કોણ બનશે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ?:કેમ્પેઇન કમિટી ચેરમેન પદ હાર્દિકને જોઇએ છે, ભરતસિંહ દિલ્હી દોડી ગયા; શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બને તેવી શક્યતા

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાર્દિક પટેલ - ફાઇલ તસવીર
  • ઠુંમર સામે વિરોધ, વિપક્ષ નેતા આદિવાસી MLA બની શકે

દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના 15 નેતાઓની મુલાકાત બાદ સિનિયર નેતા ભરતસિંહ સોલંકીને કેમ્પેઇન કમિટીના ચેરમેનનું અતિ મહત્ત્વનું પદ મળશે તેવું બહાર આવ્યું હતું, પરંતુ હવે હાર્દિક પટેલને આ પદ મળે તેવી શક્યતા છે. ગુજરાતમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે ચાર નેતાની નિયુક્તિની યોજના બાદ હાર્દિક પટેલને તે પદ જોઇતું નથી અને તેમણે કેમ્પેઇન કમિટી ચેરમેન બનવાની ઇચ્છા હાઇકમાન્ડ સમક્ષ પ્રકટ કરી છે. આ બાબતે સોલંકીને ચિંતા પેઠી છે. તેઓ ત્રણ દિવસથી દિલ્હીમાં ધામા નાંખીને બેઠાં છે.

આ તરફ શક્તિસિંહ ગોહિલે હાઇ કમાન્ડના નેતાઓ સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે, તેઓ પ્રદેશ અધ્યક્ષ બને તેવી શક્યતા વધુ હોવાનું સૂત્રો જણાવે છે. અગાઉ જગદીશ ઠાકોર આ પદના દાવેદાર ગણાતા હતા. જોકે કેટલાંક લોકો હજુ માને છે કે શક્તિસિંહ ન બને તો જગદીશ ઠાકોરને બદલે અન્ય કોઇ ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાઇ શકે છે. જ્યારે ભરતસિંહને અન્ય રાજ્યના પ્રભારી બનાવી શકે છે.

કોંગ્રેસ 16 તારીખે જે ચિંતન શિબીર યોજવાની હતી તેના પર પ્રશ્નાર્થ લાગી ગયો છે. સૂત્રો જણાવે છે કે હવે આ શિબિર નહીં થાય અને રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે નહીં આવે. માત્ર પ્રભારી રઘુ શર્મા સભ્ય નોંધણી કાર્યક્રમમાં હાજરી આપશે.વિપક્ષ નેતા તરીકે વીરજી ઠુંમર સામે હાર્દિક અને વિપક્ષ નેતા ધાનાણીએ વાંધો ઉઠાવ્યો હોઇ હવે પક્ષ કોઇ આદિવાસી ધારાસભ્યને વિપક્ષ નેતા બનાવી શકે, જેમાં આનંદ ચૌધરી અને ડો. અનિલ જોષીયારાના નામો ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...