબેન નામની મહિલા જેસીબી મશીન આગળ આવી ગઇ હતી અને કહેવા લાગી હતી કે, હુ અહિંયાથી મારો સામાન નહિ હટાવુ અને તમને લઇ જવા પણ નહિ દઉ. તમારાથી જે થાય તે કરી લો. જો તમે વધારે તાકાત લગાવશો તો હુ જેસીબી મશીન આગળ સુઇ જઇશ અને તમારાથી થાય તે કરીલો. કહીને સરકારી કામમા અડચણ ઉભી કરી હતી. જેને લઇને કેબીન ટ્રકમા ઉઠાવીને દબાણ દુર કરીને હટાવી દેવામાં આવી હતી.
આ બાબતે ઇન્ફોસિટી પોલીસ મથકમા ફરિયાદ કરવામાં આવતા મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિલા સામે કામમાં રૂકાવટ કર્યા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં બેફામ બની ગયેલા દબાણોને દૂર કરવા દબાણ હટાવ ટીમ સતત પ્રયાસો કરી રહી છે. જેથી દબાણોને કારણે નગરના નાગરિકોને હેરાન ન થવું પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.