ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાલક્ષી કેવા પ્રકારની કામગીરી જિલ્લા કરવામાં આવે છે તે માટેની સમીક્ષા બેઠક જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં સરકારી કામ અર્થે આવતા અરજદારોનાં કામોનો ઝડપી નિકાલ કરવા માટે પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી હતી.
આજની બેઠકમાં સરકારી કચેરીએ આવતાં અરજદારોના કામોનો ઝડપી નિકાલ આવે તે ખૂબ જરૂરી છે, તેવું કહી જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ સરકારી કચેરીમાં ગ્રામ્ય કક્ષાએ ઓછું ભણેલા નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે. આવા અરજદારોને કોઇપણ પ્રકારની મુઝંવણ ન થાય તેઓને કોઇપણ કામ માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી સુચારું વ્યવસ્થા ગોઠવાય તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં ગાંધીનગર(દ)ના ઘારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ઘારાસભ્ય જે.સી.પટેલ, દહેગામના ઘારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને કલોલના ઘારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર હિતેષ મકવાણા દ્વારા વિવિઘ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. તે તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા આયોજન પ્રભાગ અંગે થયેલી કામગીરી, મેટ્રો રેલ પ્રાજેકેટ, ગીફટસીટી-યુટીલીટી ટનલ, WDFC- ( Western Dedicated Freight Corridor) , રેલ્વે ઓવરબ્રિજ, ભારતમાલા પ્રોજેક્ટ, માર્ગ- પુલના કામો, જળસંપત્તિ સંલગ્ન કામો, વાસ્મો અંતર્ગત થયેલા કામો, ડી.આર.ડી.એ.ની વિવિઘ યોજનાકીય કામોનું પ્રેઝેન્ટેશન અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, મ્યુનિસિપલ કમિશનર સંદિપ જે. સાગળે સહિત તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો , ચીફ ઓફિસરઓ,તાલુકા વિકાસ અધિકારીઓ અને અન્ય કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.