મહુડી ગામે દર વર્ષે પરંપરાગત રીતે કાળી ચૌદશે યોજાતો હવન આ વખતે 12:39ના મુહૂર્તે યોજાશે. કોરોનાને પગલે ઘંટાકર્ણ વીરનો હવન આ વર્ષે સરકારની માર્ગદર્શિકા મુજબ મર્યાદિત 400 ભક્તની હાજરીમાં યોજાશે. હવન દરમિયાન બુધવારે સાંજે 6 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન બંધ રહેશે. જોકે તહેવાર દરમિયાન રાબેતા મુજબ ભક્તો માટે મંદિર ખુલ્લું રહેશે. માણસા તાલુકામાં આવેલા મહુડી તીર્થધામ ખાતે સુપ્રસિદ્ધ ઘંટાકર્ણ વીરનો કાળી ચૌદશો હવન યોજાતો હોય છે. જેમાં દેશ-વિદેશથી હજારો ભાવિક ભક્તો હવનનો લાભ લેવા ઊમટી પડતા હોય છે.
વર્ષમાં એક જ દિવસે યોજાતી આ પ્રક્ષાલન વિધિનું અનેરૂં મહત્ત્વ હોવાથી ભક્તજનોમાં આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે. પરંતુ 2 વર્ષથી કોરોનાને પગલે મર્યાદિત લોકો વચ્ચે જ હવન કરવામાં આવે છે. ગત વર્ષે હવનમાં 200 લોકોને જ પ્રવેશ અપાયો હતો જ્યારે આ વર્ષે સરકારે છૂટ આપતા 400 ભક્તોની હાજરીમાં હવન યોજાશે. જેમાં ભક્તોએ માસ્ક પહેરીને આવવું, સેનિટાઇઝર કરવું, ડિસ્ટન્સ રાખવું વગેરે તૈયારીઓ માર્ગદર્શિકા મુજબ શરૂ કરી દેવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.