​​​​​​​આંતરિક વિખવાદ:ચૂંટણી પૂર્વે ગાંધીનગર ભાજપમાં જૂથબંધી દૂર કરવા હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઈ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમિત શાહ અને CMના કાર્યક્રમમાં બે નેતા વચ્ચેના ઝઘડાની નોંધ લેવાઈ
  • આંતરિક વિખવાદને કારણે વિધાનસભા ચૂંટણીમાં નુકસાન થવાની ભીતિ

ગાંધીનગર શહેર ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ હવે ભાજપના ટોચના નેતાઓના કાર્યક્રમોમાં પણ બહાર આવવા લાગતા પ્રદેશ કક્ષાએથી ગંભીર નોંધ લેવામાં આવી છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા નેતાઓમાં આંતરિક વિખવાદો દૂર કરવા અને વારંવાર નેતાઓ વચ્ચે થતા ઝઘડા રોકવાની જવાબદારી ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને સોંપાઈ છે.

સ્થાનિક ભાજપના નેતાઓ વચ્ચે જૂથવાદ એ નવી વાત નથી પરંતુ કેટલાક સમયથી કેન્દ્રીય અને સિનિયર નેતાઓના કાર્યક્રમો દરમિયાન નેતાઓ વચ્ચે રીતસરના ઝઘડા થવાના કિસ્સા બનવા લાગ્યા છે. થોડા સમય અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રૂપાલ ખાતેના કાર્યક્રમ દરમિયાન ભાજપ શહેર સંગઠનમાં મહત્ત્વનો હોદ્દો ધરાવતા નેતા અને ગાંધીનગરના પણ હાલમાં પ્રદેશના એક મોરચામાં મહત્વનો હોદ્દો ધરાવતા નેતા વચ્ચે આગળની હરોળમાં બેસવા બાબતે ઝઘડો થયો હતો અને બોલાચાલી થઇ હતી.

કાર્યક્રમની ગંભીરતા સમજીને ત્યાં ઉપસ્થિત ટોચના નેતાઓએ તાત્કાલિક મામલો થાળે પાડતા વાત વણસી ન હતી, પરંતુ તેના થોડા દિવસ બાદ ગાંધીનગરના સેક્ટર-24 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રસીકરણ પ્રોગ્રામના પ્રારંભ કરાવવાના કાર્યક્રમમાં ફરી આ બે નેતાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ભારે બોલાચાલી થઇ હતી. હવે ટોચની નેતાગીરી ઉપસ્થિત હોય તેવા કાર્યક્રમોમાં સંગઠનની એકતા દર્શાવવાને બદલે આ પ્રકારના બનાવ વધતા ચૂંટણી ટાણે ભાજપને નુકસાન થવાની ભીતિથી આ મામલો પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને સોંપાયો છે.

સંગઠનના નેતા અગાઉ પૂર્વ પ્રમુખ સાથે ઝઘડ્યા હતા
​​​​​​​ગાંધીનગર શહેર સંગઠનમાં મહત્ત્વનો હોદ્દો ધરાવતા આ નેતાએ અગાઉ પણ પૂર્વ શહેર પ્રમુખ સાથે ઝઘડો અને બોલાચાલી કર્યા હતા. એ વખતે પણ મામલો પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યો હતો. એ વખતે નેતાને બોલાવીને તાકીદ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં સંગઠનમાં શિસ્ત આવી નથી. જૂથબંધીને કારણે જ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં એકપણ કોર્પોરેટરને રિપીટ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...