રાજ્યમાં નવી બહુમતી સાથે ચૂંટાયેલી ભાજપ સરકારના મંત્રી મંડળનો સોમવારે શપથવિધિ સમારોહ યોજાયો હતો. વિધાનસભાની પાછળ હેલીપેડ ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યભરના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યાં હતા. જેને પગલે પાટનગરના રસ્તાઓ ઉપર ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું. નિત્યક્રમ મુજબ નોકરી જતા કર્મચારીઓ અને સ્કૂલે જતા બાળકોને પારાવાર ત્રાસ સહન કરવો પડ્યો હતો. સામાન્ય રીતે ટ્રાફિક માટે ન ટેવાયેલા ગાંધીનગરના લોકોને અડધા દિવસ સુધી અમદાવાદના ટ્રાફિકથી ભરચક કાલુપુર સહિતના વિસ્તારોની યાદ આવી ગઈ હતી.
પાટનગરમાં સોમવારે નવી સરકારના શપથવિધિ સમારોહને લઇ રાજ્યભરમાંથી લોકો આવી પહોંચ્યા હતા. એક અંદાજ પ્રમાણે 100થી વધુ લક્ઝરી બસો અને ગાડીઓ મળીને 2 હજારથી વધુ વાહનો ગાંધીનગરની બહારથી આવ્યા હતા. જેને લઇ શહેરમાં માર્ગો ઉપર એકાએક ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું. જેને પગલે રોજીંદા નોકરીના સ્થળે જવા માટે કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના પ્રવેશદ્વાર સમા ચ-0 સર્કલ અને ઘ-0 સર્કલથી લઇને છેક ચ-3 અને ઘ-3 સુધી વાહન ચાલકોની લાંબી લાઇનો જોવા મળતી હતી. આ ઉપરાંત કોર્ટ કચેરી અને કલેક્ટર કચેરી પાસે પણ અનેક વાહનોનો ખડકલો થઇ ગયો હતો.
‘જ’ રોડ બંધ કરાતા ચ રોડ પર ટ્રાફિકનું ભારણ વધ્યું
શપથવિધિને લઈને જ રોડ પર સામાન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. આ ઉપરાંત ઇન્દીરાબ્રિજથી ઇન્દ્રોડા સર્કલ સુધીના માર્ગમાં 50 મીટર સુધી તમામ વિસ્તારને નો પાર્કિગ ઝોન પણ જાહેર કરાયો હતો. જેથી જ રોડ પરથી પસાર થતાં રોજિંદા વાહનો ચ-રોડ અને ઘ-રોડ ઉપર ડાયવર્ટ થયા હતા. પરિણામે શહેરના રસ્તાઓ ઉપર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હતી.સેક્ટર-11ના કોમર્શિયલ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ પાર્કિંગનો ગંભીર પ્રશ્ન રહેલો હોય છે. તેમાં શપથવિધિ માટે આવેલા અનેક લોકોએ અંદર વિસ્તારોમાં રસ્તા પર જ પાર્કિંગ કર્યા હતા. જેને પગલે સેક્ટર-11ના કોમર્શિયલ વિસ્તારમાં થોડી થોડીવારે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે આ વિસ્તારમાં કામ માટે આવતા નાગરિકોને તેનો ભોગ બનવું પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.